Morbi Bridge Collapse: રવિવારનો દિવસ મોરબી માટે કાળી ટીલી સમાન બની ગયો. મોરબીમાં આવેલી મચ્છુ નદી ઉપર અંગ્રેજોએ બાંધેલો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ધટનામાં 134 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે હજી પણ 100 લોકો ગાયબ હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે રેસ્ક્યૂ ઓપરેશન બંધ કરવામાં આવ્યું છે. 143 વર્ષ જૂના આ પુલની દેખભાળ કરવા માટેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપની ઓરેવાને આપવામાં આવ્યો હતો. અનેક મહિનાઓ સુધી સમારકામ કર્યા બાદ બેસતા વર્ષના દિવસે કંપની દ્વારા લોકો માટે પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, હજી સુધી પુલને ફિટનેશ સર્ટિફિકેટ મળ્યું ન્હોતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લઈ શકે છે એવા પણ સમાચાર મળી રહ્યા છે.
મોરબી દુર્ઘટનાના પગલે પીએમ મોદીએ ગાંધીનગરમાં બેઠક યોજી
મોરબી દુર્ઘટના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રાજભવનમા હાઇ લેવલ બેઠક યોજી હતી. જેમાં રાહત બચાવ કામગીરી અને હાલની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવાપી શોકની જાણકારી આપી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટ્વિટ કર્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
કેવી રીતે દુર્ઘટના સર્જાઈ?
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સર્જાઈ ત્યારે 400થી વધુ લોકો ઝૂલતા પુલ પર હાજર હતા, તે સમયે જ અચાનક પુલ તૂટતા મુલાકાતીઓ પુલ સાથે નદીમાં પડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ મીડિયાને જણાવ્યા અનુસાર, સાંજના 6.45ના સમયે મોટી સંખ્યામાં લોકો પુલ પર હતા, કેટલાક લોકો પુલ હલાવવાની મસ્તી પણ કરી રહ્યા હતા અને અચાનક ત્યારબાદ પુલ ધરાશાયી થયો અને લોકો પુલ સાથે નદીમાં પડ્યા હતા.