Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 દેશમાં ચાલી રહી છે. વોટિંગના સાત તબક્કામાં પુરા થઇ ગયા છે. હવે અંતિમ તબક્કાની ચૂંટણી 1 જૂનના રોજ યોજાશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાઈ ગઇ છે. આ પ્રસંગે ગુજરાતના લોકસભામાં કેટલા ઉમેદવારો પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે તે જણાવી રહ્યા છીએ. ગુજરાતની 26 લોકસભા સીટ પર કુલ 266 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 14 ટકા ઉમેદવાર એટલે કે 36 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 21 ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) દ્વારા ચૂંટણી લડી રહેલા 266 ઉમેદવારોની એફિડેવિટને આધારે તેમનું વિશ્લેષણ જાહેર કરવામાં આવ્યું છે.
પાર્ટી પ્રમાણે વાત કરવામાં આવે તો ભાજપના 26માંથી 4 ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 2 ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. કોંગ્રેસના 23 ઉમેદવારો પૈકી 5 સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 3 સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારોમાંથી 1 ઉમેદવાર સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.
ચૈતર વસાવા પર 13 ક્રિમિનલ કેસ
સૌથી વધુ ક્રિમિનલ કેસ ભરૂચ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા અને અપક્ષના ઉમેદવાર ઇસ્માઇલ અહેમદ પટેલ પર છે. ચૈતર વસાવા પર 13 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. ચૈતર વસાવા સામે ધાડ, છેડતી, ઘરફોડ, ઉશ્કેરણીજનક સ્પીચ, આત્મહત્યા કરવા દુષ્પ્રેરિત કરવા સહિતની કલમ હેઠળ ગુના નોંધાયેલા છે. ઇસ્માઇલ પટેલ વિરુદ્ધ 13 ગુના નોંધાયેલા છે. જેમાંથી 12 ગંભીર પ્રકારની કલમ અને 18 અન્ય કલમ હેઠળ નોંધાયેલા છે.
આ પણ વાંચો – અમરેલી ભાજપ કાઉન્સિલર અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયા, સભ્યપદ રદ કરાયું
ગુજરાત લોકસભા ચૂંટણીમાં અપક્ષમાં 118 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી 18 ઉમેદવારો પર ગુના નોંધાયા છે. જેમાંથી 11 અપક્ષ ઉમેદવારો ગંભીર ગુનામાં આરોપી છે. આમ ગુજરાતના કુલ 266 ઉમેદવારોમાંથી 36 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાંથી 21 ઉમેદવારો ગંભીર ગુનામાં આરોપી છે.
લોકસભા ચૂંટણી – ગુજરાતમાં કયા ઉમેદવાર સામે કેટલા કેસ
- ચૈતર વસાવા – આમ આદમી પાર્ટી – 13
- અનંત પટેલ – કોંગ્રેસ – 4
- અમિત શાહ – ભાજપ – 3
- હીરાભાઈ જોટવા – કોંગ્રેસ – 2
- ગેનીબેન ઠાકોર – કોંગ્રેસ – 1
- રાજેશ ચુડાસમા – ભાજપ – 1
- ચંદનજી ઠાકોર – કોંગ્રેસ – 1
- હિંમતસિંહ પટેલ – કોંગ્રેસ – 2
- સુખરામ રાઠવા – કોંગ્રસ – 1
- જશુભાઈ રાઠવા ભાજપ – 1
ગુજરાત ભાજપના 26 પૈકી 24 ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 23 પૈકી 21 ઉમેદવાર કરોડપતિ છે. સૌથી વધુ મિલકત ધરાવતા 3 ઉમેદવારો ભાજપના છે. જેમાં પૂનમ માડમ પાસે 147 કરોડ, અમિત શાહ પાસે 65 કરોડ અને સી.આર. પાટીલ સામે 39 કરોડની સંપત્તિ છે.