મોરબી બ્રિજ દુર્ઘટના મામલે SIT રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા : જણાવ્યું – કઈ કઈ ભૂલથી તૂટ્યો પૂલ

Morbi bridge tragedy : મોરબી બ્રિજ દુર્ઘટના મામલે તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટી કમિટીએ પોતાનો પ્રાથમિક તપાસનો રિપોર્ટ (SIT Report) રજુ કર્યો છે, જેમાં બ્રિજના તાર પર કાટ લાગવો, જુના તારમાં વેલ્ડીંગ ખામી, એલ્યુમિનિયમના પાટીયા વગેરે ખામીઓ દર્શાવવામાં આવી છે.

Written by Kiran Mehta
Updated : February 20, 2023 16:22 IST
મોરબી બ્રિજ દુર્ઘટના મામલે SIT રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા : જણાવ્યું – કઈ કઈ ભૂલથી તૂટ્યો પૂલ
મોરબી બ્રિજ દુર્ઘટના મામલે એસઆઈટીની તપાસમાં અનેક ખૂલાસા (ફોટો - નિર્મલ હરિન્દ્રન)

PTI : ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તેની પ્રાથમિક તપાસમાં શોધી કાઢ્યું છે કે, કેબલ પર લગભગ અડધા વાયરને કાટ લાગવો અને જૂના સસ્પેન્ડર્સનું નવા સાથે વેલ્ડિંગ એ કેટલીક મોટી ખામીઓ હતી જેના કારણે સસ્પેન્શન બ્રિજ તૂટી પડ્યો હતો. ગયા વર્ષે મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.

આ તારણો ડિસેમ્બર 2022માં પાંચ સભ્યોની SIT દ્વારા સબમિટ કરવામાં આવ્યા છે, જે ‘મોરબી બ્રિજની ઘટના અંગેના પ્રારંભિક અહેવાલ’નો એક ભાગ છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં મોરબી નગરપાલિકા સાથે અહેવાલ શેર કરવામાં આવ્યો હતો.

અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) મચ્છુ નદી પરના બ્રિટિશ યુગના ઝૂલતા પુલના સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે, જે ગયા વર્ષે 30 ઓક્ટોબરે તૂટી પડ્યો હતો. SITને પુલના સમારકામ, જાળવણી અને કામગીરીમાં ઘણી ક્ષતિઓ મળી હતી.

આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ, આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી, રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ અને મુખ્ય ઈજનેર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના પ્રોફેસર એસઆઈટીના સભ્યો હતા.

SITએ શોધી કાઢ્યું હતું કે, 1887માં તત્કાલીન શાસક દ્વારા બનાવવામાં આવેલ મચ્છુ નદી પરના પુલના બે મુખ્ય કેબલમાંથી એકમાં કાટ લાગવાની સમસ્યા હતી અને 30 ઓક્ટોબરે કેબલ તૂટતા પહેલા તેના લગભગ અડધા વાયર પહેલા જ “તૂટેલા હોઈ શકે છે”. .

SIT મુજબ, અપસ્ટ્રીમ બાજુનો મુખ્ય કેબલ તૂટી ગયો હતો, જેના કારણે અકસ્માત થયો હતો.

દરેક કેબલ સાત તારથી બનેલો હતો, દરેકમાં સાત સ્ટીલ વાયર હતા. SIT રિપોર્ટમાં જણાવાયું છે કે, આ કેબલ બનાવવા માટે કુલ 49 વાયરને સાત વાયરમાં જોડવામાં આવ્યા હતા.

એસઆઈટીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, “એવું જોવામાં આવ્યું હતું કે, 49 વાયરમાંથી (તે કેબલના), 22 પર કાટ લાગ્યો હતો, જે સૂચવે છે કે તે વાયર ઘટના પહેલા જ તૂટી ગયા હશે. બાકીના 27 વાયર તાજેતર દુર્ઘટના સમયે તૂટી ગયા હતા”.

