PM Modi Gujarat Tour Schedule : લોકસભા ચૂંટણી 2024માં મતદાનના બે તબક્કા પુરા થયા છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન 7 મે ના રોજ થશે. આ તારીખે ગુજરાતની બધી જ સીટો પર મતદાન થશે. ગુજરાતમાં મતદાનનો તબક્કો નજીક આવતા હવે મોટા નેતાઓ ગુજરાતમાં ચૂંટણી સભાને સંબોધવા આવશે. પીએમ મોદી પણ પ્રચાર માટે બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. ગુજરાતમાં બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ 6 સ્થળ પર સભાને સંબોધન કરશે.
પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ
પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો એક કાર્યક્રમ જાહેર થયો છે. જેમાં આગામી 1 અને 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 6 સ્થળ પર જનસભા યોજશે. મળતી માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદીની સભા ડીસા, હિંમતનગર, આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં યોજાશે.
પીએમ મોદી 1 મે ને બુધવારના રોજ ડીસા અને હિંમતનગર એમ બે સ્થળ પર સભાને સંબોધશે. ગુજરાત પ્રવાસના બીજા દિવસ એટલે 2 મે ને ગુરુવારે રોજ આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં સભા સંબોધશે.
આ પણ વાંચો – ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : 25 બેઠક પર 265 ઉમેદવાર વચ્ચે જંગ, જુઓ સમગ્ર યાદી
ગુજરાતમાં 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન
ગુજરાતમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરતા ઉમેદવારો અને કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 25 સીટો પર 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. સુરતની બેઠક બિનહરિફ થતા ત્યાં ચૂંટણી યોજાશે નહીં.