Gujarat Uttarayan Celebrates : રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે. ઉત્તરાયણના પર્વ પર પવન સારો રહેતા પતંગરસીયાઓને મોજ પડી ગઇ હતી. ધાબા પર કાપ્યો છે અને લપેટ-લપેટની બુમો સાંભળવા મળી હતી. ગીતો પણ વાગતા જોવા મળ્યા હતા.
અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી
ઉત્તરાયણના પર્વની ઉજવણી કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં કરી હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા શાહે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેન્ટના ધાબા પર મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. અમિત શાહે સ્થાનિક લોકો અને બાળકો સાથે મુલાકાત કરી ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી.
અમિત શાહે જગન્નાથ મંદિરે દર્શન અને આરતી બાદ ગૌમાતાની પૂજા કરી હતી. બપોર બાદ અમિકત શાહે ન્યૂ રાણીપ વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી.
પતંગની દોરીના કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યો
ઉત્તરાયણની ઉજવણી વચ્ચે પતંગની દોરીના કારણે ચાર લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં અને હાલોલના રાહતલાવ ગામમાં પણ પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મોતની ઘટના સામે આવી છે. હાલોલમાં પિતા બાઈક ઉપર બેસાડી ફુગ્ગા લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન બાળકના ગળાના ભાગે પતંગ દોરી વાગવાની બની ઘટના હતી. ચોથો બનાવ કડીના ક
સ્બા વિસ્તારમાં આવેલ વીજતાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો – મકરસંક્રાંતિ પર પતંગ કેમ ઉડાવવામાં આવે છે?
ઈમરજન્સી કોલના કારણે 108 એમ્બ્યુલન્સ દોડતી રહી
સવારથી જ અલગ અલગ શહેરોમાંથી ઈમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યમાં 2299 ઈમરજન્સી કોલ મળી ચૂક્યા છે. બીજી તરફ અબોલ પશુ-પંખીઓ પણ ઈજાગ્રસ્ત થવાના બનાવમાં વધારો નોંધાયો છે. બપોર ત્રણ વાગ્યા સુધીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 866 ઈમરન્સી કોલ મળ્યા હતા. જેમાં 545 પશુના અને 321 પક્ષીઓના હતા.





