ત્રિપુરાથી એક સગીર યુવતી ગાયબ થઈ હતી, યુવતીના પિતાએ ત્રિપુરાના જ એક યુવક પર અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્રિપુરા પોલીસ સગીરની યુવતીની ભાળ મેળવતા મેળવતા ગુજરાત પહોંચી, અને આરોપીને ઝડપી પાડવામાં સપળતા મળી.
ત્રિપુરા પોલીસે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં ત્રિપુરાના ધલાઈ જિલ્લામાંથી કથિત રીતે અપહરણ કરાયેલી એક સગીરાને તેમણે ગુજરાતમાં શોધીને કાઢી હતી.
શું હતો કેસ?
સબડિવિઝનલ પોલીસ ઓફિસર જયંતા કર્માકરે જણાવ્યું હતું કે, “અમને એક સગીરાની ભાગી જવાની ફરિયાદ મળી હતી. ધાલાઈ જિલ્લામાં રહેતી આ સગીરાના પિતાએ ફરિયાદ કરી હતી કે, ઉત્તર ત્રિપુરા જિલ્લાના એક યુવકે તેની સગીર દીકરીનું અપહરણ કર્યું હતું.
જયંતા કર્માકરે ઉમેર્યું હતું કે, પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું તે પ્રમાણે આરોપી વ્યક્તિ તે સગીરાને લઈને ગુજરાતમાં રહેવા જતો રહ્યો હતો. આ વાતની જાણ થતાં જ ત્રિપુરા પોલીસે માસ્ટર પ્લાન રચ્યો હતો. અને ત્રિપુરાથી મહિલા સબ-ઇન્સ્પેક્ટર પમ્પી નાથની આગેવાની હેઠળ એક પોલીસ ટીમ અમદાવાદ આવવા નીકળી હતી અને અમદાવાદ પહોંચી ચીવટપૂર્વક તે વ્યક્તિની ધરપકડ કરી ત્રિપુરા લઈ ગયા હતા. આ સમગ્ર મિશનમાં ગુજરાત પોલીસની મદદથી સગીરાનો રેસ્કયું કરાયો હતો. આમ ત્રિપુરા પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ મિશન પાર પડ્યું હતું.
સગીરાને હાલ તેના પરિવારને સોંપવામાં આવી છે. ત્રિપુરા પોલીસે પકડેલા આ આરોપીને હાલ સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – સાયબર ક્રાઈમ: પુણેની સગીર યુવતીનો નગ્ન વિડિયો ફરતો કર્યો, ગુજરાતના 19 વર્ષિય યુવકની ધરપકડ
મુખ્યમંત્રી માણિક સાહાએ ગયા વર્ષે ઓગસ્ટમાં જણાવ્યું હતું કે, બાળ લગ્નમાં ત્રિપુરા ઉચ્ચ સ્થાન ધરાવે છે. 2019 માં, એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ અહેવાલમાં જાણવા મળ્યું છે કે, ત્રિપુરા 15-19 વર્ષની છોકરીઓ વચ્ચે બાળ લગ્નમાં ભારતમાં બીજા સ્થાને છે, રાજ્યમાં 80 ટકાથી વધુ બાળ લગ્નો ગ્રામીણ વિસ્તારોમાં થયા છે.





