‘અમે જે યુરિયા રૂ. 300 માં આપીએ છીએ તે અમેરિકામાં રૂ. 3000માં મળે છે’, જાણો કિંમતનું ગણિત

પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતો મામલે સંબોધતા કહ્યું કે, ભારત સરકાર ખેડૂતોને યુરિયા ખાતર સસ્તી કિંમતે આપે છે, જે થેલી ભારતના ખેડૂતોને 300 રૂપિયામાં મળે છે, તે થેલી અમેરિકાના ખેડૂતો 3000 રૂપિયામાં ખરીદે છે.

Written by Kiran Mehta
April 19, 2024 18:22 IST
‘અમે જે યુરિયા રૂ. 300 માં આપીએ છીએ તે અમેરિકામાં રૂ. 3000માં મળે છે’, જાણો કિંમતનું ગણિત
પીએમ નરેન્દ્ર મોદીએ યુરિયા ખાતર અને ખડૂતને લઈ કર્યો મોટો દાવો (ફાઈલ ફોટો - એક્સપ્રેસ)

લોકસભા ચૂંટણી 2024 માટે જોરશોરથી પ્રચાર કરી રહેલા ભાજપના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે, ભારતીય ખેડૂતોને અમેરિકન ખેડૂતો કરતા ઓછા ભાવે યુરિયા (ખાતર) મળે છે.

ઉત્તર પ્રદેશના અમરોહામાં એક ચૂંટણી રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “…ભાજપ સરકાર ખેડૂતોની સમસ્યાઓ ઘટાડવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. અમેરિકામાં યુરિયાની એક થેલી 3,000 રૂપિયામાં મળે છે, એટલું જ યુરિયા આપણા ભારતમાં ખેડૂતોને 300 રૂપિયાથી ઓછા ભાવે આપવામાં આવે છે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે મોદીએ યુરિયાના ભાવની તુલના અન્ય દેશો સાથે કરી હોય. 27 જુલાઈ, 2023 ના રોજ રાજસ્થાનના સીકરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરતી વખતે પીએમએ કહ્યું હતું કે, ભારતમાં યુરિયા પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન અને અમેરિકા કરતાં પણ ઓછી કિંમતે ઉપલબ્ધ છે.

તેમણે કહ્યું હતું કે, “યુરિયાની એક થેલી માટે જેના માટે તમે રૂ. 300 થી ઓછા ચૂકવો છો, અમેરિકન ખેડૂતોએ એ જ થેલી માટે રૂ. 3000થી વધુ ખર્ચ કરવા પડે છે.”

ભારતમાં યુરિયાનો ભાવ?

14 માર્ચ, 2023 ના રોજ, રાજ્યસભામાં કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાના પ્રશ્નના જવાબમાં, રસાયણ અને ખાતર મંત્રાલયે કહ્યું હતું કે, 45 કિલો યુરિયાની થેલીની કિંમત 242 રૂપિયા છે. નીમ કોટિંગ ખર્ચ અને કર આમાં સામેલ નથી. તમને જણાવી દઈએ કે, પહેલા એક થેલીમાં 50 કિલો યુરિયા હતું. મોદી સરકારે બોરીના કદમાં પાંચ કિલોનો ઘટાડો કર્યો.

મોદી સરકારે યુરિયાના ભાવ (MRP) માં વધારો કર્યો નથી. 10 વર્ષના કાર્યકાળ દરમિયાન યુરિયાની MRP માત્ર 5,360 રૂપિયા પ્રતિ ટન રહી છે. આ સરકારમાં મે 2015 માં યુરિયાના સંદર્ભમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો, જ્યારે સરકારે યુરિયાના નીમ કોટિંગને ફરજિયાત બનાવ્યું હતું. પછી નિર્ણય લેવામાં આવ્યો કે, લીમડાના તેલ સાથે યુરિયા કોટિંગની કિંમતના પાંચ ટકા, એટલે કે પ્રતિ ટન રૂ. 268, ખેડૂતો પાસેથી વસૂલવામાં આવશે.

સરકારે યુરિયાના ભાવ કેમ ન વધાર્યા?

વિડંબના એ છે કે, મોદી સરકારે યુરિયાના ભાવ એટલા માટે નથી વધાર્યા કારણ કે, સરકાર યુરિયાનો વપરાશ ઘટાડવા માંગે છે. 2024-25 સુધી યુરિયા એમઆરપી ન વધારવાના નિર્ણયની જાહેરાત પીએમ-પ્રણામ યોજના સાથે કરવામાં આવી હતી, જેનો હેતુ વૈકલ્પિક ખાતરો અને છોડના પોષણને પ્રોત્સાહન આપવાનો છે. પરંતુ સત્ય એ છે કે ભારતમાં યુરિયાનું વેચાણ 2021-22 માં 30.6 મિલિયન ટનની સરખામણીએ 2022-23 દરમિયાન રેકોર્ડ 35.7 મિલિયન ટન (MT)ને વટાવી ગયું હતું.

