Lunawada Accident : મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુતાની એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા, ટેમ્પોમાં સવાર 5 લોકોના મોત થયા છે, જ્યારે 33 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ગંભીર રીતે ઘાયલ લોકોને ગોધરા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યારે અન્ય 14 ઈજાગ્રસ્તને લુણાવાડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં અરેઠી ગામના બ્રિજ નજીક પાઘડીના પ્રસંગે જતા મુસાફરોના ટેમ્પાને અકસ્માત સર્જાયો હતો, શુભ પ્રસંગે જતા સમયે અકસ્માત સર્જાતા ખુશી માતમમાં છવાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે 19 લોકોને ગંભીર ઈજા પહોંચતા ગોધરા ખસેડવામાં આવ્યા છે, જદ્યારે 14 લોકોને લુણાવાડા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, પાઘડીના પ્રસંગ માટે મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેપુરથી ટેમ્પોમાં 33 લોકો સાત તળાવ ગામે જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે અરેઠી ગામ પાસે બ્રિજ પર ઈન્ડિકા કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ટેમ્પોમાં બેઠેલા મુસાફરોમાં 5 લોકોના સ્થળ પર મોત થયા હતા, જ્યારે 19 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને 108 દ્વારા ગોધરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 14 લોકોને નાની મોટી ઈજા થતા તેમને લુણાવાડા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારી સહિત ધારાસભ્ય પણ પીડિત લોકોની ખબર અંતર માટે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો – પાટણ: રાધનપુર કચ્છ હાઈવે પર જીપ ટ્રક પાછળ ઘુસી ગઈ, 6 મુસાફરના મોત, ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા
આ મામલે ડીવાયએસપી પીએસ વળવીએ ઈન્ડિયન એક્સપ્રેસને માહિતી આપતા કહ્યું કે, લુણાવાડા તાલુકાના મલેપુરથી લુણાવાડા આવતી ઈન્ડિકા કાર અને ગઠા ગામથી સાત તળાવ માટે પાઘડીના શુભ પ્રસંગ માટે મુસાફરોને લઈ જતા ટેમ્પો વચ્ચે અરેઠી બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો, આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, 19 લોકોની હાલત ગંભીર જણાતા તેમને ગોધરા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 14 લોકોની લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે મૃતકો અને ઘાયલ લોકોના પરિવારનો સંપર્ક કરી તેમને પણ જાણ કરવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.