Wagh Bakri | Parag Desai passes away : વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 49 વર્ષના હતા. પરાગ દેસાઈ પરિવારના ચોથી પેઢીના સભ્ય હતા, જે 1892 માં નારણદાસ દેસાઈ દ્વારા સ્થાપવામાં આવેલી કંપનીના વ્યવસાયનું સંચાલન કરતા હતા.
પરાગ દેસાઈને ગયા અઠવાડિયે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેના નિવાસસ્થાન નજીક અચાનક થયેલી દુર્ઘટના બાદ તેમને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેમની સારવાર કરવામાં આવી રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, રવિવારે મોડી રાત્રે તેમણે સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓથી જીવ ગુમાવ્યો છે.
આ રીતે દુર્ઘટનાનો ભોગ બન્યા
ઉલ્લેખનીય છે કે, 15 ઑક્ટોબરે, જ્યારે પરાગ દેસાઈ સવારે મોર્નિંગ વોક કરી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમના પર રખડતા કૂતરાઓના ટોળાએ હુમલો શરૂ કર્યો હતો. જે બાદ તેઓ નીચે પડી ગયા હતા, અને માથામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની એક જાણીતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
સાત દિવસ જીવન મરણની જંગ ચાલી
કહેવાય છે કે, કૂતરાના હુમલાને કારણે પડી જતાં પરાગને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ઘરની બહાર એક સિક્યોરિટી ગાર્ડે તેમના પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ તેમને શેલ્બી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. શેલ્બી હોસ્પિટલમાં એક દિવસના નિરીક્ષણ પછી, તેમને સર્જરી માટે ઝાયડસ હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. જોકે, રવિવારે સારવાર દરમિયાન બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થયું હતું. એક રિપોર્ટ અનુસાર, માથામાં થયેલી ઈજા તેના માટે જીવલેણ સાબિત થઈ. ઈજાની સારવાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો.
આ પણ વાંચો – જુનાગઢ અને વલસાડમાં નકલી ઘી ની ફેક્ટરીમાં દરોડો, 10 લાખથી વધુનો માલ જપ્ત, આ રીતે ભેળસેળ કરી ઘી બનાવતા
પરાગ અને તેમનો પિતરાઈ ભાઈ પારસ 1990 ના દાયકામાં ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. પરાગ, યુએસએની લોંગ આઇલેન્ડ યુનિવર્સિટીમાંથી MBA થયાહતા, તેઓ વાઘ બકરી ટી ગ્રુપના બોર્ડમાં બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સમાંના એક હતા. તે કંપનીના વેચાણ, માર્કેટિંગ અને નિકાસની આગેવાની કરતા હતા અને તે એક નિષ્ણાત ચા ટેસ્ટનર અને મૂલ્યાંકનકાર પણ હતા.