ફરજિયાત નીમ કોટિંગ, બેગનું કદ 50 કિલોથી ઘટાડીને 45 કિલો અને કહેવાતા નેનો યુરિયાના લોન્ચ જેવી મોદી સરકારની પહેલો 46 ટકા નાઇટ્રોજન (એન) ધરાવતા આ ખાતરના વપરાશને ઘટાડવામાં મદદ કરી નથી.

યુરિયાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?

હાલમાં દેશમાં આશરે 283.74 લાખ મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા સાથે 36 ગેસ આધારિત યુરિયા ઉત્પાદન એકમો છે. પરંતુ આ ભારતીય ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા નથી. ભારત મોટી માત્રામાં યુરિયાની આયાત કરે છે.

28 મે, 2022 ના રોજ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક સહકારી સેમિનારને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે, 50 કિલોની આયાતી યુરિયાની થેલીની કિંમત 3500 રૂપિયા છે, પરંતુ તે ખેડૂતોને 300 રૂપિયામાં આપવામાં આવે છે. મતલબ કે, એનડીએ સરકાર પ્રતિ બેગ 3200 રૂપિયા ખર્ચે છે.

જો કે, સરકાર વર્ષ 2025 સુધીમાં યુરિયાની આયાત સંપૂર્ણપણે બંધ કરવાની યોજના ધરાવે છે. તાજેતરમાં, સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતી વખતે, રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ભારત 2025 ના અંત સુધીમાં યુરિયાની આયાત બંધ કરશે કારણ કે, સ્થાનિક ઉત્પાદન પર મોટા પાયે ભાર આપવાથી પુરવઠા અને માંગ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ મળી છે અને મળશે.

મંત્રીએ કહ્યું હતું કે, સ્થાનિક માંગને પહોંચી વળવા ભારતને વાર્ષિક આશરે 350 લાખ ટન યુરિયાની જરૂર છે. 2014-15 માં સ્થાનિક ઉત્પાદન ક્ષમતા 225 લાખ ટન હતી, જે હવે વધીને લગભગ 310 લાખ ટન થઈ ગઈ છે. હાલમાં વાર્ષિક સ્થાનિક ઉત્પાદન અને માંગ વચ્ચેનો તફાવત લગભગ 40 લાખ ટન છે. સરકારે ચાર બંધ યુરિયા પ્લાન્ટને પુનઃજીવિત કર્યા છે અને બીજી ફેક્ટરીને પુનઃજીવિત કરી રહી છે. પાંચમો પ્લાન્ટ કાર્યરત થયા બાદ યુરિયાની વાર્ષિક સ્થાનિક ઉત્પાદન ક્ષમતા લગભગ 325 લાખ ટન સુધી પહોંચી જશે. તેમણે કહ્યું હતું કે, “અમારો એજન્ડા ખૂબ જ સ્પષ્ટ છે, 2025 સુધીમાં યુરિયાના આયાત બિલને શૂન્ય સુધી ઘટાડવું.”

અમેરિકામાં યુરિયાના ભાવ?

અમેરિકામાં યુરિયાના ભાવમાં ઘટાડો થયો છે. એપ્રિલ 2022 માં એક યુએસ ટન (907.185 કિગ્રા) યુરિયાની કિંમત યુએસ $629.05 (રૂ. 52,539.20) હતી, જે માર્ચ 2024માં ઘટીને $236.03 (રૂ. 19713.58) પ્રતિ યુએસ ટન પર આવી ગઈ છે.

અમેરિકામાં ખેડૂતોની કમાણી?

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, 2021 ની સરખામણીમાં 2022 માં ખેડૂત પરિવારોની અંદાજિત સરેરાશ કુલ આવકમાં વધારો થયો છે. જો કે, સરેરાશ ફાર્મ આવક અને સરેરાશ ઓફ-ફાર્મ આવક બંનેમાં ઘટાડો થયો છે. 2022 માં ખેતીમાંથી ઘરેલુ સરેરાશ આવક $849 હતી.

2022 માં સરેરાશ ઓફ-ફાર્મ આવક $81,108 હતી, જ્યારે સરેરાશ કુલ ઘરેલુ આવક $95,418 હતી. નોંધ કરો કે, સરેરાશ કુલ આવક સામાન્ય રીતે સરેરાશ ઓફ-ફાર્મ અને સરેરાશ ખેતીની આવકના સરવાળા જેટલી નહીં હોય.

આ પણ વાંચો – હવે કરિયાણાની દુકાનો પર પણ મળશે તાવ શરદી ની દવાઓ, કેન્દ્ર સરકાર લેવા જઈ રહી મોટો નિર્ણય

ભારતીય ખેડૂતોની આવક બમણી થઈ નથી

પીએમ મોદીએ વચન આપ્યું હતું કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે. પરંતુ ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે, ખેડૂતોની આવક બમણી કરવા માટે જરૂરી આવક વૃદ્ધિ હાંસલ કરવામાં આવી નથી. તેનાથી વિપરિત પાક ઉત્પાદનની આવકમાં વાર્ષિક ધોરણે 1.5 ટકાનો ઘટાડો થયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