Marital rape case Gujarat High : ગુજરાત હાઈકોર્ટે એક મહત્વની ટિપ્પણીમાં કહ્યું છે કે, બળાત્કાર એ બળાત્કાર જ છે, પછી ભલે તે પીડિતાના પતિ દ્વારા કરવામાં આવે. હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે, બળાત્કાર બળાત્કાર જ છે, પછી ભલે તે તેની પત્ની સાથે તેના પતિએ જ કેમ ન કર્યો હોય. હાઈકોર્ટે કહ્યું કે, ભારતમાં મહિલાઓ સામેની જાતીય હિંસા પર મૌન તોડવાની જરૂર છે.
તાજેતરમાં જ આપેલા આદેશમાં જસ્ટિસ દિવ્યેશ જોશીએ કહ્યું હતું કે, ભારતમાં મહિલાઓ સામે હિંસાની વાસ્તવિક ઘટનાઓ આંકડા કરતાં ઘણી વધારે છે. ઘણી વખત મહિલાઓને એવા વાતાવરણમાં રહેવું પડે છે, જ્યાં તેમની સામે હિંસા થવાની સંભાવના હોય છે. તેમણે કહ્યું કે, પીછો કરવો, છેડતી, શારીરિક હુમલો જેવી કેટલીક બાબતોને અહીં નાના અપરાધો તરીકે જોવામાં આવે છે. અહીં જાતીય ગુનાઓને ‘છોકરાઓ કરે’ ના પ્રિઝમ દ્વારા જોવામાં આવે છે અને ગુનાને અવગણવામાં આવે છે. જે લોકો ભોગ બને છે તેમના પર તેની ગંભીર અસર પડે છે.
પતિએ પોર્ન સાઇટ પર પત્નીનો વીડિયો પોસ્ટ કર્યો
ગુજરાત હાઈકોર્ટે તેની પુત્રવધૂ પ્રત્યે ક્રૂરતા અને ફોજદારી ધાકધમકી આપવાના આરોપમાં ધરપકડ કરાયેલી મહિલાની નિયમિત જામીન અરજી ફગાવી દેતા આ અવલોકનો કર્યું હતુ. આરોપ છે કે, પૈસા કમાવવાની લાલચમાં મહિલાના પતિએ બળાત્કાર કર્યો અને નગ્ન અવસ્થામાં તેનો વીડિયો બનાવી પોર્ન સાઇટ પર પોસ્ટ કર્યો. કોર્ટે કહ્યું કે, સાસુ-સસરાને ગેરકાયદેસર અને શરમજનક કૃત્યની જાણ હતી અને તેના પતિને આવા કૃત્ય કરતા રોક્યા નહીં, તેમણે પણ ગુનામાં સમાન ભૂમિકા ભજવી છે.
કોર્ટે કહ્યું, “સ્ત્રી પર હુમલા અથવા બળાત્કારના મોટાભાગના કેસોમાં સામાન્ય પ્રથા એ છે કે, જો પુરુષ પતિ હોય, તો તેને છૂટ આપવામાં આવે છે. મારા મતે આ બાબત સહન કરી શકાય તેમ નથી. પતિ પણ એક પુરુષ છે, બળાત્કાર એ બળાત્કાર છે, ભલે તે તેની પત્ની વિરુદ્ધ પતિ દ્વારા જ કરવામાં આવે.
વૈવાહિક બળાત્કારનો ગુનો
નિર્ણયમાં હાઈકોર્ટે એવા ઘણા દેશોના ઉદાહરણ પણ આપ્યા જ્યાં વૈવાહિક બળાત્કારને ગુનો જાહેર કરવામાં આવ્યો છે. જસ્ટિસ દિવ્યેશ જોશીની બેન્ચે 8 ડિસેમ્બરે આપેલા આદેશમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમેરિકાના 50 રાજ્યો, ઓસ્ટ્રેલિયાના ત્રણ રાજ્યો અને ન્યુઝીલેન્ડ, કેનેડા, ઈઝરાયેલ, ફ્રાન્સ, સ્વીડન, ડેનમાર્ક, નોર્વે, યુનિયન, પોલેન્ડ, સોવિયત જેવા દેશોમાં વૈવાહિક બળાત્કાર ગેરકાયદેસર છે.
આ પણ વાંચો – Surat Diamond Bourse : સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – સુરત ડામમંડ બુર્સ મોદીની ગેરંટીનું ઉદાહરણ છે
ગયા વર્ષે રાજકોટમાં ફરિયાદીએ આરોપ મૂક્યો હતો કે, તેના પતિ અને સાસરિયાઓએ પૈસા કમાવવા માટે બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા અને તેણીની ખાનગી પળો રેકોર્ડ કરી હતી. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે, પતિએ તે ક્ષણોને તેના મોબાઇલ ફોન પર ફિલ્માવી હતી, ફેમિલી વોટ્સએપ ગ્રુપ પર વીડિયો શેર કર્યો હતો અને તેને પોર્ન વેબસાઇટ પર વેચી દીધો હતો. ઓગસ્ટમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેના કારણે તેના પતિ અને સાસરિયાઓની ધરપકડ કરવામાં આવી હતી.





