આચાર્ય ઓશો રજનીશનું એક આશ્રમ ગુજરાતમાં સ્થપાશે. ઓશોના શિષ્ય સ્વામી જ્ઞાનસાગરે બુધવારે અમદાવાદમાં ઘોષણા કરી કે, અમેરિકામાં ઓરેગન ખાતે આવેલા રજનીશપુરમની તર્જ પર ગુજરાતમાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં રજનીશપુરમ ઓશો તપોવન આશ્રમ બનાવવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, “ઓશો રજનીશ દ્વારા શોધવામાં આવેલા તમામ પ્રકારના ધ્યાન લોકોને આ આશ્રમમાં શીખવવામાં આવશે અને તે બધા માટે હશે,” તેમણે ઉમેર્યું કે ઓશો હંમેશા ગુજરાતમાં તેમનો આશ્રમ બનાવવા ઇચ્છતા હતા. તેમણે કચ્છમાં એક જગ્યા પણ પસંદ કરી હતી પરંતુ કોઈ કારણસર તેનો વિરોધ થયો અને પુનામાં ધ્યાન કેન્દ્ર બનાવવામાં આવ્યું.
જ્ઞાનસાગરની રાષ્ટ્રીય અગ્નિ સેનાના નેજા હેઠળ અમદાવાદથી લગભગ 50 કિલોમીટર દૂર કોસમ ગામમાં આ રજનીશપુરમ્ તપોવન આશ્રમ બનાવવામાં આવશે. આ આશ્રમ 11 એકર વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેના નિર્માણ પાછળ લગભગ 80 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. સરકાર તરફથી પ્રાથમિક મંજૂરી મળ્યા બાદ આશ્રમનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પુના સ્થિત ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ સંબંધિત વિવાદ વચ્ચે ગુજરાતમાં ઓશો આશ્રમ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. સંજય પટેલ, જેઓ ઓશોના શિષ્યો પૈકીના એક અને ટ્રસ્ટીઓ દ્વારા મેડિટેશન સેન્ટરની જમીન વેચવાનો વિરોધ કરી રહેલા અરજદારોમાં સામેલ છે તેમણે અગાઉ આક્ષેપ કર્યો હતો કે, ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ચાર ટ્રસ્ટીઓએ કોરોના મહામારીના સમયગાળા દરમિયાન નુકસાન થયુ હોવાનું જણાવી પુના સેન્ટરની 1.5 એકર જમીન 107 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી.
દેશભરમાંથી ઓશોના શિષ્યો દ્વારા 21 માર્ચે પુના સ્થિત ઓશો આશ્રમની બહાર ચાર ટ્રસ્ટીઓ-મુકેશ સારડા, લાલ સિંહ, દેવેન્દ્ર દેવલ અને સાધના બેલાપુરકરની વિરદ્ધ એક વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
સંજય પટેલે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે “હું પ્રથમ વ્યક્તિ હતો જેને આ ટ્રસ્ટીઓના દુષ્કૃત્યો વિશે જાણ થઈ હતી. તેઓએ અગાઉ પણ મિલકત વેચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમે રોકવામાં સફળ રહ્યા. આ વખતે પણ અમે મહારાષ્ટ્ર ચેરિટી કમિશનને અરજી કરીને આ પ્રકારનું વેચાણ રોકવામાં સફળ થયા છીએ. આ મામલો હાલ બોમ્બે હાઈકોર્ટમાં છે,”
ટ્રસ્ટીઓએ દાખલ કરેલા એક સોગંદનામું જણાવ્યું છે કે, આ મેડિટેશન સેન્ટરમાં કોઈ સમાધિ નથી અને તેથી, આસ્થાની કોઇ વાત જ નથી. પરંતુ બોમ્બે હાઈકોર્ટના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે સમાધિ અંદર છે અને શિષ્યો, જેમના પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને સમાધિની મુલાકાત લેવા માટે 976 રૂપિયા જેટલી એન્ટ્રી ફી માંગવામાં આવી હતી, તેમને અંદર જવાની મંજૂરી આપવી જોઈએ- એવો સંજય પટેલે દાવો કર્યો હતો.
એવો આક્ષેપ કર્યો છે કે, ટ્રસ્ટીઓએ ઓશોની વિરાસત અને ઉપદેશોને નાબૂદ કરવાના તેમના યોજનબદ્ધ પ્રયાસમાં ચોરીછુપી રીતે મિલકતો વેચી દીધી હતી.