લંડનની એક અદાલતે ગુરુવારે જામનગરના ભાગેડુ ગેંગસ્ટર જયેશ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ભારતને સોંપવાની એટલે કે પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો છે. લંડનની અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું કે, જયેશ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં ઘણી પોલીસ ફરિયાદો અને કેસો નોંધાયેલા છે અને તેની કસ્ટડી સોંપવી જરૂરી છે. ભારતને ગેંગસ્ટરનું પ્રત્યાર્પણ કરવાનીની તરફેણમાં ચુકાદો આપ્યા પછી લંડનની અદાલતે આ મામલો આગળની પ્રક્રિયા માટે યુનાઇટેડ કિંગડમની સરકારને મોકલ્યો છે.
ગુજરાતના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) દીપન ભદ્રને ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ચુકાદો આપ્યો છે કે પ્રથમ દૃષ્ટિએ, જયેશ રાણપરિયાને ભારતમાં મોકલવાના કારણો છે અને તેથી તેનું પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો છે.”
ભદ્રન થોડા વર્ષો પહેલા જામનગર જીલ્લા પોલીસના અધિક્ષક તરીકે તૈનાત હતા તે સમયે ગુજરાતના જામનગર જીલ્લામાં રાણપરીયા સામે ઘણા કેસો નોંધવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, “રાણપરિયાને ભારતમાં પરત લાવવામાં આ એક મહત્વપૂર્ણ જીત છે અને ગુજરાતમાં વોન્ટેડ વ્યક્તિની પ્રત્યાર્પણની માંગણીના કેસમાં યુકેની કોર્ટે તરફેણમાં ચુકાદો આપ્યો હોય તેવી પ્રથમ ઘટના છે.”
જયેશ રાણપરિયા વર્ષ 2018થી યુકેમાં છુપાયેલો હોવાનું મનાય છે. માર્ચ 2021માં લંડનના ક્રોયડનથી ઇન્ટરપોલ દ્વારા ગેંગસ્ટર જયેશ રાણપરિયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે ભારતને પ્રત્યાર્પણ કરવાની સહમતિ ઇનકાર કર્યા બાદ લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટે તેને વેન્ડ્સવર્થ જેલમાં મોકલ્યો હતો.
ડીઆઈજીએ વધુમાં જણાવ્યું હતું કે અદાલતે પ્રત્યાર્પણની આગળની પ્રક્રિયા માટે મામલો બ્રિટનના મંત્રાલયને મોકલી લીધો છે. “સામાન્ય રીતે, બ્રિટિશ સરકાર પ્રત્યાર્પણનો આદેશ આપતી અદાલતના ચુકાદાની વિરુદ્ધ નથી ગઈ, જો યુકે સરકાર ભારતમાં તેના પ્રત્યાર્પણને મંજૂરી આપે તો ગેંગસ્ટર પાસે બ્રિટિશ હોમ સેક્રેટરીના આદેશ સામે અપીલ કરવાનો વિકલ્પ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા અને બેંક કૌભાંડી લોન ડિફોલ્ટર નીરવ મોદી અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના પૂર્વ કમિશનર લલિત મોદીના પ્રત્યાર્પણના પ્રયાસ કરી રહી છે.
ગેંગસ્ટર જયેશ પટેલ વિરુદ્ધ ઘણા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં એડવોકેટ કિરીટ જોશીની હત્યા, કોલેજના પ્રોફેસર પરસોત્તમ રાજાણી તેમજ બિલ્ડર જયસુખ પેઢાડિયા અને ગિરીશ ડેર પર ગોળીબાર કરીને તેમની હત્યા કરવાનો પ્રયાસનો ગુનો સામેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ સુપ્રીટેન્ડેન્ટ નીતીશ પાંડેએ જણાવ્યું કે, ગુજરાત પોલીસે બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસની મદદથી મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી તરફેણમાં ચુકાદો મેળવવા માટે પૂરતા પુરાવા રજૂ કર્યા છે.
રાણપરિયા સામે કેસ દાખલ કરવામાં આવ્યા ત્યારે પાંડેને જામનગરના એડિશનલ એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ ઓક્ટોબર, 2020માં ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) એક્ટ હેઠળ ગેંગસ્ટર સામે નોંધાયેલા કેસમાં તપાસ અધિકારી હતા.