PM Modi in Gujarat | ગુજરાતના બે દિવસના પ્રવાસે પહોંચ્યા બાદ સોમવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં રોડ શો કર્યો હતો. સોમવારે સવારે 10 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે એરફોર્સ સ્ટેશન સુધી એક કિલોમીટરનો રોડ શો કર્યો હતો. પાકિસ્તાન સામે ભારતના ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ તેમને અભિનંદન આપવા માટે રોડ શો દરમિયાન લોકો રસ્તાની બંને બાજુ ઉભા હતા. આ દરમિયાન, રોડ શો દરમિયાન મીડિયાને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપનાર ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીના પરિવારના સભ્યોએ પણ વડા પ્રધાન પર ફૂલોનો વરસાદ કર્યો હતો.
કર્નલ સોફિયા કુરેશીની જુડવા બહેન શાયના સુનસારાએ વડોદરામાં પીએમ મોદીના રોડ શો પર કહ્યું, “અમને પીએમ મોદીને મળીને સારું લાગ્યું. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે. હું પોતે એક મહિલા છું, તેથી હું અનુભવી શકું છું કે મોદીજીએ મહિલાઓનો કેટલી ઉપર ઉઠાવી છે. સોફિયા મારી જુડવા બહેન છે. જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે, ત્યારે તે ફક્ત મને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. તે હવે ફક્ત મારી બહેન જ નહીં પણ દેશની બહેન પણ છે.”
શાયનાએ કહ્યું, “પીએમ મોદીને મળીને મને ખૂબ આનંદ થયો, આ એક મોટી વાત છે, દરેકને આવી તક મળતી નથી. સૌથી મોટી વાત એ છે કે તેમના ચહેરા પરની ચમક, અલગ ગર્વ હતો. પીએમ મોદી બહાર આવતાની સાથે જ જય-જયકારના નારા લાગ્યા. તે આપણી અંદરથી આવી રહ્યું હતું, કોઈને કહેવાની જરૂર નથી, તે ખુશી અલગ હતી.”
આ પણ વાંચોઃ- PM Modi Roadshow: પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ
ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પીએમ દાહોદ, ભૂજ અને ગાંધીનગરમાં જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે અને 82,950 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.