અદિતી રાજ : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને “ભારત જોડો યાત્રા સ્થગિત કરવા” અથવા સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ચીનમાં વધતા કોરોનાવાયરસના કેસોને ધ્યાનમાં રાખીને COVID-19 પ્રોટોકોલનું સખતપણે પાલન કરવા જણાવ્યું હતું.
જો કે, તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન, જેમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતીને રેકોર્ડ બ્રેક કર્યો હતો, પાર્ટીનું મુખ્ય અભિયાન નરેન્દ્ર મોદી સરકારની કોવિડ સામેની “સફળ લડત” પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં માસ્ક વગર ભીડ ભેગ થઈ શકે છે, જ્યારે અન્ય દેશોમાં કોવિડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
તેમના ગુજરાત પ્રચાર દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, અન્ય કેન્દ્રીય પ્રધાનો, યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને પક્ષ પ્રમુખ જેપી નડ્ડા તેમજ પક્ષના ઉમેદવારો સહિત ભાજપના ટોચના નેતાઓએ એક વાત રજૂ કરી હતી જે ચર્ચામાં આવી હતી. “કોવિડ -19 સામે લડવા માટે સ્વદેશી વેક્સીન વિકસાવવામાં પીએમ મોદીની દૂરંદેશી હતી”.
જ્યારે પીએમ મોદીએ પણ પોતે દરેક ભાષણમાં કોવિડ રસીકરણ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે ભાજપના પ્રચારકો અને ઉમેદવારોએ તેમને “કોવિડ સામે સફળતા માટે શ્રેય આપ્યો હતો કે, યુરોપમાં હજુ માસ્ક વિના આટલી મોટી સંખ્યામાં કોઈ એકઠા થઈ શકતા નથી, યુએસ અને ચીનમાં પણ કોવિડ ઉછાળા સાથેની લડાઈ હજુ ચાલુ છે.
જો કે, ગુજરાતમાં વિવિધ સ્થળોએ PM મોદીના પ્રચાર દરમિયાન, તેમના સંબંધિત જિલ્લા આરોગ્ય વિભાગોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યું અને PMની નજીકના લોકો પર RT-PCR પરીક્ષણો કરાવ્યા, જોકે રાજ્યભરની કોઈપણ ચૂંટણી રેલીઓમાં માસ્ક ફરજિયાત નહોતા.
19 નવેમ્બરે વડોદરાના પાદરામાં એક રેલીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ‘ભીડને જુઓ અને કોઈએ માસ્ક પહેર્યું નથી, મે પણ નથી પહેર્યું… બે દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ચીનના એક શહેરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે, અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. ચીન જેવા દેશ કોવિડમાંથી બહાર આવવા માટે અંધારામાં તીર લગાવી રહ્યા છે અને તમે અને હું અહીં માસ્ક વિના મોટી સભાઓ કરી રહ્યા છીએ. કારણ વેક્સીનના ડબલ ડોઝ અને પછી બૂસ્ટર ડોઝ છે. આ આટલું સહેલાઈથી બનતું નથી. લોકડાઉનના દિવસો અને આપણે જે ભયંકર પરિસ્થિતિમાં હતા તે યાદ કરો… મોદીજી અમને તેમાંથી બહાર લાવ્યા છે.
તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન, નડ્ડાએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન તરીકેના તેમના દિવસોને યાદ કર્યા હતા અને નિર્દેશ કર્યો હતો કે, પીએમ મોદી પહેલા ભારતને વિવિધ રોગો આવ્યા, જેની રસી વિકસાવવામાં કેટલા વર્ષ લાગ્યા હતા, એ યાદ કરો.
18 નવેમ્બરના રોજ ભરૂચના અંકલેશ્વર ખાતે એક સભાને સંબોધતા નડ્ડાએ કહ્યું હતું કે, “PM મોદીના પ્રયાસોને કારણે જ ભારત કોવિડ-19માંથી બહાર આવી શક્યું છે અને ભારતીયો માસ્ક વિના ફરી શકે છે… અન્યથા, અમેરિકા જેવા દેશોમાં, જ્યાં પણ રાષ્ટ્રપતિ જો બિડેનને માસ્ક પહેરવું પડે છે. યુરોપના ઘણા દેશો અને અમેરિકાના ઘણા ભાગો રસીના ડબલ ડોઝ હજુ પૂર્ણ કરી શક્યા નથી પરંતુ ભારત બૂસ્ટર ડોઝના સ્ટેજ પર પહોંચી ગયું છે.
