ભરુચ GIDC પ્લોટ ફાળવણીમાં 2000 કરોડના કથિત કૌભાંડ મામલે કોંગ્રેસ ભાજપ આમને સામને

Bharuch GIDC land allotment Scam vs BJP Congress : ભરૂચ જીઆઈડીસી માં જમીન ફાળવણીમાં મોટુ કૌભાંડ થયાના કોંગ્રેસના આક્ષેપ બાદ ભાજપે આપ્યો ખુલાસો, કહ્યું કોંગ્રેસ નેતાના આક્ષેપ પાયાવિહોણા અને કાલ્પનિક છે.

Bharuch GIDC land allotment Scam vs BJP Congress : ભરૂચ જીઆઈડીસી માં જમીન ફાળવણીમાં મોટુ કૌભાંડ થયાના કોંગ્રેસના આક્ષેપ બાદ ભાજપે આપ્યો ખુલાસો, કહ્યું કોંગ્રેસ નેતાના આક્ષેપ પાયાવિહોણા અને કાલ્પનિક છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Bharuch GIDC scam controversy

ભરૂચ જીઆઈડીસી કૌભાંડ વિવાદ

Bharuch GIDC Land Allotment Scam! : કોંગ્રેસે રવિવારે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) પર ભરૂચ અને સાયખામાં કારોબારને ઉચા ભાવે ફાળવવામાં આવેલી જમીનમાં રૂ. 2,000 કરોડના કથિત કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. અધિકારીઓ પર મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા, પાર્ટીએ હાઇલાઇટ કર્યું હતું કે, ગુજરાત સરકારે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણી પહેલા દહેજ અને સાયખાને સંતૃપ્ત ઝોન તરીકે જાહેર કરવાના 2023 ના નિર્ણયને પાછો ખેંચ્યો હતો.

Advertisment

ભરુચ જીઆઇડીસી જમીન કૌભાંડ મામલે રાવ વ્યક્ત કરતાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજ્યની તિજોરીને જંગી આવકનું નુકસાન પહોંચાડતા કથિત કૌભાંડની સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, પ્લોટની કિંમત 10,000 રૂપિયા પ્રતિ ચોરસ મીટર છે. તેમની હરાજી કરીને, GIDC એ માત્ર રૂ. 2,845 પ્રતિ ચોરસ મીટરના દરે ફાળવી દીધી છે.

કેંગ્રેસે શું આક્ષેપ કર્યો?

ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આક્ષેપ કર્યો કે, "અચાનક, અત્યંત શંકાસ્પદ અને રહસ્યમય રીતે, લોકસભાની ચૂંટણી પહેલા, GIDC મેનેજમેન્ટ અને ઉદ્યોગ વિભાગે ફેબ્રુઆરી 2024 માં સાયખા અને દહેજને સંતૃપ્ત વસાહતો તરીકે જાહેર કરવાના તેના અગાઉના નિર્ણયને પાછો ખેંચી લીધો." જીઆઈડીસીએ આ પ્રકારનો નિર્ણય પલટાવવાની આ પહેલી ઘટના હતી. દહેજ અને સાયખા બંને એસ્ટેટને રાતોરાત અસંતૃપ્ત જાહેર કરવામાં આવી હતી, જેનો અર્થ છે કે જંત્રીના દરે પ્લોટ ફાળવી શકાય છે, જે દહેજ માટે રૂ. 2,845 પ્રતિ ચોરસ મીટર અને સાયખા એસ્ટેટ માટે રૂ. 3,075 પ્રતિ ચોરસ મીટર છે."

તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે, GIDCએ પહેલાથી જ રૂ. 2,845 પ્રતિ ચોરસ મીટરના દરે પાંચ લાખ ચોરસ મીટર પ્લોટ ફાળવ્યા છે અને તે જ દરે દહેજ અને સાયખામાં લગભગ 20 લાખ ચોરસ મીટર જમીન ફાળવવાનું આયોજન છે. “આ રાજ્યની તિજોરીને રૂ. 2,000 કરોડથી વધુનું સીધું નુકસાન છે. મુખ્યમંત્રી (ભુપેન્દ્ર પટેલ) ગાંધીનગરની GIDC ઓફિસમાં કેમ નથી જતા.

Advertisment

મની લોન્ડરિંગની તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને આદેશ આપવા માટે મુખ્યમંત્રીને માંગ કરતા, ગોહિલે આરોપ લગાવ્યો કે મુઠ્ઠીભર લોકો, મંત્રીઓ, અમલદારો અને ભાજપના નેતાઓ જીઆઈડીસીનું શોષણ કરી રહ્યા છે અને વેપારીઓ અને કોર્પોરેટ પાસેથી નાણાં પડાવી રહ્યા છે. “એપ્રિલ 2023 માં, GIDC એ સાયખા GIDC માટે 20,000 થી 60,000 ચોરસ મીટર સુધીના પ્લોટ માટે અરજીઓ મંગાવી હતી, જે એક રાસાયણિક ક્ષેત્ર છે, જ્યાં જમીનની વધુ માંગ છે. GIDC ને જાહેરાતના જવાબમાં ઘણી અરજીઓ મળી હતી. જો કે, જૂન 2023 માં, GIDC મેનેજમેન્ટે તમામ અરજીઓને નકારી કાઢવાનો અને સાયખા અને દહેજને સંતૃપ્ત GIDC તરીકે જાહેર કરવાનો નિર્ણય કર્યો. તેના પર એક સરકારી ઠરાવ જાહેર કરવામાં આવ્યો હતો.”

