વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. જે અંતર્ગત તેમણે ગુજરાતના કેવડિયામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’માં ભાગ લઇ એકતા અને અંખડિતતાની પ્રેરણા આપનાર સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. આજે દેશમાં ‘લોખંડી પુરૂષ’ તરીકે ખ્યાતિ ધરાવનાર એવા સરદાર વલ્લભભાઇ પટેલેની 147મી જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે.
પીએમ મોદી ત્રિદવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે મોરબીમાં ગઇકાલે ઘટેલી મોટી દુર્ઘટનાએ મોરબીવાસીઓ સહિત સમગ્ર ગુજરાતને ફરી એકવાર મચ્છૂ ડેમ હોનારતની યાદ અપાવી દીધી છે. આ પુલના અચાનક તૂટી જવાના કારણે ટપોટપ લોકો નદીમાં પડ્યાં હતા. આ પુલ પર ઘટના ઘટી તે સમયે 400થી વધુ લોકો હતા.જેમાંથી 133 લોકોના મોત નીપજ્યાં છે. તો 170 લોકોના જીવ બચાવવામાં રેસ્ક્યુ ટીમ સફળ રહી છે. ત્યારે આવતીકાલે મંગળવારે વડાપ્રધાન મોદી મોરબી ખાતે પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા પીડિતોની મુલાકાત લેશે. આ સાથે તેઓ ઘટના સ્થળની મુલાકાત લઇ પરિસ્થતિનો તાગ મેળવશે.
મહત્વનું છે કે, રવિવાર હતો એટલે મોટી સંખ્યામાં લોકો ઝૂલતા પૂલની મજા માણવા માટે પહોંચ્યા હતાં.
કેવડિયામાં જનસભા સંબોઘતા સમયે પીએમ મોદી ભાવુક થઇ ગયા હતા. પીએમ મોદીએ ભાવુક થઇ મોરબી ઝુલતો પુલ હોનારતને લઇ સંવેદના વ્યક્ત કરી હતી. જે અંતર્ગત તેમણે કહ્યું હતુ કે, ‘હું ભલે એકતા નગરમાં હોય, પણ મારું મન મોરબીના પીડિતોમાં છે’. ‘હું આ ઘટનામાં મૃતકોના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું અને કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને સંભવિત તમામ પ્રકારની મદદ કરી રહી છે. પીએમ મોદીએ તેના ભાષણમાં વધુમાં કહ્યું હતું કે, ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર થઇ રહી છે. આ સાથે સમગ્ર મામલાની તપાસ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે’.
આ પણ વાંચો: મોરબી કરૂણાંતિકા: પત્ની સાથે ત્રણે બાળક ડૂબી ગયા, પરિવાર વિખેરાયો, એક સાથે ચારેયની અર્થી ઉઠતાં ગામ હિબકે ચઢ્યું
આ ઉપરાંત પીએમ મોદીએ દેશને વિભાજન કરનારાઓ પર નિશાન સાધી કહ્યું હતું કે, ‘દેશને વિભાજીત કરનારી શક્તિઓને જવાબ આપવો પડશે’. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, ‘ભૂતકાળની જેમ ભારતની ઉત્પતિથી પરેશાન થનારી તાકાત આજે પણ આપણી વચ્ચે છે’. આ સંજોગોમાં એ તાકાત જાતિવાદના નામે લોકોને એક બીજા સામે લડવા માટે ઉશ્કેરવાની અલગ અલગ તરકીબ અને કથાઓ બનાવે છે’. ‘ઇતિહાસને પણ આજ પ્રકારે રજૂ કરવામાં આવી છે, જેથી દેશ એકસાથે આવવાની જગ્યાએ દૂર થઇ જાય છે’.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ રવિવારે ગુજરાતના એકતા નગરમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મેઝ ગાર્ડન સહિત ત્રણ આકર્ષણોને સમર્પિત કર્યા હતા. વડાપ્રધાને મિયાવાકી ફોરેસ્ટ અને હાઉસબોટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.