Gujarat Big Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતો દરરોજ બનતા રહે છે અને આવા અકસ્માતોમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે ત્યારે આવો જ એક ગમખ્વાર અકસ્માત અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે ઉપર સર્જાયો હતો. નવસારી જિલ્લાના વેસ્મા ગામ પાસે ખાનગી લક્ઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ગોઝારા અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 29 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી.
ખાનગી લક્ઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં આવેલા નવસારી જિલ્લામાં આજે શનિવારે વહેલી સવારે વર્ષના છેલ્લા દિવસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી વલસાડ જતી લક્ઝરી બસ અને વલસાડથી ભરૂચ જતી ફોર્ચુનર કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. મળતી માહતી પ્રમાણે કાર ચાલકે કાબુ ગુમાવતા સામેથી આવતી લક્ઝરી સાથે જોરદાર ટક્કર થઈ હતી. આમ વર્ષના છેલ્લા દિવસે અમદાવાદ- મુંબઈ હાઇવે ગમખ્વાર અકસ્માતથી લોહિયાળ બન્યો હતો.
ગોઝારા અકસ્માતમાં 9ના કરુણ મોત
ગમખ્વાર અકસ્માત અંગે વધુ મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-મુંબઈ હાઇવે ઉપર કાર અને લક્ઝરી બસ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યા છે જ્યારે 29 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચોઃ- Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
કારમાં સવાર યુવાનો ખાનગી કંપનીના કર્મચારીઓ
મળતી માહિતી પ્રમાણે અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.કારમાં સવાર એકને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા અધિક કલેકટર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સિવિલ હોસ્પિટલમાં ખડે પગે હાજર રહીને મૃતક અને ઇજાગ્રસ્તને સારવાર અપાવી હતી.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 31 ડિસેમ્બર ભારતને ગુલામ બનાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્થાપના દિન
BAPS પ્રમુખ સ્વામીનગરમાં કાર્યક્રમમાંથી પરત ફરી હતી લક્ઝરી
ઘટના અંગે વધુ મળતી માહિતી પ્રમાણે અકસ્માતગ્રસ્ત ખાનગી બસ અમદાવાદથી વલસાડ જઈ રહી હતી. બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની હતા. જેઓ અમદાવાદ ખાતે BAPS ના પ્રમુખ સ્વામી નગર કાર્યક્રમ માંથી વલસાડ પરત ફરતા હતા.