નવસારી : યુગલના પ્રેમ લગ્ન બાદ ગામમાં ભારે તંગદિલી, પોલીસે બે કેસમાં 11ની કરી ધરપકડ, જાણો – શું છે મામલો?

નવસારીના એક ગામમાં યુગલે આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કર્યા બાદ હંગામો મચી ગયો હતો, યુગલને પોલીસે આપ્યું રક્ષણ, ગામમાં સુરક્ષા વધારી, સાથે ટોળા સામે ગુનો નોંધી 11ની કરી ધરપકડ.

Written by Kiran Mehta
March 28, 2024 19:28 IST
નવસારી : યુગલના પ્રેમ લગ્ન બાદ ગામમાં ભારે તંગદિલી, પોલીસે બે કેસમાં 11ની કરી ધરપકડ, જાણો – શું છે મામલો?
નવસારી આંતરજ્ઞાતિય લગ્ન બાદ ગામમાં હંગામો (પ્રતિકાત્મક તસવીર)

Navsari Inter-Caste Love Marriage and Commotion : નવસારીના એક ગામમાં આંતરજ્ઞાતિય લગ્ન બાદ આક્રોશ, તણાવ અને અથડામણ વચ્ચેના બે અલગ-અલગ કેસમાં કુલ અગિયાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને શાંતિ જાળવવાના પ્રયાસો ચાલુ છે.

પરિવાર અને સમાજના વાંધાઓ વચ્ચે, એક આંતરજ્ઞાતિય યુગલ મંગળવારે તેમના લગ્નની નોંધણી કરાવ્યા બાદ રક્ષણ મેળવવા નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યું હતુ.

યુગલ પુખ્ત વયના, પોલીસે આપી મદદની ખાતરી

બંને પુખ્ત વયના હોવાથી પોલીસે મદદની ખાતરી આપી હતી, અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો તેમનો વિરોધ નોંધાવવા માટે એકઠા થયા હતા. જો કે, પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ બંને જાતિના ટોળાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો અને તેઓને તેમના ઘરે પાછા ફરવા વિનંતી કરી હતી.

નવસારી તાલુકા પંચાયત પ્રમુખ પર હુમલો

બાદમાં નવસારી તાલુકા પંચાયતના ભાજપ પ્રમુખ મુકેશ પટેલ પર ચાર લોકોએ હુમલો કર્યો હતો – જ્યારે તેઓ સાતેમ ગામથી નવસારી શહેર તરફ મુસાફરી કરી રહ્યા હતા – એક નવા પરિણીત યુગલને કથિત રૂપે સમર્થન આપવા બદલ. પટેલ સાથે તેના બે મિત્રો પણ હતા. આરોપીએ કથિત રીતે તેમને થપ્પડ મારી હતી, અને ગાડી પર હુમલો કરી કાચ તોડી નાખ્યો હતો.

પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ ચાર યુવકો સામે ગુનો નોંધ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસે બુધવારે તમામની ધરપકડ કરી હતી.

ભીડ બેકાબુ થતા પોલીસે કર્યો લાઠીચાર્જ

અન્ય સંબંધિત ઘટનામાં, મંગળવારે રાત્રે નવવિવાહિત મહિલાના માતા-પિતાના ઘરની બહાર ભારે ભીડ એકઠી થઈ હતી. નવસારીના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સુરક્ષાકર્મીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. નજીવા લાઠીચાર્જ બાદ ભીડ વિખેરાઈ ગઈ હતી. નવસારી પોલીસે આ મામલે 200 થી વધુના ટોળા સામે રાયોટીંગની ફરિયાદ નોંધી હતી. ઓળખાયેલા સાત લોકોની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી.

શું છે મામલો?

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા અગ્રવાલે કહ્યું, “એક આંતરજ્ઞાતિય યુગલે લગ્ન કર્યા. બંને પુખ્ત હોવા છતાં આ લગ્નથી વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. માતા-પિતાની સમજાવટ છતાં કન્યા તેના પતિ સાથે રહેવા પર અડગ રહી. તણાવ વચ્ચે નવસારી તાલુકા પંચાયત પ્રમુખ અને તેમના બે મિત્રો પર હુમલો થયો હતો. મોડી રાત્રે નવપરિણીત મહિલાના માતા-પિતાના ઘરની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી. અમે બે ગુના નોંધ્યા છે અને આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે રમખાણના કેસમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.

આ પણ વાંચો – રાજસ્થાન પ્રવાસન સ્થળ : ગુજરાતીઓ માટે ગરમીમાં પણ હોટ ફેવરેટ આ ટોપ 10 સ્થળો

પોલીસે વધુમાં કહ્યું કે, અમે અમારી ટીમો જે ગામડાઓમાં દંપતી રહે છે ત્યાં તૈનાત કરી છે. બુધવારે સાંજે અમે બંને વિવિધ જ્ઞાતિના લોકો અને તેમના આગેવાનો વચ્ચે બેઠક પણ બોલાવી અને તેમને જિલ્લામાં શાંતિ જાળવવા વિનંતી કરી અને તેઓ પણ સંમત થયા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમે અમારી ટીમો વિવિધ સ્થળોએ તૈનાત કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