Gujarat Surat Maulvi Arrested : ગુજરાતના સુરતમાંથી એક મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુ નેતાઓ એ મૌલવીના નિશાના પર હતા, બીજેપીની નુપુર શર્માનું નામ પણ આ યાદીમાં સામેલ હતું. પાકિસ્તાનમાંથી હથિયારો સપ્લાય કરવામાં આવ્યા હતા અને મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ શનિવારે રાત્રે પોલીસે મોટી કાર્યવાહી કરીને સુરતમાંથી તે મૌલવીની ધરપકડ કરી હતી અને હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા મૌલવીનું નામ સોહેલ અબુબકર તિમોલ છે જે દોરાની ફેક્ટરીમાં કામ કરે છે. આ સિવાય તે બાળકોને ઈસ્લામ શીખવવાનું પણ કામ કરી રહ્યો છે. પરંતુ તેનું અસલી કાવતરું મોટું છે, તે પાકિસ્તાન-નેપાળ સાથે મળીને ભારતમાં હિન્દુ નેતાઓને નિશાન બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાની હત્યાનું કાવતરું પણ ઘડ્યું હતું.
એવી માહિતી પણ મળી છે કે, મૌલવીના ફોનમાં ઘણા એવા નંબર હતા જેનું પાકિસ્તાન અને નેપાળ સાથે સીધું કનેક્શન હતું. તે નંબરો પર નિયમિત રીતે વાતચીત થતી હતી, ત્યાંથી ઓર્ડર મળતા હતા અને તેના આધારે અહીં હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કેટલીક ચેટ એવી પણ સામે આવી છે, જેમાં તે ઘણી મીડિયા ચેનલોના સંપાદકોને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે. તેના ફોનમાં ઘણા મોટા હિન્દુ નેતાઓ અંગે વાંધાજનક નિવેદનો પણ મળી આવ્યા છે.
આ પણ વાંચો – જમ્મુ કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના કાફલા પર આતંકી હુમલામાં 1 જવાન શહીદ, 4 ઘાયલ
હવે આ કાર્યવાહી એટલા માટે મહત્વ ધરાવે છે કારણ કે, મોદી સરકારે ચૂંટણીની મોસમમાં ધ્રુવીકરણની રાજનીતિને વેગ આપ્યો છે. કોંગ્રેસના મેનિફેસ્ટો દ્વારા સમાજના એક વર્ગને પોતાના પક્ષમાં જીતાડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, મૌલવીની ધરપકડ જમીન પરના કેટલાક સમીકરણોને વધુ બગાડી શકે છે. અત્યાર સુધી આ કાર્યવાહી પર કોઈ પક્ષે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, આવનારા દિવસોમાં આ પણ રાજકારણમાં મોટો મુદ્દો બનશે.





