આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માણસા (Mansa) ના ભાજપ (BJP) ના ઉમેદવાર જયંતિ પટેલ (Jayanti Patel) ની ભારે ચર્ચા છે. તેનું કારણ એ છે કે તે સૌથી અમીર છે. જો કે તે ખેડૂત પરિવારમાંથી આવે છે, પરંતુ તેમને ઘરેણાંનો ખૂબ શોખ છે. જયંતિ પટેલ અને તેમની પત્ની આનંદી બેન પટેલ પાસે લગભગ બે કરોડના દાગીના છે. આમ તો તેમનો પરિવાર વ્યવસાયમાં છે.
પતિ-પત્ની બંને ઘરેણાંના શોખીન
જયંતિ પટેલ અને તેમની પત્ની આનંદી પટેલ જ્વેલરીના શોખીન છે. બંને પાસે આશરે રૂ.2 કરોડની કિંમતના હીરા, સોના, ચાંદી વગેરે ઝવેરાત છે. જયંતિ પટેલે જણાવ્યું છે કે, તેમની પાસે રૂ. 92.4 લાખની જ્વેલરી છે, જ્યારે તેમની પત્ની આનંદી રૂ. 1.2 કરોડની જ્વેલરીની માલિક છે.
જયંતિ પટેલ ખેડૂત પરિવારમાંથી આવે છે
64 વર્ષીય જયંતિ પટેલ મૂળ માણસાના અજોલ ગામના રહેવાસી છે. જયંતિ પટેલના પિતા સોમાભાઈ પટેલ ખેડૂત હતા અને ગામમાં ખેતી કરીને રહેતા હતા. શરૂઆતમાં જયંતિ પટેલની આર્થિક સ્થિતિ ખાસ ન હતી. એક સમય એવો હતો કે જ્યારે તેમણે રોજની મજૂરી કરી મહિને રૂ.100 કમાતા હતા.
રોજગારની શોધમાં અમદાવાદ આવ્યા હતા
રોજના 100 રૂપિયામાં કામ ન થતાં જયંતિ પટેલ માણસાથી અમદાવાદ આવ્યા હતા. શરૂઆતમાં અહીં પણ તેમને માત્ર 100 રૂપિયા મહિને નોકરી મળી હતી. પણ તેમની આંખોમાં બિઝનેસનું સપનું હતું. તેમણે લોખંડનો ધંધો શરૂ કર્યો. ત્યારબાદ જયંતિ પટેલે ધીમે-ધીમે બાંધકામના વ્યવસાયમાં પ્રવેશ કર્યો. અહીંથી તેમનું નસીબ વળ્યું અને ધીમે ધીમે તેમનો ધંધો ખીલવા લાગ્યો.
જયંતિ પટેલના પરિવારમાં કોણ કોણ છે?
જયંતિ પટેલની પત્નીનું નામ આનંદીબેન પટેલ છે. બંનેને બે બાળકો પુત્ર પંકજ અને પુત્રી પ્રિયંકા છે. જયંતિ પટેલ પોતાનો બધો સમય રાજકારણમાં ફાળવે છે, જ્યારે તેમનો પુત્ર અને પુત્રી બિઝનેસ સંભાળે છે. હાલના દિવસોમાં પટેલ તેમના પરિવાર સાથે ગાંધીનગર જિલ્લાના નભોઈ ખાતે રહે છે.
જયંતિ પટેલ કેટલી મિલકતો ધરાવે છે?
ભાજપે માણસા બેઠક પરથી જયંતિ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જયંતિ પટેલે તેમના સોગંદનામામાં જણાવ્યું છે કે, તે કુલ રૂ. 661.28 કરોડની સંપત્તિના માલિક છે. એફિડેવિટ મુજબ જયંતિ પટેલની વાર્ષિક આવક 44.22 લાખ રૂપિયા છે, જ્યારે તેમના પત્ની આનંદીબેન પટેલની વાર્ષિક આવક 62.7 લાખ રૂપિયા છે. જયંતિ પટેલની કુલ સ્થાવર સંપત્તિ 514 કરોડ રૂપિયા છે જ્યારે જંગમ સંપત્તિ 147 કરોડ રૂપિયા છે.
જયંતિ પટેલ પર મોટું દેવું છે
ભાજપના ઉમેદવાર જયંતિ પટેલ સૌથી અમીર ઉમેદવાર તો છે જ, પરંતુ તેમના પર મોટું દેવું પણ છે. જયંતિ પટેલે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે, તેમની પાસે 233.8 કરોડ રૂપિયાની દેનદારી પણ છે.
જયંતિ પટેલ પોતાની મિલકત અંગે શું કહે છે?
જ્યારે મીડિયાએ જયંતિ પટેલને તેમની મિલકત અંગે પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે, મને ખબર નથી કે હું ગુજરાતની ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છું. હું લગભગ 3 દાયકાથી બિઝનેસ કરી રહ્યો છું. મારા પુત્ર અને મેં અમારો ધંધો સ્થાપિત કરવા માટે ઘણો લોહી પરસેવો એક કર્યો છે, જે આજે સફળ થયો છે.
જનસંઘમાં જોડાયા, પછી સક્રિય રાજકારણમાં આવ્યા
જયંતિ પટેલ અમદાવાદ આવ્યા ત્યારે તેમનો પરિચય જનસંઘ સાથે થયો હતો. સ્થાપના બાદ ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા. તેમણે કોબામાં ભાજપને જમીન પણ દાનમાં આપી હતી, જેના પર પાર્ટીનું કાર્યાલય બનાવવામાં આવ્યું હતું. જયંતિ પટેલ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે.
આ પણ વાંચો – પૈસા, પાવર, વોટ… બધામાં પાટીદાર મજબૂત, ગુજરાતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP, કોણે કેટલી બેઠકો પાટીદારને ફાળવી?
ગુજરાતના રાજકારણમાં કડવા પાટીદાર સમાજનું આગવું સ્થાન છે. પટેલ પણ પોતાને પીએમ નરેન્દ્ર મોદીની નજીક ગણાવે છે. પટેલના કહેવા પ્રમાણે, નરેન્દ્ર મોદીએ જ્યારે તેઓ ગુજરાતના સીએમ હતા ત્યારે તેમની સાથે ઘણું કામ કર્યું હતું.