એસઆઈટીએ એ પણ શોધી કાઢ્યું હતું કે, નવીનીકરણના કામ દરમિયાન, “જૂના સસ્પેન્ડર્સ (સ્ટીલના સળિયા જે કેબલને પ્લેટફોર્મ ડેક સાથે જોડે છે) નવા સસ્પેન્ડર્સ સાથે વેલ્ડિંગ કરવામાં આવ્યા હતા. તેથી સસ્પેન્ડર્સનો વ્યવહાર બદલાઈ ગયો. આ પ્રકારના પુલોમાં, ભાર વહન કરવા માટે સિંગલ રોડ સસ્પેન્ડર્સનો ઉપયોગ કરવો જોઈએ”.

ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાએ જનરલ બોર્ડની મંજુરી વગર બ્રિજની જાળવણી અને સંચાલનનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રૂપ (અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ)ને આપ્યો હતો, જેણે માર્ચ 2022માં પુલને રિનોવેશન માટે બંધ કરી દીધો હતો અને 26મી ઓક્ટોબરના રોજ આ બ્રિજને પરવાનગી વગર ખોલી દીધો હતો. કોઈપણ પૂર્વ મંજૂરી અથવા નિરીક્ષણ વગર.

એસઆઈટીના જણાવ્યા અનુસાર, પૂલ તૂટી પડવાના સમયે બ્રિજ પર લગભગ 300 લોકો હતા, જે પુલની લોડ વહન ક્ષમતા કરતા “ઘણા વધારે” હતા. જો કે, તેમણે કહ્યું કે, બ્રિજની વાસ્તવિક ક્ષમતાની પુષ્ટિ લેબોરેટરી રિપોર્ટ દ્વારા કરવામાં આવશે.

તપાસ અહેવાલમાં એવું પણ સૂચવવામાં આવ્યું હતું કે, એલ્યુમિનિયમ ડેક સાથે વ્યક્તિગત લાકડાના પાટિયાંને બદલવાની કામગીરી પણ શંકાસ્પદ હતી.

“ચાલવાની સંરચના લવચીક લાકડાના પાટિયાને બદલે કઠોર એલ્યુમિનિયમ પેનલ્સથી બનેલી હતી. જો ત્યાં અલગ લાકડાના પાટિયા (જે નવીનીકરણ પહેલાં હતા) હોત, તો જાનહાનિ ઘટાડી શકાઈ હોત. ઉપરાંત, પુલ ખુલ્લો મૂકાયો તે પહેલાં, કોઈ લોડ ટેસ્ટ અથવા માળખાકીય પરીક્ષણો નહોતા થયા.”

SIT એ નોંધ્યું હતું કે, એલ્યુમિનિયમ હનીકોમ્બ પેનલ્સ કોઈપણ ગાબડા વગર નિશ્ચિત કરવામાં આવી હતી, જે ડેકને તેના હલન ચલન કરવા માટે ઓછી સ્થિતિસ્થાપક બનાવે છે, અને ઉમેર્યું હતું કે, એલ્યુમિનિયમનો ઉપયોગ પુલનું એકંદર વજન પણ વધારી શકે છે.

આ પણ વાંચોમોરબી બ્રિજ અકસ્માત કેસમાં ચાર્જશીટ દાખલ, ઓરેવાના MD જયસુખ પટેલના નામ આરોપી તરીકે

મોરબી પોલીસે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ સહિત દસ આરોપીઓ સામે આઈપીસી કલમ 304 (ગેર ઈરાદે હત્યા), 308 (ગેર ઈરાદે હત્યાનો પ્રયાસ), 336 (માનવ જીવનને જોખમમાં મૂકે તેવું કૃત્ય), 337 (ઈજા પહોંચાડવી) તથા 338 હેઠળ (કોઈપણ વ્યક્તિ દ્વારા ઉતાવળે અથવા બેદરકારીભર્યું કૃત્ય કરવા અને તેનાથી ઈજા પહોંચાડવા) હેઠળ ધરપકડ કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