Makarsakranti, winter gujarat IMD update: ઉત્તર ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. જેની અસર ગુજરાતમાં પણ પડી શકે છે. આજથી લઈને આગામી દિવસો સુધી ગુજરાતમાં ઠંડા પવનો સાથે કડકડતી ઠંડી પડવાની સંભાવના વચ્ચે ગુજરાતમાં મકરસંક્રાંતીનો દિવસ ઠંડા પવનો સાથે શરૂ થયો હતો. બીજી તરફ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં વધુ તીવ્ર ઠંડી પડી શકે છે. હવામાનશાસ્ત્રીઓના મતે તાપમાન -4 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે, જે એક રેકોર્ડ હશે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન ઠંડીનું પ્રમાણ વધુ રહેશે
ગુજરાતમાં નલિયામાં 5 ડિગ્રી સુધી પહોંચ્યો ઠંડીનો પારો
ગુજરાતમાં શુક્રવારે નલિયામાં ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ગુરુવારે નલિયમાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું. આમ નલિયામાં 24 કલાકમાં 10 ડિગ્રી જેટલું તાપમાન ગગડ્યું હતું. દ્વારકામાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. અમદાવાદમાં ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં એક જ દિવસમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન નીચે પહોંચ્યું હતું. શુક્રવારે અમદાવાદમાં 13.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં શુક્રવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 25.3 | 13.3 |
ડીસા | 23.3 | 11.8 |
ગાંધીનગર | 25.0 | 12.7 |
વલ્લભ વિદ્યાનગર | 24.4 | 11.3 |
વડોદરા | 26.0 | 15.2 |
સુરત | 26.3 | 17.6 |
વલસાડ | 30.5 | 13.0 |
દમણ | 24.0 | 20.0 |
ભુજ | 27.0 | 11.4 |
નલિયા | 24.8 | 05.2 |
કંડલા પોર્ટ | 26.4 | 13.5 |
કંડલા એરપોર્ટ | 25.8 | 12.1 |
ભાવનગર | 25.0 | 15.6 |
દ્વારકા | 22.2 | 19.4 |
ઓખા | 23.0 | 19.0 |
પોરબંદર | 25.8 | 14.0 |
રાજકોટ | 25.3 | 14.5 |
વેરાવળ | 25.7 | 17.4 |
દીવ | 26.0 | 15.5 |
સુરેન્દ્રનગર | 25.0 | 13.5 |
મહુવા | 00 | 00 |
શું જાન્યુઆરી 2023 21મી સદીનો સૌથી ઠંડો મહિનો હશે?
નવદીપ દહિયાએ લખ્યું છે કે, જાન્યુઆરી 2023 21મી સદીનો સૌથી ઠંડો મહિનો હોઈ શકે છે, જાન્યુઆરીના પહેલા 11 દિવસ કેવા રહ્યા અને આવનારા દિવસો કેવા દેખાઈ રહ્યા છે.
IMDનું શું કહેવું છે?
બીજી તરફ ભારતીય હવામાન સંસ્થા એટલે કે, IMDએ પણ શનિવાર એટલે કે 14 જાન્યુઆરીથી દિલ્હી-NCR અને આસપાસના રાજ્યોમાં શીત લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ હળવો ઝરમર વરસાદ પડી શકે છે. જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થવાની આશંકા છે. આઈએમડીના હવામાનશાસ્ત્રી આરકે જેનામાનીએ જણાવ્યું કે, વર્ષ 2006માં પણ દિલ્હીમાં આવી જ સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ લઘુત્તમ તાપમાન ઘટીને 1.9 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. 2013માં પણ આવી જ ઠંડી અને શીત લહેર જોવા મળી હતી.
શીત લહેર શું છે? શીત લહેર શું છે
કોલ્ડ વેવ તાપમાનના આધારે નક્કી કરવામાં આવે છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. એમ મહાપાત્રા સમજાવે છે કે, ભારત દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય અથવા વાસ્તવિક તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હોય, તો તેને ઠંડી ગણવામાં આવે છે અને તરંગ અથવા શીત લહેર કહેવાય છે.
જાન્યુઆરીમાં શીત લહેર તેની ટોચ પર
જાન્યુઆરીમાં શીત લહેર તેની ટોચ પર હોય છે. ખાસ કરીને રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઓડિશા, બંગાળ જેવા રાજ્યોમાં તેની અસર સૌથી વધુ જોવા મળે છે.
આ 3 રાજ્યોમાં કોલ્ડ વેવના કારણે મૃત્યુઆંક સૌથી વધુ થાય છે
ડૉ. મહાપાત્રા કહે છે કે, વર્ષમાં 10-15 દિવસ શીત લહેરનો પ્રકોપ જોવા મળે છે. કોલ્ડવેવને કારણે ત્રણ રાજ્યોમાં સૌથી વધુ મૃત્યુઆંક જોવા મળ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.