દેશના સૌથી ધનિક અંબાણી પરિવારના પુત્ર અનંત અંબાણી કર્મભૂમિ જામનગરથી પદયાત્રા કરી આજે સવારે ધર્મભૂમિ દ્વારકા આવી પહોંચ્યા હતા. અહીં દ્વારકાધીશના ચરણે શીશ નમાવી અનંતે ધન્યતા અનુભવી હતી. આ ક્ષણે નીતા અંબાણી ભાવુક થયા હતા. આ દ્વારકાધીશનો ઉપકાર છે. મારા અનંતે આ પવિત્ર પદયાત્રા પૂર્ણ કરી છે. આજે માનું દિલ આનંદિત છે. આ શબ્દોમાં એક માતાનો પુત્ર પ્રેમ અને ભગવાન પ્રત્યેની આસ્થા સ્પષ્ટ દેખાય છે.
રિલાયન્સ ગ્રુપના ચેરપર્સન મુકેશ અંબાણીના ધર્મ પત્ની અને અનંત અંબાણીના માતા નીતા અંબાણીનો હરખ સમાતો ન હતો. પુત્ર અનંત 10 દિવસ સુધી પગપાળા ચાલી જામનગરથી દ્વારકા પદયાત્રા પૂર્ણ કરી આજે દ્વારકા પહોંચ્યો હતો. આ ક્ષણે અહીં માતૃપ્રેમના જાણે સાગર છલકાયો હતો. દ્વારકાધીશ અને અનંત સાથે પદયાત્રામાં જોડાયેલા સૌનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
નીતા અંબાણીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, આજે મારુ હ્રદય એકદમ ગૌરવથી ભરાઇ ગયું છે. મારા અનંતે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામ નમવીના દિવસે પુરી કરી છે. માનું દિલ એકદમ આનંદિત છે. અનંતની સાથે જે બધા આવ્યા છે એ આપણી સંસ્કૃતિનો વારસો આગળ વધારી રહ્યા છે. એના માટે ખૂબજ ગર્વ થાય છે. આ છોકરાઓ આટલી નાની ઉંમરે ભગવાનમાં આસ્થા રાખીને 10 દિવસ ચાલ્યા છે. આ દ્વારકાધીશનો ઉપકાર છે એના આશીર્વાદ છે અને બધાને ખૂબ ખૂબ આર્શીવાદ. બધાને જયશ્રી કૃષ્ણ, દ્વારકાધીશ.
જામનગરથી દ્વારકા અનંત પદયાત્રા
અનંત અંબાણી દેશના સૌથી ધનિક પરિવારના પુત્ર છે.દિવ્યતા સાથે જોડાણ સાધવાની અને ભારતીય પરંપરાને અનુસરીને કર્મભૂમિ જામનગરથી ધર્મભૂમિ દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા કરી છે. તેમણે 29 માર્ચે આ પદયાત્રા શરુ કરી હતી. આજે રામનવમીએ તે દ્વારકા પહોંચ્યા હતા.
અનંત પદયાત્રા નોંધનિય કેમ છે?
અનંત અંબાણીની આ પદયાત્રા આ કારણોસર ચર્ચામાં છે. એક તો તેઓ દેશના સૌથી ધનિક પરિવારના પુત્ર છે. બીજી ખાસ વાત એ છે કે અનંત કુશિંગ સિન્ડ્રોમ – એક દુર્લભ હોર્મોનલ બીમારીથી પીડિત છે. આ બિમારીથી અવગણી ન શકાય તેવી સ્થૂળતા, તેમજ અસ્થમા તથા ફેફસા અસરગ્રસ્ત થાય છે. આ રોગને કારણે થતી નબળાઈને દૂર કરવા માટે આ કઠિન યાત્રા કરવામાં આવી રહી છે.