morbi cable bridge collapses: ગુજરાતના મોરબીમાં આવેલી મચ્છુ નદી પર રવિવારે 30 ઓક્ટોબર 2022ના સાંજે કેબલ બ્રિજ ટૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આ દુર્ઘટનામાં અત્યાર સુધી 132 લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધી 170થી વધારે લોકોને બચાવવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલું છે.
ગુજરાત સરકારના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે કેબલ બ્રિજ દુર્ઘટનામાં 132 લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે અમે આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. બચાવ કાર્ય ચાલું છે. અત્યાર સુધીમાં મળેલી લાશોમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધ વધારે છે.
રાહત અને બચાવ કાર્યમાં કેટલી ટીમો પહોંચી
ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળતી જાણકારી પ્રમાણે ભારતીય નૌસેનાના 50 કર્મચારીઓ સાથે NDRFની ત્રણ ટીમો, ભારતીય વાયુસેનાના 30 જવાનો બચાવ અને રહાત કાર્યમાં જોડાયા છે. આ ઉપરાંત સેનના બે કોલમ અને ફાયર બ્રિગેડની સાત ટીમો રાજકોટ, જામનગર, દીવ અને સુરેન્દ્રનગરથી ઉપકરણો સાથે મોરબી માટે રવાના થઈ છે. SDRFની ત્રણ ટીમો અને રાજ્ય રિઝર્વ પોલીસની ત્રણ ટીમો પણ બચાવ અને રાહત કાર્ય માટે મોરબી પહોંચી રહી છે. સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક આઈસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે.
વાયુ સેનાનું વિમાન અને ગરુડ કમાન્ડો મોરબી માટે રવાના
રક્ષા અધિકારીના જણાવ્યા પ્રમાણે એનડીઆરએફ ટીમની સાથે વાયુસેનાનું વિમાન રાહત કાર્યો માટે રવાના થયું છે. બીજું વિમાન પણ મોકલવામાં આવશે. જામનગર અને આસપાસના અન્ય સ્થાનોમાં બચાવ કાર્યો માટે હેલિકોપ્ટરને તૈયાર રાખવામાં આવ્યા છે. ભૂજ અને અન્ય સ્થળોથી ગરુડ કમાન્ડોને મોરબી મોકલવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા તંત્રએ રજૂ કર્યો હેલ્પલાઈન નંબર
મોરબી દુર્ઘટનામાં વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ઇજાગ્રસ્ત લોકોને ઝડપથી સારવાર માટે તે માટે આદેશ આપ્યા છે. દુર્ઘટના અંગે ગુજરાત સરકારે એક તપાસ સમિતિની પણ રચના કરી છે. જ્યારે મોરબી જિલ્લા પ્રશાસને હેલ્પલાઈન નંબર 02822 243300 પણ જાહેર કર્યો છે.
રાજ્ય સરકારે મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી
ગુજરાત સરકારે મોરબી પુલ દુર્ઘટનામાં મોતને ભેટેલા હતભાગીના પરિવારોને ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તના પરિવારોને 50 હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારને બે લાખ રૂપિયા અને જાગ્રસ્તોના પરિવારને 50,000 રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.
સીએમ ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું
સીએમ ભુપેન્દ્ર પટેલે મોરબી પુલ દુર્ઘટના વિશે ટ્વીટ કરી કહ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
કેવી રીતે દુર્ઘટના સર્જાઈ?
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સર્જાઈ ત્યારે 400થી વધુ લોકો ઝૂલતા પુલ પર હાજર હતા, તે સમયે જ અચાનક પુલ તૂટતા મુલાકાતીઓ પુલ સાથે નદીમાં પડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ મીડિયાને જણાવ્યા અનુસાર, સાંજના 6.45ના સમયે મોટી સંખ્યામાં લોકો પુલ પર હતા, કેટલાક લોકો પુલ હલાવવાની મસ્તી પણ કરી રહ્યા હતા અને અચાનક ત્યારબાદ પુલ ધરાશાયી થયો અને લોકો પુલ સાથે નદીમાં પડ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબી દુર્ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, મોરબીમાં થયેલા અકસ્માતથી ખૂબજ વ્યથિત છું. આ અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓ સાથે વાત કરી છે. સ્થાનિક પ્રશાસન સંપૂર્ણ તૈયારી સાથે રાહત કાર્યમાં લાગેલું છે,NDRF પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી રહ્યુ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.