મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મચ્છુ નદી પર બનાવેલ ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો નદીમાં પડ્યા હતા. પુલ તૂટ્યો તે સમયે 400થી વધુ લોકો પુલ પર હતી, જેમાંથી 40થી વધુ લોકોની ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે. તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો જોઈએ આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ?
કેવી રીતે દુર્ઘટના સર્જાઈ?
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સર્જાઈ ત્યારે 400થી વધુ લોકો ઝૂલતા પુલ પર હાજર હતા, તે સમયે જ અચાનક પુલ તૂટતા મુલાકાતીઓ પુલ સાથે નદીમાં પડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ મીડિયાને જણાવ્યા અનુસાર, સાંજના 6.45ના સમયે મોટી સંખ્યામાં લોકો પુલ પર હતા, કેટલાક લોકો પુલ હલાવવાની મસ્તી પણ કરી રહ્યા હતા અને અચાનક ત્યારબાદ પુલ ધરાશાયી થયો અને લોકો પુલ સાથે નદીમાં પડ્યા હતા.
કેટલા લોકોના મોત થયા
મોરબી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં 40થી વધુ ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે. દુર્ઘટના સર્જાઈ ત્યારે 400થી વધુ લોકો પુલ પર હાજર હતી. જેમાં મહિલાઓ, બાળકો, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો, યુવાનો સહિત મોટી સંખ્યામાં હાજર હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પાણીમાં ડુબવાથી અને આટલે ઉંચેથી નદીમાં લોકો નીચે પડતા લોકોની ચીચીયારીઓથી વાતાવારણ ગમગીન બની ગયું હતુ.
ક્યારે બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો
મોરબી બ્રિજ પર દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, ત્યારે તમને જણાવી દઈએ કે, પાંચ દિસ પહેલા એટલે કે, બેસતા વર્ષના દિવસે જ મુલાકાતીઓ માટે ઝુલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજ આમતો વર્ષો જુનો છે, પરંતુ ઘણા સમયથી તેના પર અવર-જવર બંધ હતી, પરંતુ તેનું રિનોવેશન કર્યા બાદ નવા વર્ષે જ ખુલ્લે મુકવામાં આવ્યો.
મોરબી દુર્ઘટના પર નેતાઓ સહિત લોકો દુખ વ્યક્ત કરી રહ્યા
પીએમ મોદીએ મોરબી દુર્ઘટના પર કહ્યું કે, મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી તથા અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
તો સીએમ ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કરી કહ્યું કે, મારા આગળના આજના તમામ કાર્યક્રમો હાલ રદ કરીને મોરબી જવા રવાના થઈ રહ્યો છું. સ્થળ પર રૂબરૂ પહોંચીને પરિસ્થિતિનું સીધુ મોનિટરિંગ તથા તંત્ર સાથે જરૂરી સંકલન સાધીશ.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ એક ખુબ દુખદ ઘટના છે, હું મારી ટીમ સાથે મોરબી જવા રવાના થયો છું, આ સહિત તમામ મંત્રીઓ અને વિસ્તારથી નજીકના અમારા કાર્યકરો, પદાધિકારીઓને ઘટના સ્થળ પર જવા અને રેસક્યુ કરવાની કામગીરીમાં મદદ કરવા તથા હોસ્પિટલોમાં લોકોની સહાય કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, મોરબીમાં થયેલા અકસ્માતથી ખૂબજ વ્યથિત છું. આ અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓ સાથે વાત કરી છે. સ્થાનિક પ્રશાસન સંપૂર્ણ તૈયારી સાથે રાહત કાર્યમાં લાગેલું છે,NDRF પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી રહ્યુ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
મોરબી ધારાસભ્ય કાંતીભાઈએ કહ્યું કે, હાલમાં તમામ લોકો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી. અમારા કાર્યકરો સહિત લોક ભાગીદારી તથા તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
મૃતકોના પરિવારને કેટલી સહાયની જાહેરાત
રાજ્ય સરકાર તરફથી મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપશે.
તો પીએમઓ તરફથી મોરબી દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી તો ઈજાગ્રસ્તને 50 હજારની જાહેરાત કરવામાં આવી છે.