શું છે મામલો?

કોઈપણ વિસ્તાર અથવા GIDC ને સંતૃપ્ત જાહેર કરવાનો અર્થ એ છે કે, માત્ર થોડા જ પ્લોટ ઉપલબ્ધ છે અને તેના કબજામાં રહેલા બાકીના તમામ પ્લોટ હરાજી દ્વારા વેચવામાં આવશે, જેનાથી રાજ્યને વધુ આવક થાય, પરંતુ સરકારે સાયખા અને દહેજને સંતૃપ્ત વસાહતો તરીકે જાહેર કરવાના તેના અગાઉના નિર્ણયને પાછો ખેંચી લીધો. જેના પગલે હવે સાયખા અને દહેજમાં જંત્રીના દરે પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે, જે દહેજ માટે રૂ. 2,845 પ્રતિ ચોરસ મીટર અને સાયખા એસ્ટેટ માટે રૂ. 3,075 પ્રતિ ચોરસ મીટર છે." કોંગ્રેસનો આક્ષેપ છે કે, જો હરાજી કરવામાં આવી હોત તો, 10 હજાર રૂપિયા ચોરસ મીટરના ભાવે હરાજીથી વેચવાથી સરકારની તીજોરીને મોટો ફાયદો થયો હોત, આ નિર્ણયથી 2000 કરોડનું નુકશાન થયું.

ગોહિલે માંગણી કરી કે, "હું રાજ્ય સરકારને સ્પષ્ટતા કરવા માંગું છું કે, તેમણે દહેજ અને સાયખા જીઆઈડીસી એસ્ટેટ અંગેનો નિર્ણય શા માટે પાછો ખેંચવો પડ્યો? બોર્ડે કોના કહેવા પર આ નિર્ણય લીધો? સરકારે દહેજ અને સાયખામાં જીઆઈડીસી એસ્ટેટ પાછી લેવી જોઈએ." તે શા માટે ઉપલબ્ધ પ્લોટની જાહેર હરાજી કરવા માંગતી નથી. ઇડી, ઇન્કમટેક્સ અને સીબીઆઇએ સંયુક્ત રીતે જીઆઇડીસી બોર્ડના સભ્યોની સંપત્તિની તપાસ કરવી જોઈએ અને તપાસને પારદર્શક રાખીને લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ."

ભરૂચ જીઆઈડીસી જમીન ફાળવણી કૌભાંડ મામલો: કોંગ્રેસના આક્ષેપ બાદ ભાજપે શું કર્યો ખુલાસો?

ભરૂચ જીઆઈડીસી જમીન ફાળવણી મામલામાં મોટટું કૌભાંડ થયું હોવાના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આક્ષેપ બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે કોંગ્રેસના આક્ષેપને સત્યથી વેગળા અને પાયા વિનાના તથા લોકોને ગેરમાર્ગે દોરનારા-ગણાવ્યા છે.

આ મામલે ખુલાસો કરતા રાજ્ય સરકારના પ્રવક્તા-આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, ગુજરાતના વૈશ્વિક ઔદ્યૌગિક વિકાસમાં જી.આઈ.ડી.સી. મહત્વનું યોગદાન આપી રહી છે. સમગ્ર રાજ્યમાં અંદાજે 239 જેટલા ઔદ્યોગિક વસાહતોમાં 70,000 થી વધુ ઔદ્યોગિક એકમોની ફાળવણી કરવામાં આવી છે. જેના મારફતે ઘરેલું ઉત્પાદન, નિકાસ, રોજગારી, સંશોધન જેવા અનેક હેતુઓ પૂરા થાય છે અને તેના મારફતે રાજય તેમજ રાષ્ટ્રની આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળે છે.

તેમણે જણાવ્યું છે કે, જી.આઈ.ડી.સી. સરકાર પાસેથી કે સંપાદન દ્વારા જરૂરી જમીન મેળવી માળખાકીય સુવિધાઓ ઊભી કરીને નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ઉદ્યોગકારોને પોષણક્ષણભાવે જમીન આપે છે. જી.આઈ.ડી.સી. નફાના હેતુ માટે સ્થપાયેલી સંસ્થા નથી. તેથી તેની સરખામણી પ્રાઈવેટ પાર્ક કે ડેવલપર્સ સાથે કરી શકાય નહીં.

