મોરબી ઝૂલતા પૂલ તૂટવાની દુર્ઘટનામાં 60 જેટલા નાગરીકોના મોત થયાની આશંકા છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સરકાર, વિપક્ષ, તંત્ર તથા સ્થાનિકો દ્વારા હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે. સત્તાપક્ષ-વિપક્ષના કેટલાક નેતાઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે તો કેટલાક પહોંચવા રવાના થયા છે. તો જોઈએ કે, સત્તાપક્ષ દ્વારા શું કહેવામાં આવ્યું? કોંગ્રેસ દ્વારા શું આક્ષેપ કરવામાં આવ્યો? આપ નેતાએ શું સવાલ ઉઠાવ્યો?
પીએમ મોદીએ શું કહ્યું
પીએમ મોદીએ મોરબી દુર્ઘટના પર કહ્યું કે, મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી તથા અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તો પીએમઓ તરફથી મોરબી દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી તો ઈજાગ્રસ્તને 50 હજારની જાહેરાત કરવામાં આવી છે.
સીએમ ભુપેન્દ્ર પટેલે શું કહ્યું
તો સીએમ ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કરી કહ્યું કે, મારા આગળના આજના તમામ કાર્યક્રમો હાલ રદ કરીને મોરબી જવા રવાના થઈ રહ્યો છું. સ્થળ પર રૂબરૂ પહોંચીને પરિસ્થિતિનું સીધુ મોનિટરિંગ તથા તંત્ર સાથે જરૂરી સંકલન સાધીશ. રાજ્ય સરકાર તરફથી મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપશે.
અમિત શાહે શં કહ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, મોરબીમાં થયેલા અકસ્માતથી ખૂબજ વ્યથિત છું. આ અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અધિકારીઓ સાથે વાત કરી છે. સ્થાનિક પ્રશાસન સંપૂર્ણ તૈયારી સાથે રાહત કાર્યમાં લાગેલું છે,NDRF પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી રહ્યુ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
15 મિનીટમાં તંત્ર બચાવ કામગીરીમાં લાગ્યું: હર્ષ સંઘવી
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર તંત્ર તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીમાં લાગી ગયું છે. તંત્ર દ્વારા બચાવની કામગીરી ઝડપથી ચાલી રહી છે. રાજ્યના તમામ વિભાગો સહયોગ કરી રહ્યા છે. આ ઘટનાના 15 મિનિટમાં જ જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું હતું અને મોટાભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવી રહ્યા છે. પીએમ કાર્યાલય તરફથી પણ તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ તેહનાત કરી દેવામાં આવી છે.
આવતીકાલે મૃતકોના સ્વજનોને સાંત્વના : શંકરસિંહ વાઘેલા
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ મોરબીમાં ઝૂલતો પુલ નદીમાં તૂટી પડવાની દુર્ઘટનામા નાના બાળકો સહીત ૪૨ જેટલા લોકોના મૃત્યુ અંગે અને ઘાયલો અને સ્વજનો પ્રત્યે ઉંડા દુઃખ અને સંવેદનાની લાગણી વ્યક્ત કરી. મૃતકોના કુટુંબીજનો અને ઈજાગ્રસ્ત લોકો અને તેમના પરિજનોને સાંત્વના અને દિલશોજી પાઠવવા તેઓ આવતી કાલ ૩૧/૧૦/૨૦૨૨ના રોજ સવારે મોરબી જનાર છે.
આપ નેતા ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?
આપ ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ મોરબી દુર્ઘટનાને લઈ સંવેદના વ્યક્ત કરી કહ્યું કે, હાલ બધાએ સાથે મળી દુર્ઘટનામાં ભોગ બનનાર લોકો અને તેમના પરિવારને મદદ કરવાની જરૂર છે. હું આપ પાર્ટીના કાર્યકરોને અપીલ કરૂ છું કે, બધા રાહત અને બચાવ કામગીરીમાં જોડાય.
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનો સરકાર પર ખૂબ ગંભીર આરોપ
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મોરબી દુર્ઘટના અંગે નિવેદન આપી મૃતકો અને ઈજાગ્રસ્ત લોકોના પરિવાર માટે દુખ વ્યક્ત કર્યું હતું આ સાથે તેમણે સત્તાપક્ષ પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ સરકારમાં નિર્ભય રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ચૂંટણી હતી એટલે જલદી જલદીમાં બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો, ઝડપી કામગીરી પતાવી લોકોને ખુશ કરવા ઉતાવળમાં બ્રિજ ખુલ્લો મુકાયો. 4-5 દિવસમાં બ્રિજ કેમ તૂટે, સરકાર જવાબ આપે.
સરકારે શું પુલની ગુણવત્તા નહોતી ચકાસી? : આપ નેતા ઈશુદાન ગઢવી
ઈશુદાન ગઢવીએ કહ્યું કે, મોરબીમા ઝુલતો પુલ તૂટી પડ્યો.જેમા અનેક લોકો પાણીની અંદર ફસાયા છે. ઈશ્વર સૌને સુરક્ષિત રાખે એવી પ્રાર્થના. આ સમગ્ર ઘટનામા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જે ખુબ શરમજનક છે! આ પુલ હજી ત્રણ દિવસ પહેલા જ સમારકામ બાદ ખુલ્લો મુકાયો હતો. શું સરકારે આ પુલની ગુણવત્તા નહતી ચકાસી?
જીતુ વાઘાણીએ સંવેદના વ્યક્ત કરી
મંત્રી જીતુ વાઘાણીએ સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, સરકાર પીડિત લોકોના પરિવારની સાથે છે. બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં પણ બધાને જરૂરી સારવાર મળી રહે તે માટે સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે દુર્ઘટના કેમ સર્જાઈ તે મામલે તપાસના આદેશ આપ્યા છે, અને દોષિતોને કડક રીતે સજા કરવામાં આવશે.
રાજ્યપાલે દુખ વ્યક્ત કર્યું
મોરબી દુર્ઘટનાને લઈ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. રાજ્યપાલે આ દુઃખદ ઘટનાનો ભોગ બનેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ઉપર અણધાર્યા આવી પડેલા આઘાતને સહન કરવાની પરમકૃપાળુ પરમાત્મા શક્તિ અર્પે અને ઇજાગ્રસ્ત લોકો સત્વરે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના વ્યક્ત કરી છે.
મોરારી બાપુએ શું કહ્યું
મોરારી બાપુએ કહ્યું હું હાલ રાજસ્થાન કથાના કાર્યક્રમમાં છુ. મોરબી દુર્ઘટના આ ખુબ જ દુખદ ઘટના છે. મારી સંવેદના તમામ પીડિતોના પરિવાર સાથે છે. ભગવાન મૃતકોને સદગતિ આપે અને તેમના પરિવારને આ આઘાતની ઘડીમાં દુખ સહન કરવાની શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના છે.