pahalgam terrorist attack : દક્ષિણ જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે બપોરે આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ સહિત દેશભરના 26 પર્યટકો મોતને ભેટ્યાં હતાં. ગુજરાતના ત્રણે મૃતકોને બુધવારે માત્રે હવાઈ માર્ગે પોતાના વતન લાવવામાં આવ્યા હતા. આજે ત્રણેય મૃતકોને પરિવારજનોને ભારે આક્રંદ સાથે અંતિમ વિદાય આપી હતી. જ્યારે રાજકીય નેતાઓ પરિવારો પર આવેલી આ દુઃખની ઘડીમાં ભાગીદાર થવા માટે મૃતકોના ઘરે પહોંચ્યા હતા.
સુરત અને ભાવનગરના પિતા-પુત્રની અંતિમ વિદાય
જમ્મુ કાશ્મિર ફરવા ગયેલા સુરતના શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરના પિતા પુત્ર યતીશભાઈ અને સ્મિત આતંકવાદીઓની ગોળીઓથી વિંધાયા હતા. મોતને ભેટેલા આ ત્રણેય ગુજરાતીઓના પાર્થિવ દેહ બુધવારે રાત્રે હવાઈ માર્ગેથી અમદાવાદ અને પછી પોત પોતાના વતન પહોંચ્યા હતા. આજે ગુરુવારે સવારે ત્રણેય મૃતકોને પરિવારજનોએ ભારે આક્રંદ સાથે અંતિમ વિદાય આપી હતી.
રાજકીય નેતાઓ બન્યા દુઃખમાં ભાગીદાર
પહલગામની આ કરુણ ઘટના બાદ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા માટે રાજકીય નેતાઓ તેના ઘરે પહોંચ્યા હતા. તેમની આ દુઃખની ઘડીમાં ભાગીદાર બન્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચીને યતીશભાઈ અને સ્મિતને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે સુરતમાં મૃતક શૈલેષભાઈના ઘરે ભાજપના સાંસદ સુરેશ દલાલ, સી.આર. પાટીલ સહિતના નેતાઓ પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચોઃ- પહેલગામ હુમલામાં પતિની હત્યા કર્યા બાદ આતંકીઓએ પત્નીને કહ્યું – ‘તુમ્હેં નહીં મારેંગે, જાઓ મોદી કો બતા દો…’
મુખ્યમંત્રીએ મૃતકોને પાંચ લાખ અને ઘાયલોને 50 હજારના વળતરની જાહેરાત કરી
ગુજરાતના મુખ્યમંત્રીએ પહલગામ આતંકી હુમલાના પીડિતો માટે વળતરની જાહેરાત કરી હતી. તેમણે સત્તાવાર હેન્ડલથી પોસ્ટ કરીને જાણકારી આપી હતી.
તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાનો ભોગ બનનાર પરિવારોની પડખે ગુજરાત સરકાર પૂરી સંવેદના સાથે ઉભી છે. રાજ્ય સરકાર આ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીઓના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય તેમજ રાજ્યના ઇજાગ્રસ્ત પ્રવાસીઓને રૂપિયા 50,000 ની સહાય કરશે.