mehsana boy sterilization scam : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનના બહુચર્ચિત કૌભાંડ બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટારગેટ પુરો કરવાની લ્હાયમાં સરકારી હેલ્થ વર્કરે એક અપરિણીત યુવાનનું લગ્ન પૂર્વે લગ્નજીવન બરબાદ કર્યું છે. ખેતરમાં મજૂરી અપાવવાના બહાને યુવાનને હોસ્પિટલ લઇ જઇ પુરુષ નસબંધી કરી દીધી.
મજૂરી આપવાના બહાને લઇ ગયા
બહુચર્ચિત કિસ્સાની વિગત એવી છે કે, મહેસાણા તાલુકાના નવી શેઢાવી ગામના અપરિણીત 30 વર્ષિય શ્રમજીવી યુવાન ગોવિંદ દંતાણીને ખેતરમાં મજૂરી અપાવવાના બહાને ધનાલી કેન્દ્રનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શહેજાદ અજમેરી લઇ ગયો હતો. યુવાનને અમદાવાદ નજીક અડાલજ સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને ત્યાં નસબંધી ઓપરેશન કરી દેવાયું.
બીજા દિવસે દુ:ખાવો થતાં ભાંડો ફૂટ્યો
યુવાનની જાણ બહાર એની નસબંધીનું ઓપરેશન કરી દેવાયું હતું. જોકે બીજા દિવસે યુવાનને દુ:ખાવો યુવાને પરિવારજનોને વાત કરતાં થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ટારગેટ પુરો કરવાના ચક્કરમાં સરકારી તંત્રએ યુવાનની જીંદગી બરબાદ કરી દેવાનું બહાર આવતાં સમગ્ર મામલે હડકંપ મચી ગયો છે.
દારુ પીવડાવી ઓપરેશન કરી દીધું?
ધનાલી કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શહેજાદ અજમેરી ખેતરમાં જામફળ વીણવાના મજૂરીના બહાને યુવાનને લઇ ગયો હતો.એવી વિગતો પણ જાણવા મળી રહી છે કે,યુવાનને રસ્તામાં દારુ પીવડાવી નશાની હાલતમાં જ એને અડાલજ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં આવી હાલતમાં જ એનું નસબંધીનું ઓપરેશન કરી દેવાયાનું જાણવા મળી રહ્યું છે.
જવાબદાર હેલ્થ વર્કર સામે કાર્યવાહી
આ સમગ્ર મામલે મહેસાણા સીડીએચઓ ડો.મહેશ કાપડિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, સુરજ સીએચસીના ધનાલી કેન્દ્રના હેલ્થ વર્કર શહેજાદ અજમેરી સામે કાર્યવાહી કરાશે. નસબંધી ઓપરેશનનો વાર્ષિક ટારગેટ પુરો કરવા સરકારની ગાઇડલાઇન વિરુદ્ધ કામગીરી કરી હોવાથી ખાતાકીય તપાસ અને સસ્પેન્શન સહિતની કડક કાર્યવાહી કરાશે.
નસબંધી શું છે?
નસબંધી એ એક સર્જરી છે જેમાં પુરુષના અંડકોષમાં ચીરો મૂકવામાં આવે છે અને શુક્રાણુ વહન કરતી નળીને કાપી નાખવામાં આવે છે.તેઓ કહે છે, આ સર્જરી સામાન્ય રીતે લૉકલ એનેસ્થેસિયાની મદદથી કરવામાં આવે છે, એટલે કે નસબંધી કરાવતી વખતે વ્યક્તિ ભાનમાં હોય છે અને તેને કોઈ દુખાવો થતો નથી. આ સર્જરીમાં ઘણો ઓછો સમય લાગે છે. આ સાથે તેઓ એ પણ જણાવે છે કે નસબંધીની સર્જરીમાં લગભગ 20 મિનિટનો સમય લાગે છે.





