કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી ખરીદવાની ઘોષણાને ખેડૂતો તરફથી નિરસ પ્રતિસાદ સાંપડ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના ઘટી રહેલા ભાવને રોકવા માટે બજારમાં હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ બે દિવસમાં માત્ર 150 ખેડૂતોએ તેમની ડુંગળી નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ) ને વેચવા માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ખેડૂતોને તેમના પાકની ગુણવત્તા અંગે આશંકા
ઈન્ડિયાગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ (ICPCL)ના સીઇઓ માનસિંહ સિસોદિયાએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “કેટલાક ખેડૂતોને આશંકા છે કે શું તેમની ડુંગળી નાફેડ દ્વારા નિર્ધારિત વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ધોરણોને પૂર્ણ કરશે. તેથી, તેઓ તેમના પાકના સેમ્પલ લઈને અમારા કેન્દ્રો પર આવી રહ્યા છે. કેટલાક અમારી ટીમોને તેમના ખેતરોમાં જવા અને તેમના પાકની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે જણાવી રહ્યા છે. તેથી આ બે દિવસમાં એક પણ ખેડૂતે નાફેડને ડુંગળી વેચી નથી, પરંતુ લગભગ 150 ખેડૂતોએ સરકારને તેમની પેદાશો વેચવા માટે અમારી પાસે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.”
ICPCL એ ગુજરાતના 30 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs)નું એક સંગઠન છે.
નાફેડ એ દેશની સર્વોચ્ચ સહકારી માર્કેટિંગ સંસ્થા છે, જેણે ગુજરાતમાં ડુંગળીની ખરીદીની કામગીરીનું સંચાલન કરવા કરવા રાજ્ય સ્તરીય એજન્સી તરીકે ICPCLની પસંદગી કરી છે. સરકારે બુધવારે ઘોષણા કરી હતી કે સોમવારથી ભાવનગર જિલ્લાના મહુવામાં, રાજકોટના ગોંડલ અને પોરબંદરમાં કૃષિ પેદાશ બજાર સમિતિઓ (APMCs)માં ડુંગળીના ખરીદ કેન્દ્રો ખોલવામાં આવશે. સરકારે મોડલ પ્રાઇસની સરેરાશ (માર્કેટયાર્ડમાં જે-તે દિવસે જે ભાવે પાકની સૌથી વધુ હરાજી થઇ હોય તે કિંમત) અને તેના પહેલાના ત્રણ દિવસની સૌથી ઉંચી કિંમતના આધારે ડુંગળીની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે.
સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે આજે ગોંડલ માર્કેટયાર્ડની પણ મુલાકાત લીધી હતી અને તે દિવસ માટે અમારી કિંમત 20 કિલો દીઠ રૂ.172.66 હતી. પરંતુ એક પણ ખેડૂત પોતાની ડુંગળી અમને વેચવા માટે આવ્યો ન હતો, તેનું સ્પષ્ટ કારણ એ છે કે તેમની સારી ગુણવત્વાળા ડુંગળીના પાકને માર્કેટયાર્ડમાં હાથ ધરવામાં આવતી હરાજીમાં ઉંચો ભાવ મળી ર્યો છે.”
ગોંડલ માર્કેટયાર્ડના સેક્રેટરી તરૂણ પાચાણીએ સમર્થન આપતા કહ્યું કે,“આજે 20 કિલો ડુંગળીનો ભાવ 66 થી 231 રૂપિયા બોલાયો હતો. ડુંગળીની મોડલ પ્રાઇસ 20 કિગ્રા દીઠ 151 રૂપિયા હતી. નાફેડના ભાવની સરખામણીમાં, અમારા દ્વારા હાથ ધરવામાં આવેલી ખુલ્લી હરાજીમાં સારી ગુણવત્તાવાળી ડુંગળી સરેરાશ રૂ.200ની આસપાસ વેચાઇ રહી હતી. તેથી આજે કોઈ ખેડૂતે તેમની ડુંગળી નાફેડને વેચી નથી.”
ડુંગળીના ભાવમાં સુધારો
સેક્રેટરીએ ઉમેર્યું હતું કે, છેલ્લા 10 દિવસમાં ડુંગળીના ભાવમાં નોંધપાત્ર સુધારો થયો છે. “ તારીખ 14 થી 28 ફેબ્રુઆરી સુધી જ્યારે ડુંગળીની આવક લગભગ 90000 બોરી (પ્રત્યેક બોરી 50 કિલોની) હતી ત્યારે મોડલ કિંમત 80 થી 90 રૂપિયા હતી અને ભાવની રેન્જ રૂ. 40 થી રૂ. 120 હતી. જો કે હાલ મોડલ પ્રાઇસ વધીને રૂ. 150ની આસપાસ પહોંચી ગયા છે તેમ છતાં આવક ઘટીને 11,500 બોરીની આસપાસ થઈ ગઇ છે.”
મહુવા માર્કેટયાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલે પણ જણાવ્યું હતું કે, સરકાર ગુણવત્તાના ક્યા માપદંડો પર ડુંગળી ખરીદે છે તેના પર બધુ નિર્ભર કરે છે. જ્યારે બજારમાં હસ્તક્ષેપ કરવાના સરકારના નિર્ણયની અત્યાર સુધી કોઈ અસર જણાતી નથી, ત્યારે સરકારી ખરીદી એક નવું પરિબળ ઉમેરશે, જે ભાવને ઉંચે લઇ જશે.”
જોકે સિસોદિયાએ કહ્યું કે, નાફેડ ગુણવત્તા સાથે સમાધાન કરી શકે નહીં. અમારે સરેરાશ ગુણવત્તાના માપદંડો (FAQ ના ધોરણો)નું પાલન કરવું પડશે કારણ કે ગુજરાતમાંથી ખરીદેલી ડુંગળીને દિલ્હી સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાં હરાજી દ્વારા વેચવામાં આવે છે. જે ગુણવત્તાના માપદંડોને પૂર્ણ કરતી નથી અને જેની ગુણવત્તા પરિવહન દરમિયાન બગડી શકે છે તેવી ડુંગળી ખરીદવું અમને પોસાય તેમ નથી.
મહુવા માર્કેટયાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે આવક સ્થિર રહી છે. “ચાર દિવસ પહેલા અમારા યાર્ડમાં 2.4 લાખ બોરીની આવક નોંધાઈ હતી અને વેપારીઓ દરરોજ સરેરાશ 70,000 બોરીની ખરીદી કરી રહ્યા છે.”
સરકાર પહેલીવાર ડુંગળી ખરીદશે
આ પહેલી ઘટના છે કે, સરકારે રાજ્યમાંથી મોડી ખરીફ ડુંગળીની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. ડુંગળીના ખરીફ પાકનું સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવેતર કરાય છે અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લણણી થાય છે. નાફેડે 2019, 2020, 2021 અને 2022માં પણ શિયાળું ડુંગળીની ખરીદી કરી હતી.