ગુજરાતમાં મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ દુર્ઘટનાનું કારણ અને ખામીઓ અંગે તપાસ શરુ થઈ ગઈ છે. શરુઆતી તપાસમાં ઘટના પાછળ ગંભીર બેદરકારી હોવાનું સામે આવી રહ્યું છે. પુલની મરામત દરમિયાન અનેક ઢીલ વર્તાઈ હતી. જેને સરખી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ઘટી જ ન હોત. સૌથી મોટી વાત એ છે કે જે લોકોને આ કામની જવાબદારી આપવામાં આવી એ લોકો આ પ્રકારના કામ કરવાના અનુભવી જ ન્હોતા. એટલે સ્વાભાવિક છે કે આ કામ દરમિયાન દરેક તબક્કે બેદરકારીનો અવકાશ છે.
મીડિયામાં આવી રહેલા રિપોર્ટ પ્રમાણે 140 વર્ષ જૂના પુલના સમારકામ દરમિયાન હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી આખું સ્ટ્રક્ચર જ ખતરનાક થઈ ગયું હતું. સમારકામ કામના કોઈ ડોક્યુમેન્ટ નથી. આ ઉપરાંત નિષ્ણાંતોએ આ બ્રિજનું ફરીથી નિરિક્ષણ પણ કર્યું ન્હોતું. કંપની પાસે મરામત કામને પુરું કરવા માટે ડિસેમ્બર સુધીનો સમય હતો પરંતુ તેમણે દિવાળી અને ગુજરાતી નવા વર્ષના તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પુલને વહેલા જ ખુલ્લો મૂકી દીધો હતો.
સરકાર તરફથી પણ આની મંજૂરી મળી ન્હોતી. પુલ ઉપર એક વખતમાં કેટલા લોકો જઈ શકે છે એ પ્રકારના કોઈપણ નિરિક્ષણ કરવામાં આવ્યું ન્હોતું. સામાન્ય જનતાને કોઈ જ રોકટોક કર્યા વગર જવા દીધા હતા. આ દરમિયાન કોઈ આપાતકાલીન બચાવ અને નિકાસી યોજના બનાવી ન્હોતી. જીવન રક્ષક ઉપકરણ ન હતા અને જીવન રક્ષક ગાર્ડ પણ તૈનાત ન્હોતા.
પુલના અનેક કેબલોમાં કાટ આવી ગયો હતો. પુલ જ્યાંથી તૂટ્યો એ ભાગમાં પણ કાટ લાગેલો હતો. જો કાટવાળો કેબલ બદલી દીધો હોત તો આ સ્થિતિ ન આવી હોત. મરામતના નામ પર માત્ર થાંભલો જ બદલ્યો હતો. કેબલને અડ્યા જ નથી. સમારકામમાં જે મટેરિયલ લગાવવામાં આવ્યું એનાથી વજન વધારે વધી ગયું.
પુલના સમારકામના નામ પર માત્ર રંગ રોગાન જ કર્યું
સમારકામનો કોન્ટ્રાક્ટ એવા લોકોને આપવામાં આવ્યો હતો જેઓ આ કામ માટે યોગ્ય જ ન્હોતા. આ લોકોએ મરામતના નામ પર માત્ર કેબલોને કલર અને પોલિશ જ કરી હતી. જે ફર્મને અયોગ્ય જાહેર કરી હતી તેને 2007માં પણ આવો જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.