Mujpur Gambhira Bridge Collapse: આજે બુધવારે મધ્ય ગુજરાતમાં મોટી દુર્ઘટના ઘટી હતી. વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર ગંભીરા પુલનો વચ્ચેનો એકભાગ તુટી પડ્યાની ઘટના બની હતી. આ પુલમાં મોટું ભંગાણ થતાં પુલ પરથી પસાર થતા વાહનો નદીમાં ખાબક્યા છે. વાહનોમાં સવાર પૈકી 11 લોકોના મોતની પુષ્ટી થઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
બે ટ્રક, બે ઈકો વાન, એક પીકઅપ સહિતના વાહનો નદીમાં પડ્યા
સત્તાવાર મળતી માહિતી પ્રમાણે ગંભીરા પુલના બે પીલર વચ્ચેનો ભાગ તૂટી પડતાં નદીમાં બે ટ્રક, બે ઈકો વાન, એક પીકઅપ વાન સહિતના વાહનો નદીમાં પડ્યા હતા. સ્થાનિક તંત્ર સહિત બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન પાંચ લોકોને બાચવી લેવાયા છે.
પાંચ લોકોને બચાવી લેવાયા: વડોદરા જિલ્લા કલેક્ટર
વડોદરાના જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે પાંચ લોકોને સામાન્ય ઇજાઓથી બચાવ્યા છે, અને બે લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. બચાવ કામગીરી ચાલુ હોવા છતાં, અમને ખબર પડી છે કે પુલનો એક ભાગ અચાનક ખાબકતાં બે ટ્રક, એક ઇકો વાન, એક પિકઅપ વાન અને એક ઓટો-રિક્ષા નદીમાં ખાબકી ગયા હતા.”
વડોદરા જિલ્લા ફાયર અને ઇમરજન્સી ટીમ, તેમજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ને બચાવ કામગીરી હાથ ધરવા માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. NDRF ના વડોદરા 6BN યુનિટે જણાવ્યું હતું કે તેમણે બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ઊંડા પાણીમાં ડાઇવ સાથે અકસ્માત સ્થળે એક ટીમ મોકલી હતી.
ધમેલિયાએ ઉમેર્યું હતું કે “આ નદીનો સૌથી ઊંડો ભાગ નથી, અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે સમયે પુલ પર બે મોટરસાયકલ પણ હતી, પરંતુ અત્યાર સુધી, અમને કોઈ પુષ્ટિ મળી નથી કે તેઓ પણ નદીમાં ડૂબી ગયા હતા કે નહીં. અમે હજુ સુધી લોકોની ઓળખ નક્કી કરી નથી કારણ કે અમે બચાવ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ,”
ઘાયલનો વડોદરા જિલ્લાની સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા
ઘાયલોને વડોદરા જિલ્લાની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ધામેલીયાએ ઉમેર્યું હતું કે બચાવી લેવામાં આવેલા પાંચ લોકોમાંથી ચારને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેઓ ‘નાના ઇજાઓ’ સાથે બચી ગયા હતા.
માર્ગ અને પુલ વિભાગના કાર્યકારી ઇજનેરો ઘટનાસ્થળે
ધમેલિયાએ ઉમેર્યું કે 43 વર્ષ જૂનો આ પુલ ગયા વર્ષે જ રિપેર કરવામાં આવ્યો હતો. “માર્ગ અને પુલ વિભાગના કાર્યકારી ઇજનેરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય પૂર્ણ થયા પછી અમે પુલની વિગતોની તપાસ કરીશું,”
આણંદના જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે જ્યારે વડોદરા જિલ્લો બચાવ કામગીરી હાથ ધરી રહ્યો હતો, ત્યારે તેમણે ઘટનાસ્થળે મદદ માટે ત્રણ ફાયર ટેન્ડર તૈનાત કર્યા હતા. “પુલની બીજી બાજુ બનેલી ઘટનાઓને નિયંત્રિત કરવા અને જરૂર પડ્યે મદદ કરવા માટે આણંદ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ સ્થળ પર છે.”
આ પણ વાંચોઃ- VIDEO: કચ્છના દરિયામાં તણાયેલા ઊંટ તરીને દ્વારકા પહોંચ્યા, એશિયાની એક માત્ર પાણીમાં તરતી ઊંટની પ્રજાતિ
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો પુલ
ઉલ્લેખનીય છે કે આ પુલ આણંદ અને વડોદરાને જોડતો પુલ હતો. બંને જિલ્લાઓ વચ્ચે વાહન વ્યવહારનો મહત્વનો માર્ગ ગણાય છે. જોકે, આ પુલ તુટી પડતા બંને જિલ્લાઓ વચ્ચે અવર જવર કરતા લાખો વાહનોને અસરને થશે.
અંકલાવ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ બચાવ કામગીરી માટે કરી અપિલ
અંકલાવ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ X પર પોસ્ટ કરી, “ઘણા વાહનો નદીમાં પડી ગયા છે અને મોટી જાનહાનિની આશંકા છે… સરકારી વહીવટીતંત્રે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવી જોઈએ અને ટ્રાફિકને તે મુજબ વાળવો જોઈએ.”