Why Jalebi Fafda Eat On Dussehra In Gujarat : દશેરા એટલે નવરાત્રીનો છેલ્લો દિવસ. નવ દિવસ માતાજીની પૂજા આરાધના કર્યા બાદ દશેરા પર નવરાત્રીનું સમાપન થાય છે. દશેરા આસો સુદ દસમ તિથિ પર ઉજવાય છે. દશેરા પર રાવણ દહન કરવાની પરંપરા છે. ખાસ કરીને ગુજરાતમાં દશેરા પર ફાફડા જલેબી ખાવાનો રિવાજ છે. ગુજરાતમાં મોટાભાગના લોકો દશેરા પર જબેલી ફાફડા થાય છે, તેના વગર આ તહેવાર અધુરો ગણાય છે. શું તમારા મનમાં ક્યારેય એવો સવાલ થયો છે કે, દશેરા પર ફાફડા જલેબી કેમ ખાવામાં આવે છે? ભગવાન શ્રીરામ સાથે શું સંબંધ છે? તો ચાલો જાણીયે દશેરા વિશે રસપ્રદ વિગત
દશેરા પર ફાફડા જલેબી કેમ ખવાય છે?
ગુજરાતમાં દશેરા પર ફાફડા જલેબી ખાવાની પરંપરા છે. તેની પાછળ ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક કારણો છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીરામને શાશકૌલી નામની એક મીઠાઇ બહુ પ્રિય છે. શાશકૌલી મીઠાઇનો દેખાવ અને સ્વાદ અત્યારની જલેબી જેવો હતો. સાકર કે ગોળની ચાસણીમાં ડબોડીને બનતી મીઠાઇ જલેબી અને ઇમરતી જેવી હતી. એવું કહેવાય છે કે, ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યા બાદ શાશકૌલી મીઠાઇ આરોગીને અનુષ્ઠાન પૂર્ણ કર્યું હતું. તો બીજી બાજુ રાવણ સાથેના યુદ્ધમાં શ્રીરામનો વિજય થવાની ખુશીમાં અયોધ્યાવાસીઓએ શાશકૌલી મીઠાઇ બનાવી હતી. હાલના સમયમાં શાશકૌલી વિશે કોઇને જાણકારી નથી, પરંતુ હાલ લોકો અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયની યાદીમાં જલેબી ખાઇને દશેરાની ઉજવણી કરે છે.
જલેબી સાથે ફાફડા કેમ ખાવામાં આવે છે?
ગુજરાતમાં જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા છે. તેની પાછળ પણ ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક કારણો છે. ધાર્મિક માન્યતા મુજબ કોઇપણ વ્રત કે ઉપવાસના પારણા ચણાના લોટ માંથી બનેલી વાનગી ખાઇને કરવા જોઇએ. ચણાના લોટમાં પ્રોટીન સહિત વિવિધ પોષક તત્વો હોય છે, જે શરીરને મજબૂત બનાવે છે. નવરાત્રીના નવ દિવસ વ્રત ઉપવાસ કરવાથી શરીરમાં નબળાઇ આવી જાય છે. ઉપવાસ કરવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ ઘટી જાય છે. આવી સ્થિતિમાં ચણાના લોટની વાનગીથી શરીરને ઊર્જા અને પોષણ મળે છે. તો જેલબી ખાવાથી બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે. આથી જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઇ હોવાનું મનાય છે. ચણાના લોટ માંથી બનેલા નરમ ફાફડા પપૈયાની ચટણી અને કઢી સાથે ખાવામાં આવે છે.
એક માન્યતા એવી છે કે, જલેબી મીઠી હોય છે આથી તેની સાથે કોઇ તીખી વાનગી ખાવી જોઇએ. આમ જલેબી સાથે ફાફડા ખાવાનો રિવાજ શરૂ થયું હોવાનું મનાય છે.
દશેરા પર શસ્ત્ર પૂજન અને રાવણ દહન
દશેરા પર શસ્ત્ર પૂજન કરવાની પરંપરા આવે છે. ક્ષત્રિય સમાજમાં આજે પણ તલવાર, બંદુક જેવા વિવિધ હથિયારોની દશેરાના દિવસે વિધિ પૂજા કરવામાં આવે છે. શસ્ત્ર એ શક્તિનું પ્રતિક છે અને નવરાત્રીમાં આદ્યશક્તિની પૂજા ભક્તિ આરાધના કરવામાં આવે છે.
દશેરા પર રાવણ દહન પણ થાય છે. ભગવાન શ્રી રામે રાક્ષસ રાવણનો વધ કર્યો હતો અને ધર્મની સ્થાપના કરી હતી. શ્રીરામના યુદ્ધ વિજયની યાદમાં દેશભરમાં ઘણા સ્થળો પર રાવણ દહન કરવામાં આવે છે. જેમા રાવણ, કુંભકર્ણ અને મેધનાદના પુતળાનું દહન કરવામાં આવે છે. દશેરા અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યની વિજયનો દિવસ છે. દશેરાને વિજયાદશમી પણ કહેવામાં આવે છે.
જલેબી ખાવાના ફાયદા
જલેબી ખાવા શરીર માટે લાભદાયી છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે નવરાત્રીનો તહેવાર શરદ ઋતુમાં આવે છે, જેમા ગરમી અને ઠંડી એમ બે ઋતુ અનુભવાય છે. બેવડી ઋતુમાં શરીરમાં સિરોટોરિન નામનું તત્ત્વ ઘટી જાય છે, જેના કારણે માઇગ્રેન કે માથામાં તીવ્ર દુઃખાવાની બીમારી થઇ શકે છે. ચાસણી ભરેલી જલેબીમાં ટિરામાઇનામનું તત્ત્વ હોય છે, જે શરીરમાં સિરોટોરિનનું પ્રમાણ કાબુમાં રાખે છે. આથી દશેરા પર જલેબી ખાવાથી માઇગ્રેન સામે રક્ષણ મળે છે.
(Disclaimer : આ લેખમાં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. તે વિવિધ ધાર્મિક અને લોક માન્યતાઓ પર આધારિત છે. કોઇ પણ પ્રકારના પ્રશ્ન કે મૂંઝવણ હોય તો જાણકારની સલાહ લેવી)