PM Modi Mother Hiraben Health: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમભાઈ મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેમની માતા હીરાબેનની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે અને તેમણે સવારે પ્રવાહી ખોરાક લીધો હતો. 99 વર્ષીય હીરાબેનને સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે બુધવારે સવારે અમદાવાદની સુપર સ્પેશિયાલિટી યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીની માતાની હાલતમાં સુધારો
સોમભાઈ મોદીએ કહ્યું, “તેમની તબિયત ધીમે ધીમે સુધરી રહી છે. આજે તે ઘણો સારા છે, તેમણે જાતે તેમના હાથ અને પગ ખસેડ્યા છે. માતા હીરાબાએ અમને બેસવા માટે ઈશારો કર્યો અને હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ પ્રવાહી ખોરાક પણ લીધો. તેમનું સીટી સ્કેન અને એમઆરઆઈ કરાવ્યા બાદ ડૉક્ટર આજે ડિસ્ચાર્જ અંગે નિર્ણય લેશે.”
એક-બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. હીરાબેનની તબિયત અંગે લેટેસ્ટ અપડેટ આપતા ગુજરાત સરકારે કહ્યું કે, પીએમ મોદીના માતા હવે સ્વસ્થ થઈ રહ્યા છે. તેમને એક-બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, હીરાબેન અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમને ખાસ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, હીરાબેનની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે. તેમને ખાવા માટે પ્રવાહી ખોરાક આપવામાં આવી રહ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદી હોસ્પિટલ પહોંચ્યા હતા
હીરાબેનને હાઈ બ્લડપ્રેશરના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફની સાથે તેમને નબળાઈની પણ ફરિયાદ હતી. ડોક્ટરોની ટીમ ચોવીસ કલાક તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. ડોક્ટરોને પ્રાથમિક તપાસમાં હીરાબેનમાં ઉંમર સંબંધિત સમસ્યા જણાઈ હતી. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું છે કે, હીરાબેનના તમામ રિપોર્ટ નોર્મલ છે.
આ પણ વાંચો – Hiraba Health Update : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત હવે કેવી? લેટેસ્ટ હેલ્થ અપડેટ
આ પહેલા બુધવારે હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું હતું કે, વડાપ્રધાનની માતાની હાલત સ્થિર છે. તો, પીએમ મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ હોસ્પિટલમાં તેમની માતાને મળવા પહોંચ્યા હતા. તે એક કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.