Gujarat Lok Sabha Election Result 2024 Key Constituency Live : લોકસભા ચૂંટણી પરિણામ 2024 માટે મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ગુજરાતની હાઈ પ્રોફાઈલ બેઠકો પર બધાની નજર હતી, જેમાં બનાસકાંઠા, વલસાડ, ભરૂચ, રાજકોટ, પોરબંદર, નવસારી અને ગાંધીનગર બેઠકોનો સમાવેશ કરી શકાય.
બનાસકાંઠા લોકસભા બેઠક પરિણામ 2024
બનાસકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો, આ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપની ક્લીન સ્વીપના સપનાને તોડી 10 વર્ષ બાદ કોંગ્રેસનું ખાતુ ખોલાવી આપ્યું છે. ગેનીબેન ઠાકોરને 671883 મત મળ્યા, તો ભાજપ ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 641477 મત મળ્યા. કોંગ્રેસ ઉમેદવારની 30406 મતના માર્જિનથી જીત થઈ છે.
વલસાડ લોકસભા બેઠક પરિણામ 2024
વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલની શાનદાર જીત થઈ છે. વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલને 764226 મત મળ્યા, તો કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલને 553522 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 210704 માર્જિનથી જીત થઈ છે.
ભરૂચ લોકસભા બેઠક પરિણામ 2024
ભરૂચ લોકસભા બેઠક પર બે આદિવાસી નેતાઓ વચ્ચે જંગ હતો. જેમાં આપના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાજપના છ વખતના સાંસદ મનસુખ વસાવા સામ સામે હતા. તો આ બેઠક પર ભાજપ નેતા મનસુખ વસાવાને 608157 મત મળ્યા તો આપ નેતા ચૈતર વસાવાને 522461 મત મળ્યા. અને ભાજપના નેતાની 85696 મત માર્જિનથી જીત થઈ છે.
રાજકોટ લોકસભા બેઠક પરિણામ 2024
રાજકોટ બેઠકની વાત કરીએ તો, ચૂંટણી પહેલા રાજપૂત સમાજ દ્વારા સખતવિરોધ વચ્ચે આ બેઠક ખુબ ચર્ચામાં રહી હતી. ભાજપે રાજકોટથી પરષોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા હતા. તો સામે કોંગ્રેસે 22 વર્ષ પહેલાના પુનરાવર્તનની આશાએ પરેશ ધાનાણીને ટિકિટ આપી હતી. પરંતુ રાજકોટ બેઠક પર ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાને 857984 મત તો કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીને 373724 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 484260 મત માર્જિનથી જીત થઈ છે.
પોરબંદર લોકસભા બેઠક પરિણામ 2024
પોરબંદર બેઠક પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ વસાવાને ભાજપે લોકસભા ઉમેદવાર બનાવ્યા હતા. તો સામે કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ નેતા મનસુખ માંડવિયાને 633118 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાને 249758 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 383360 માર્જિનથી જીત થઈ છે.
નવસારી લોકસભા બેઠક પરિણામ 2024
નવસારી બેઠકની વાત કરીએ તો, ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ મેદાનમાં હતા. જે નવસારી બેઠક પરથી ત્રણ વખતથી મોટા માર્જિન સાથે ચૂંટણી જીતતા આવ્યા છે. આ વખતે પણ તેઓ કેટલા માર્જિન મત સાથે જીતશે તેના પર બધાની નજર હતી. તો આ વખતના પરિણામની વાત કરીએ તો, સીઆર પાટિલે અગાઉના તમામ રેકોર્ડ તોડી 773551 મતના માર્જિનથી જીત નોંધાવ કોંગ્રેસ ઉમેદવાર નૈષેધ દેસાઈને હરાવ્યા છે.
આ પણ વાંચો – ગુજરાતની તમામ 26 બેઠકો પરના પરિણામની પળે પળની માહિતી
ગાંધીનગર લોકસભા બેઠક પરિણામ 2024
ગાંધીનગર લોકસભા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ કહેવાય છે. આ બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં હતા અને મોટા માર્જિનથી જીતવાનો રેકોર્ડ બનાવવાની આશા સાથે ચૂંટણી મેદાનમાં હતા. સામે કોંગ્રેસે સોનલ બેન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. અમિત શાહે ગાંધીનગરમાં પ્રચંડ 744716 મત માર્જિનથી જીત મેળવી છે.