/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Pavagadh-Temple.jpg)
પાવાગઢ મંદિરના વિકાસ કાર્ય
પાવાગઢ મંદિર દેશ-વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે હંમેશા આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. પાવાગઢને લઈ અનેક દંતકથાઓ છે, સાથે 'તુ કાળીને કલ્યાણી મોરી મા', 'પાવા તે ગઢથી ઉતર્યા' અનેક ગરબાઓ પણ તમે સાંભળ્યા હશે. તમને જણાવી દઈએ કે, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં કુદરતી સૌંદર્ય વચ્ચે પહાડ પર મહાકાળી માતાનું મંદિર આવેલું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો મા કાળીના દર્શનનો લાભ લેવા આવે છે, અને ધન્યતા અનુભવે છે. ત્યારે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા પાવાગઢના વિકાસ હેતુ કાર્યો કરવામાં આવી રહ્યા છે, તે અંતર્ગત હવે જે વડીલો ચાલી નથી શકતા, તેઓ માટે રોપ વે બાદ એક હાઈડ્રોલિક લીફ્ટ મુકવામાં આવશે, જેથી તેઓ છેક મંદિર પરિસર સુધી પહોંચી શકે અને માતાજીના દર્શન કરી શકશે. આ સિવાય મોટી સંખ્યામાં આવતા ભક્તો માટે ભોજનાલય બનાવવાની પણ કામગીરી ચાલી રહી છે.
પાવાગઢમાં હવે શું નવું થશે?
ફેઝ-1 - પાવાગઢ વિકાસ
પાવાગઢના વિકાસ માટે 2017માં 121 કરોડ રૂપિયાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી તે અંતર્ગત પાવાગઢનો સર્વાંગી વિકાસ બે તબક્કામાં કરવામાં આવી રહ્યો છે. જેમાં ફેઝ- 1માં પાવગઢમાં વાયડનીંગ ઓફ પાથ-વે, ટોયલેટ બ્લોક, પોલીસ બુથ, વોટર હટ, સીટીંગ પેવેલીયન, ચોક, ઓટલા, ફુડ કોર્ટ, વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ, સાયનેજીસ વગેરે વિકાસ કામમાં કરવામાં આવ્યા છે. વાયડનીંગ ઓફ પાથ- વેની કુલ લંબાઇ 3.01 કિ.મી કરવામાં આવી છે. જેને કુલ 25 સ્ટ્રેચમાં વહેચવામાં આવી છે. જેમાં કુલ- 2374 પગથિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ફેઝ-2 - પાવાગઢ વિકાસ
ફેઝ- 2માં મંદિરના પરિસરના વિસ્તૃતિકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં હયાત મંદિર પરિસર 545 ચો.મી.નું હતું. જે વિસ્તૃતિકરણ બાદ મંદિર પરિસરનો એરિયા ત્રણ લેવલમાં વિસ્તારવામાં આવ્યો છે. જેમાં લેવલ – 1 માં 400 ચો.મી., લેવલ- ૨ ૧૩૯૫ ચો.મી., અને લેવલ- ૩માં ૧૧૮૫ ચો.મી. મળી કુલ- ૨૯૮૦ ચો.મી.નું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે. તેમજ પાથ- વે વીજળીકરણ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તથા સી.સી.ટી.વી.ની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Pavagadh-1.jpg)
ફેઝ-3
તમને જણાવી દઈએ કે, પાવાગઢ રમણીય યાત્રાઘામ તળેટી, માંચી અને પહાડ પર શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ફેઝ- ૩માં પાવગઢ યાત્રાઘામમાં તળેટીના વિસ્તાર માંચી ચોક ખાતે ભક્તોને પુરતી પાયાની સુવિઘા ઉપલબ્ઘ કરાવવાનું આયોજન છે. ભક્તોને માંચ ચોક ખાતે ખાણીપીણીના સ્ટોલ, ઇન્ફોર્મેશન સેન્ટર, હેલ્થ, પોલીસ, વોટર સપ્લાય, વીજળી અને એડમીન બ્લોક બનાવવા માટે સરકારે વર્ષ- વર્ષ 2022-23ના વર્ષમાં રૂપિયા 1 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
ફેઝ-3, A
આ સિવાય પાવાગઢ યાત્રાઘામ ખાતે આવનારા યાત્રાળુઓની સુવિઘા માટે ફેઝ- ૩ ’એ’ માં માંચી ચોક ખાતે ઓફિસ બ્લોકનું બાંઘકામ, ચાચર ચોકનું સ્ટોન ફલોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, શૌચાલય, પ્રવેશ દ્વાર, સાઇનેજીસ, ફાયર- ફાઇટીંગ, વોટર સપ્લાય, ડ્રેઇનેજીસ અને ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી અંદાજે રૂપિયા 13 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.
ફેઝ-3, B
યાત્રાઘામ પાવગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોવાની વાતને ઘ્યાનમાં રાખીને સરકાર દ્વારા ફેઝ- ૩ બી માં ચાંપાનેર ખાતે 2 - પાર્કિંગ, ચાંપાનેરના અંદર અને બહારના રસ્તાની કામગીરી, ફોર્ટનું લાઇટીંગ- ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી રૂપિયા 40 કરોડથી વઘુના ખર્ચે કરવામાં આવનાર છે. જેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.
વડીલો માટે લીફ્ટ અને ભક્તો માટે ભોજનાલય બનશે
વડીલો સહિત ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા રોપ- વે એક્સ્ટેશનની કામગીરી હેઠળ મંદિર પરિસર સુઘી પહોંચી શકાય તે માટે હાઇડ્રોલિક લીફટની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ 5 હજાર કરતા વઘુ ભક્તો જમી શકે તે માટે ભોજનાલય પણ બનાવવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, પાવગઢ ખાતે આવેલા 51 શક્તિપીઠ પૈકીનું શ્રી મહાકાળી માતાજી મંદિરના સર્વાંગી વિકાસ અને ભક્તોની સુવિઘા માટે ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાઘામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર પાવગઢના વિકાસ માટે વર્ષ- 2017માં રૂપિયા 121 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના હસ્તે તા. 18મી જૂન, 2022ના રોજ રુપિયા 121 કરોડના કામોનું લોકાર્પણ અને મંદિરની ઘ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us