scorecardresearch

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના Live Update: 60ના મોતની આશંકા, મચ્છુ નદીનું પાણી કાઢવાની કામગીરી શરૂ

Morbi Suspension Bridge Collapses : મોરબી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બાદ સીએમ ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) દુખ વ્યક્ત કર્યું તો પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મૃતકના પરિવાર અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના Live Update: 60ના મોતની આશંકા, મચ્છુ નદીનું પાણી કાઢવાની કામગીરી શરૂ
મોરબી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના

મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના સર્જાવાથી શહેર સહિત રાજ્યભરામાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાહત બચાવ ટીમ રેસક્યુ કરી રહી છે. અનેક લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. હજુ રેસક્યુ ચાલુ છે. ઈજાગ્રસ્તોને તત્કાલીન સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 60 જેટલા લોકોના મોત થયાનું પણ માનવામાં આવી રહ્યું છે, તમને જણાવી દઈએ કે, જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે પુલ પર વધુ લોકો હતા, હજુ સુધી મોતની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ મોતનો આંક વધે તેવી શક્યતા છે. આ દુર્ઘટનાને પગલે તપાસના આદેશ કરાયા છે સાથોસાથ રાહત બચાવ કામગીરીને વધુ સઘન બનાવવા માટે મચ્છુ નદીનું પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પરવાનગી વિના પુલ શરૂ કરી દેવાયો

ઝુલતા પુલની દુ્ર્ઘટનાને લઇને ભારે ચકચાર મચી જવા પામી છે. અહીં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, કોઇ પણ પરવાનગી લીધા વિના જ આ પુલ શરૂ કરી દેવાયો હતો. મોરબી પાલિકાના ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર ઓરેવા કંપની દ્વારા આ પુલ શરૂ કરવા માટે ગુણવત્તા અને ક્ષમતા અંગેની કોઇ પરવાનગી લેવામાં નથી આવી. આ મામલે કંપની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને એના દસ્તાવેજ જપ્ત કરવામાં આવશે.

કંપની સંચાલકો સામે પગલાંની માંગ

મોરબીનો હેરીટેજ પુલ લોકોની અવરજવર માટે સલામત ન હોવાથી નગરપાલિકા દ્વારા અહીં અવરજવર બંધ કરી દેવાઇ હતી. જોકે નગરના હેરીટેજ પુલને ફરીથી શરૂ કરવા માટે ઓરેવા કંપનીને કામગીરી સોંપાઇ હતી. કંપનીને 15 વર્ષ માટે મેન્ટેનન્સ અને સલામત રીતે ચલાવવા માટે સોંપવામાં આવ્યો હતો. જોકે કોઇ જાતની પરવાનગી લીધા વિના પુલ નવા વર્ષના પ્રારંભે શરૂ કરી દેવાયો હતો. મનમાનીથી પુલ શરૂ કરી દેવાતાં લોકોના મોત થયા હોવાને પગલે કંપનીના સંચાલકો સામે માનવ વધનો ગુનો નોંધવાની પણ માંગ ઉઠવા પામી છે.

તપાસ માટે કમિટીની રચના કરાઇ

મોરબી દુર્ઘટના મામલે તપાસ કરવાના આદેશ આપી દેવાયા છે. પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ પદે માર્ગ અને મકાન વિભાગના કે.એમ.પટેલ, સુભાષ ત્રિવેદી રેન્જ આઇજી સહિત પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જે ત્રણ દિવસમાં તપાસ કરી અહેવાલ તૈયાર કરશે.

ઘટના સ્થળ પર મોરબી ધારાસભ્યો, રાજકીય, સામાજિક સભ્યો પહોંચી ગયા છે. કલેક્ટર, મામલતદાર સહિત અધિકારીઓ અને પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. જનભાગીદારી સાથે રેસક્યુ કરવામાં આવી રહ્યું છે.

સીએમ ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું

સીએમ ભુપેન્દ્ર પટેલે મોરબી પુલ દુર્ઘટના વિશે ટ્વીટ કરી કહ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

મોરબીની દુર્ઘટનાને પગલે માનનીય પ્રધાનમંત્રી સાથેના આગળના કાર્યક્રમોને ટૂંકાવીને ગાંધીનગર પહોંચી રહ્યો છું. ગૃહ રાજ્યમંત્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.

તેમણે મોરબીની દુર્ઘટના અંગે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મારી સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવા અંગે તથા તંત્રને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું છે.

મૃતકના પરિવારને 2 લાખ, ઈજાગ્રસ્તને 50 હજાર સહાય: PMO

તો પીએમઓ તરફથી પણ ટ્વીટ કરી દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સિવાય ટ્વીટમાં મૃતકોના પરિવારને બે લાખની સહાય તો ઈજાગ્રસ્તોને 50 હજારની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ મોડી સાંજે અચાનક તૂટી પડ્યો હતો. પુલ તૂટ્યો તે સમયે અનેક મુલાકાતીઓ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. જેને પગલે મુલાકાતીઓ પુલ સાથે નદીમાં પડ્યા હતા. અચાનક પુલ તૂટી પડતા નાસ ભાગ મચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, નવા વર્ષે જ લોકો માટે ઝુલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં કેટલાક લોકોને ઈજા પહોંચી છે. રેસક્યુ ટીમને જાણ થતા મદદ માટે ટીમ પહોંચી ગઈ છે. પુલ સાથે નદીમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હજુ સુધી કોઈના મોતની સત્તાવાર માહિતી સામે આવી નથી.

Web Title: Morbi suspension bridge collapse tragedy update cm bhupendra patel pm modi announces assistance

Best of Express