morbi suspension bridge collapse : મોરબીમાં રવિવારે મોટી દુર્ઘટના બની હતી, જેમાં ઝૂલતો પુલ તૂટી જતા 134 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે 150થી વધુ લોકોને બચાવવામાં સફળતા મળી હતી. આ દુર્ઘટના માટે જવાબદાર કોણ તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી નગરપાલિકા (morbi nagarpalika) ચીફ ઓફિસર (chief officer) સંદિપસિંહ ઝાલા (sandip singh zala) ને સસ્પેન્ડ (suspend) કરવામાં આવ્યા છે.
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં 134 લોકોના મોત થયા હતા, તો અનેક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદ અનેક સવાલો ઉઠ્યા હતા. જે અંતર્ગત નગરપાલિકા ચીફ ઓફિસરે દુર્ઘટના બન્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં દોષનો ટોપલો ઓરેવા કંપની પર નાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ જર્જરિત હાલતમાં હતો જેથી તેના પર લોકોની અવરજવર પહેલા બંધ રાખવામાં આવી હતી. આ અંતર્ગત ઓરેવા કંપનીની અરજી બાદ કલેક્ટર સાથે મીટિંગ કર્યા બાદ ઓરેવા કંપનીને તેના સમારકામ માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે સમારકામ બાદ પુલ પર લોકોની અવર-જવર માટે પરવાનગી લીધી છે કે નહીં? બ્રિજ પર કેટલા લોકો જઈ શકે તેની કેપેસિટી નક્કી કરી છે કે નહીં? ફિટનેસ સર્ટી તેમણે લીધુ છે કે નહીં? તે મામલે કોઈ હાલ કોઈ જાણ નથી.
તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટના બાદ સરકાર દ્વારા પાંચ સભ્યોની તપાસ સમિતી બનાવવામાં આવી છે. જેમાં તપાસનો રેલો નગરપાલિકા ચીફ ઓફિસર સુધી પહોંચ્યો હતો. પોલીસે મોરબી નગર પાલિકાના મુખ્ય અધિકારી સંદીપ સિંહ ઝાલા સાથે પૂછપરછ કરી હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે ઓરેવા ગ્રૂપ દ્વારા લગાવવામાં આવેલા ખાનગી કોન્ટ્રાક્ટરોએ આનું સમારકામ અને નવીનીકરણ દરમિયાન પુલની સંરચનાત્મક સ્થિરતાનું કોઈ વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરાયું ન્હોતું. મોરબીના ઉપાધીક્ષક પી.એ.ઝાલાએ સીઓ ઝાલાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સંદીપ સિંહ ઝાલા સાથે ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પુલના કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા દસ્તાવેજોની પુષ્ટી કરવા માટે પણ કહ્યું હતું.
ધ ઇન્ડિયન એક્સપ્રેસે આ મામલે સંદીપ સિંહ ઝાલાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો ન્હોતો. તપાસ સાથે જોડાયેલા સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે પુલને ચાલુ કરવા માટે ઓરેવા દ્વારા લગાવવામાં આવેલી કંપની દેવ પ્રકાશ ફેબ્રિકેશન લિમિટેડે કોઈ કામ કર્યું નથી. પી.એ. ઝાલાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ફર્મે પુલની સંરચનાત્મક સ્થિરતાનું કોઈ પરીક્ષણ અથવા વૈજ્ઞાનિક મૂલ્યાંકન કર્યું નથી.
આ પણ વાંચો – મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના: સમારકામમાં ઘણી ખામીઓ – પોલીસે કોર્ટમાં જણાવ્યું, મેનેજરે કહ્યું – આ દૈવિય દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે, મોરબી નગર પાલિકાએ માર્ચ 2022માં ઓરેવા ગ્રૂપની એક કંપની અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ સાથે 15 વર્ષ માટે કરાર કર્યો હતો. ત્યારબાદ પુલની મરામત કરવા માટે સાત મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો. દેવ પ્રકાશ ફેબ્રિકેશન લિમિટેડના માલિક પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર અને દેવાંગભાઈ પ્રકાશભાઈ પરમાર સહિત બે મેનેજર 44 વર્ષીય દીપક નવિંદચંદ્ર પારેખ અને 41 વર્ષીય દિનેશ મહાસુખરાય દવેને સાત નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયા છે.