ઔદ્યોગિક વસાહતમાં 90% પ્લોટ ફાળવણી બાદ સંતૃપ્ત વસાહત જાહેર કરાય

મંત્રીએ વધુમાં કહ્યું કે, જીઆઇડીસી દ્વારા કોઈ પણ ઔદ્યોગિક વસાહતમાં 90% કે તેથી વધુ પ્લોટોની ફાળવણી ધ્યાને લઇ સંપૂર્ણ વસાહતને સંતૃપ્ત (saturated) વસાહત જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 161 વસાહતો સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર વસાહતના (ના કે વસાહતના કોઈ અમુક ઝોનના) ઉપલબ્ધ પ્લોટ આધારે જ સમગ્ર વસાહતને એક યુનિટ તરીકે ગણીને જ સેચ્યુરેટેડ વસાહત તરીકે નિયત કરવામાં આવે છે.

દહેજ અને સાયખામાં માત્ર કેમિકલ ઝોનમાં 90 ટકા પ્લોટો વેચાયા

દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ તેમ જ એન્જિનિયરિંગ ઝોન આવેલા છે. સદર ઔદ્યોગિક વસાહતોના કેમિકલ ઝોનમાં 90 ટકા જેટલા પ્લોટો વેચાયા હોવાથી, જી.આઈ.ડી.સી. દ્વારા નિયામક મંડળની 518 મી સભામાં ફક્ત આ કેમિકલ ઝોનને સેચ્યુરેટેડ ઝોન જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ઔદ્યોગિક સંગઠનો, ઉદ્યોગકારોની રજૂઆત બાદ અસંતૃપ્ત (unsaturated) જાહેર કરાયા

પરંતુ ત્યારબાદ વિવિધ ઔદ્યોગિક સંગઠનો, ઉદ્યોગકારો તરફથી રજૂઆતો મળી કે, સમગ્ર વસાહતના 90 ટકા પ્લોટ વેચાયા હોય તો જ તેને સેચ્યુરેટેડ જાહેર કરી શકાય છે. જી.આઈ.ડી.સી.એ પણ આ સંદર્ભમાં તેની પ્રણાલીને આધીન રહીને ૫૧૯મી બોર્ડ બેઠકમાં સાયખા અને દહેજના સમગ્ર ઔદ્યોગિક વસાહતના 90 ટકા સુધીના પ્લોટોની ફાળવણી થયેલ ન હોય, સમગ્ર સાયખા અને દહેજ ઔદ્યોગિક વસાહતને અનસેચ્યુરેટેડ જાહેર કરી.

કોંગ્રેસનો આક્ષેપ તદ્દન પાયાવિહોણો અને કાલ્પનિક

ત્યારબાદ આજ સુધી સાયખામાં કોઈ ઉદ્યોગોને જમીનની ફાળવણી કરવામાં આવી નથી. અને તેથી સાયખામાં જમીન ફાળવીને સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવાનો જે આક્ષેપ થયો છે તે તદ્દન પાયાવિહોણો અને કાલ્પનિક છે.

કોંગ્રેસના સમયમાં હરાજી થતી જ ન હતી, અમે જ આ પ્રણાલી શરૂ કરી

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને એ વાતનો ખયાલ જ હશે કે, તેમની કોંગ્રેસ સરકારના સમય ગાળામાં હરાજી વગર જ માત્ર નક્કી થયેલ ફાળવણી દરે ફાળવણી કરવામાં આવતી હતી. પરંતુ ભાજપ સરકાર આવ્યા પછી સેચ્યુરેટેડ એસ્ટેટમાં જાહેર હરાજીથી પ્લોટોની ફાળવણી કરવાની પ્રણાલી શરૂ થઈ છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે, આવેલી જૂની અરજીઓ સાથે વાટાઘાટો અને વહીવટ બાદ ભ્રષ્ટાચાર થયો છે તેવો જે આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કર્યો છે તેને પાયા વિનાનો ગણાવતા ઉમેર્યું છે કે જૂની મંગાવેલ અરજીઓ પૈકી એકપણ અરજદારને આજદિન સુધી પ્લોટ ફાળવવામાં આવ્યો નથી એટલે વાટાઘાટાનો કોઇ પ્રશ્ન જ ઉદ્દભવતો નથી.

આ પણ વાંચો - ગુજરાત મોનસૂન વેધર : આજે ક્યાં કેવો વરસાદ પડ્યો? આગાહી – આગામી ચાર દિવસ આ જિલ્લાઓમાં રહેશે મેઘ મહેર

સાયખા ખાતે એપ્રિલ 2023 થી આજ સુધી કોઈ પ્લોટ ફાળવણી કરવામાં આવી નથી, તેથી સરકારને નાણાંકીય નુકશાન પહોચાડ્યું હોવાની રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલી વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી તથા માત્ર ને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટેનાં હવાતિયાં સમાન છે.

ભરૂચ ગુજરાતી ન્યૂઝ ગુજરાત સરકાર ગુજરાત congress ભાજપ