Rahul Gandhi in Patan : લોકસભા ચૂંટણી 2024માં પ્રચાર માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. રાહુલ ગાંધીએ પાટણમાં ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ સભાને સંબોધન કરીને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આજે દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. એક તરફ કોંગ્રેસ પાર્ટી અને INDIA ગઠબંધન છે, જેઓ બંધારણ બચાવવામાં લાગેલા છે. બીજી બાજુ નરેન્દ્ર મોદી અને આરએસએસ છે, જેઓ બંધારણ ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદીજીએ ખેડૂતોની લોન માફ નથી કરી- રાહુલ ગાંધી
તેમણે કહ્યું કે આજે પહેલીવાર ભાજપના નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે જો તેઓ ચૂંટણી જીતશે તો તેઓ બંધારણ અને લોકશાહીનો ખતમ કરશે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે આજે ભારતમાં 22 લોકો એવા છે જેમની પાસે 70 કરોડ ભારતીયો જેટલી સંપત્તિ છે. નરેન્દ્ર મોદીજીએ ખેડૂતોની લોન માફ નથી કરી, પરંતુ આ 22-25 લોકોના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. આ 24 વર્ષના મનરેગાના નાણાં છે જે તેમણે માફ કર્યા છે. ભારતમાં 1% લોકો 40% સંપત્તિ પર નિયંત્રણ કરે છે. આ દેશનું સત્ય છે.
આ પણ વાંચો – ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : પાટણ બેઠક પરિણામ અને ઇતિહાસ, બે ઠાકોર ઉમેદવાર વચ્ચે જંગ
રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદી અને ભાજપના લોકો કહે છે કે તેઓ અનામત ખતમ કરી દેશે. અનામતનો અર્થ છે દેશના પછાત લોકો, ગરીબો, દલિતો અને આદિવાસીઓની ભાગીદારી. જ્યારે ખાનગીકરણ અને અગ્નિવીર જેવી યોજનાઓ આરક્ષણને ખત્મ કરવાના માર્ગો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મહાલક્ષ્મી યોજનાથી મહિલાઓને મદદ કરીશું. ગરીબી રેખાની બહાર ના આવે ત્યાં સુધી અમે મદદ કરતા રહીશું. કોંગ્રેસ દર વર્ષે મહિલાઓને રૂપિયા આપશે.
રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાને યાદ કર્યા
રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાને યાદ કરીને કહ્યું હતું કે ભાવનગરના મહારાજાએ દેશ માટે જે કર્યું, પોતાનું રાજ જે તેમણે દેશને સમર્પિત કર્યું . તેમને આપણે યાદ કરીએ છીએ. તેમનો ધન્યવાદ કરીએ છીએ. તેમનું સન્માન કરીએ છીએ.