પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી 22 ફેબ્રુઆરી 2024 ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે વાળીનાથ મહાદેવ મંદિર ખાતે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી શકે છે, સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં જનસભાને સંબોધન કરી શકે છે.
પીએમ મોદી લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, વિસનગરના તરભ ગામે વાળીનાથ મહાદેવ મંદિર ખાતે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી યોજાવાનો છે. જેમાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપી શકે છે.
મંદિરના મહંત જયરામગીરી બાપુએ મીડિયાને જણાવ્યું હતું કે, વિસનગર તાલુકાના તરભ ગામમાં 900 વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુગાદી વાળીનાથ મંદિર હવે બનીને તૈયાર થઈ ચૂક્યું છે. વર્ષ 2011માં બળદેવગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. 22 ફેબેરુઆરીએ સ્વર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે, આ પહેલા 16 તારીખે પોથી યાત્રા યોજવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો હાજર રહ્યા હતા. 22 તારીખે પીએમ મોદી આવશે ત્યારે, 5 લાખ જેટલા ભક્તો ઉમટશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.
તરભ, વાળીનાથ મહાદેવ મંદિર કાર્યક્રમ
મહંતે વધુમાં જણાવ્યું હતું કે, 16 ફેબ્રુઆરીને પાવનકારી દિવસ, 17 ફેબ્રુઆરીને પુણ્યકારી દિવસ, 18 ફેબ્રુઆરીને શુભકારી દિવસ, 19 ફેબ્રુઆરીને મંગલકારી દિવસ, 20 ફેબ્રુઆરીને પુનિતકારી દિવસ, 21 ફેબ્રુઆરીને હિતકારી દિવસ અને 22 ફેબ્રુઆરીને કલ્યાણકારી દિવસ તરીકે મનાવવામાં આવશે, જેમાં વિવિધ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પીએમ મોદી ગુજરાત કાર્યક્રમ
સૂત્રો અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસની શરૂઆત બનાસકાંઠાના લાખણી તાલુકાથી કરી શકે છે. અહીં તેઓ એરફોર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ દેશના સૌથી મોટા 4 કિમી લાંબા રનવે પર ઉતરાણ કરી શકે છે, કાર્યક્રમમાં હાજરી આપી ત્યાંથી તેઓ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિરના સ્વર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે, ત્યારબાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક લાખ જેટલા રાજ્યના દૂધ ઉત્પાદકો, ખેડૂતો અને પશુપાલકોને સંબોધી શકે છે.
આ પણ વાંચો – રાજસ્થાન અકસ્માત : સ્કોર્પિઓ ટ્રક પાછળ ઘુસી જતાં કચ્છના ડોક્ટર કપલ, એક બાળકી સહિત પાંચના મોત
પીએમ મોદી 23 તારીખે વારાણસીમાં બનાસ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પાછા જઈ શકે છે.
પ્રધાનમંત્રી 24 અને 25 ફેબ્રુઆરીએ ફરી ગુજરાત પ્રવાસે આવશે, અને આણંદમાં જીસીએમએમએફ અમૂલના ગોલ્ડન જ્યુબલી કાર્યક્રમમાં હાજરી આપશે, આ સિવાય નવસારી, તાપીમાં પણ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદ્ધાટન, લોકાર્પણ કરી શકે છે. સાથે જામનગર, દ્વારકા અને રાજકોટમાં પણ વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપી જનસભા સંબોધશે.