Lok Sabha Election 2024 : ગુજરાતમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. નીતિન પટેલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં નીતિન પટેલે લખ્યું છે કે ચૂંટણી માટે દાવેદાર ઉમેદવારોમાં મારા નામની વિચારણા કરવી નહીં.
નીતિન પટેલે શું કહ્યું
નીતિન પટેલે એક ટ્વિટ કર્યું છે. જેમાં કહ્યું છે કે મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી. ગઇકાલે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકે મારી દાવેદારી પરત ખેંચુ છું. નરેન્દ્ર મોદીજી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વે સાથીદારોનો હું ખુબ ખુબ આભાર માનું છું.
ભાજપે ગુજરાતની 15 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા
લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતની 15 બેઠકો માટે નામ જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, 15 ઉમેદવારોમાં 10 રિપીટ નામ જાહેર કરાયા, જ્યારે પાંચ નવા નામ જાહેર કરાયા છે, એટલે કે પાંચની ટિકિટ કાપવામાં આવી છે.
આ પણ વાંચો – ભાજપે 195 બેઠકો માટે ઉમેદવારોની કરી જાહેરાત, 28 મહિલા, 47 યુવાન…, જુઓ સંપૂર્ણ લિસ્ટ
સૌપ્રથમ ગુજરાતમાં 10 રિપીટ નામની વાત કરીએ તો, તેમાં અમિત શાહ ગાંધીનગરથી, સીઆર પાટીલ નવસારીથી, દેવુસિંહ ચૌહાણ ખેડાથી, મનસુખ વસાવા ભરૂચથી, પૂનમ માડમ જામનગરથી, વિનોદ ચાવડા કચ્છથી, ભરતજી ડાભી પાટણથી, મિતેશ પટેલ આણંદથી, જસવંતસિંહ ભાભોર દાહોદથી, પ્રભુ વસાવા બારડોલીથી રિપીટ થયા છે.
પાંચ નવા ચહેરા – કોણ કઈ બેઠક પર ચૂંટણી લડશે?
જ્યારે નવા ચહેરામાં પાંચ નામનો સમાવેશ થાય છે, જેમાં પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી, મનસુખ માંડવીયા પોરબંદરથી, દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમથી, રેખા ચૌધરી બનાસકાંઠાથી અને રાજપાલસિંદ જાધવ પંચમહાલથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે.
11 બેઠક પર નામ જાહેર કરવાના બાકી
ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે, જેમાં 15 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 11 બેઠકો પર હજુ નામ જાહેર કરવાના બાકી છે, જેમાં અમદાવાદ ઈસ્ટ, અમરેલી, છોટાઉદેપુર, જૂનાગઢ, ભાવનગર, મહેસાણા, વડોદરા, વલસાડ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગર બેઠક છે.





