PM Modi Brother And Family Members Injured: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકમાં અકસ્માત થયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રહલાદ મોદી, પુત્ર, પુત્રવધુ અને પૌત્ર સાથે મર્સિડિઝ બેન્ઝ કારમાં બાંદીપુરા જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાડી ડિવાઇડર સાથે ટકરાઇ હતી.
આ અકસ્માત કર્ણાટકના મૈસુરથી 13 કિલોમીટર દૂર કડાકોલા પાસે થયો છે. પ્રહલાદ મોદીના પૌત્રના પગમાં ફ્રેક્ચર થયું છે. તેના સિવાય બધા લોકોને નજીવી ઇજા પહોંચી છે. તેમને મૈસુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઇની હાલત ગંભીર નથી.

ટ્વિટર પર વાયરલ થઇ રહેલા વિઝ્યુલમાં જોવા મળે છે કે કારના આગળના ભાગમાં ઘણું નુકસાન થયું છે. દુર્ઘટનાગ્રસ્ત વાહનને બુલડોઝરથી હટાવવામાં આવ્યું છે. ઘટનાની સૂચના મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારી સ્થળ પર પહોંચી ગયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના મતે પોલીસે જણાવ્યું કે બધાને નજીવી ઇજા પહોંચી છે. આ દુર્ઘટના કડાકોલા પાસે લગભગ અઢી વાગ્યાની આસપાસ બની છે.
પ્રહલાદ મોદી રાજનીતિથી દૂર છે. તે ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ અને કેરોસિન લાઇસન્સહોલ્ડર એસોસિયેશનના અધ્યક્ષ છે. તે ઘણી વખત સરકારની નીતિઓ સામે ધરણા-પ્રદર્શનમાં સામેલ થયા છે. આ વર્ષે ઓગસ્ટમાં તે દિલ્ગીના જંતર-મંતરમાં એક ધરણામાં સામેલ થયા હતા.