22 નવેમ્બરે પંચમહાલ જિલ્લાના સેહરા ખાતે એક રેલીને સંબોધતા નડ્ડાએ કહ્યું: “ટીબીનો ડોઝ ભારતમાં પહોંચતા 25 વર્ષ લાગ્યા હતા, ભારતમાં ટિટાનસ (ધનૂરની રસી) માટે 28 વર્ષ અને જાપાનીઝ ફ્લૂ સામેની રસી બનાવવામાં એક સદી લાગી હતી. આ રસી 1906માં જાપાનમાં તૈયાર થઈ હતી પરંતુ 2006માં ભારતમાં આવી હતી. જ્યારે કોરોનાની રસી નવ મહિનામાં આપણી પાસે એક નહીં પરંતુ બે રસી આવી ગઈ હતી. જ્યારે કોંગ્રેસના લોકો વોટ માંગવા આવે ત્યારે તેમને પૂછો કે તેઓ રસીને મોદીની રસી અને ભાજપની રસી કહીને મજાક ઉડાવતા હતા… તમને આ કેવી લાગી? મોદીજીએ તમને પણ બીજું જીવન આપ્યું છે.
વધુમાં નડ્ડાએ કહ્યું હતું કે, “યુરોપ હજુ કોવિડમાંથી બહાર આવી શક્યું નથી પરંતુ ભારત કોવિડને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યું છે. ત્યાં માસ્ક પહેરીને પણ આટલું નજીક કોઈ બેસી શકતુ નથી. મોદીજીએ કરોડો લોકોને આપેલી રસીનું આ ‘સુરક્ષા કવચ’ છે. અમેરિકા તેનો રસીકરણ કાર્યક્રમ પૂર્ણ કરી શક્યું નથી… તો ભારતે 100 દેશોને પણ રસી આપી છે, જેમાંથી 48 દેશોને ભારતની રસી મફતમાં મળી છે. આપણે લોકોનું લઈ લેનાર રાષ્ટ્ર નથી, પરંતુ આપનાર રાષ્ટ્ર છીએ.”
પ્રચાર દરમિયાન તેમના એક ભાષણમાં, પીએમ મોદીએ જાહેરમાં ગવાહી માંગી હતી કે, લગભગ 80 કરોડ લોકોને “એક પણ પૈસો વસૂલ્યા વિના” રસી આપવામાં આવી છે. તેમણે રેલીઓમાં લોકોને પૂછ્યું: “શું તમે બધાએ કોવિડ -19 રસીના બે ડોઝ લીધા છે? શું તમારે ડોઝ માટે એક પૈસો ચૂકવવો પડ્યો? શું તે તમને મફતમાં આપવામાં આવી હતી? કારણ કે દિલ્હીમાં બેઠેલો તમારો પુત્ર મહામારી દરમિયાન તમારી અને તમારા પરિવારની ચિંતા કરી રહ્યો હતો.
આ પણ વાંચો – ચીનમાં કોરોના વિસ્ફોટ – ભારત એલર્ટ: મનસુખ માંડવિયાએ રાજ્યો સાથે કરી બેઠક, કોવિડની નવી ગાઈડલાઈન આવી શકે છે
એક સરકારી અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, 23 નવેમ્બરે દાહોદ અને વડોદરામાં 200 થી વધુ લોકો પર RT-PCR પરીક્ષણો કરવામાં આવ્યા હતા, તેઓ પીએમને સ્મૃતિચિહ્ન આપવા માટે મંચ પર પહોંચ્યા હતા. અધિકારીએ કહ્યું, ‘કોવિડ -19 કદાચ શમી ગયો હશે, પરંતુ પીએમ મોદીની મુલાકાત દરમિયાન ખાસ કરીને સ્ટેજ પર જનારાઓ માટે હેલ્થ પ્રોટોકોલના ભાગ રૂપે RT-PCR ટેસ્ટ ફરજિયાત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક જગ્યાએ તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે.
(ભાષાંતર – કિરણ મહેતા)