ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - વિધાનસભાથી લઇને લોકસભા સુધી મહિલાઓને પ્રતિનિધિત્વ મળે એ મોદીની ગેરન્ટી છે

PM Narendra Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે, સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતાં મહિલાઓ દ્વારા PM મોદીનું અભિવાદન કરવામાં આવ્યું

PM Narendra Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે, સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતાં મહિલાઓ દ્વારા PM મોદીનું અભિવાદન કરવામાં આવ્યું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi Gujarat | PM Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા (તસવીર - બીજેપી ગુજરાત ટ્વિટર )

PM Narendra Modi Gujarat Visit Program : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતાં મહિલાઓ દ્વારા PM મોદીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે માતા બહેનોના આશીર્વાદ મળે તેનાથી મોટી સૌભાગ્ય શું હોય. આજે મને તમારા બધાના મોઢા પર ખુશી જોવા મળી રહી છે. આ ખુશી સ્વાભાવિક છે તમે જે વિશ્વાસ સાથે તમે તમારા દીકરાને, તમારા ભાઇને દિલ્હી મોકલ્યો તે વિશ્વાસને વધારનાર એક અન્ય કામ તમારા ભાઈએ દિલ્હીમાં કર્યું છે. નારી શક્તિ વંદન અધિનિયમ એટલે કે વિધાનસભાથી લઇને લોકસભા સુધી મહિલાઓને પ્રતિનિધિત્વ મળે એ મોદીની ગેરન્ટી છે.

Advertisment

પીએમ મોદીએ કહ્યું કે આ સપનું વર્ષો પહેલા ગુજરાતની ધરતી પરથી આપણે મળીને જોયું હતું. આજે આ સંકલ્પની સિદ્ધિ સાથે હું તમારી વચ્ચે આવ્યો છું. હું ગુજરાતની મારી બહેનોને કહેવા માંગીશ કે હંમેશાની જેમ આ વખતે પણ તમે રક્ષાબંધનના દિવસે ઘણી બધી રાખડીઓ મોકલી હતી. આપણા ત્યાં રાખડીના બદલામાં ભેટ આપવાનો રિવાજ છે. મેં પહેલેથી ગિફ્ટ તૈયારી કરી દીધી હતી, પરંતુ પહેલા તો કહેવાય નહીં. આજે હું કહી શકું છું કે નારી શક્તિ અધિનિયમ આખા દેશની મારી માતા-બહેનો માટે એક મોટી ભેટ છે.

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતમાં અમે મહિલાઓ માટે અનેક અભિયાન ચલાવ્યાં. સામાજિક સ્થળ પર બહેન-દીકરીઓ માટે કન્યા કેળવણી અભિયાન ચલાવ્યું. મેયર, ડે મેયર, સ્ટેન્ડિંગ અને પક્ષના નેતા તમામમાંથી એક સ્થાન મહિલાને આપ્યું, દલિત અને આદિવાસી સમાજને પણ અમે પદ આપ્યું છે. ડેરીક્ષેત્રમાં 35 લાખથી વધુ મહિલાઓ છે. આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતમાં 2.5 લાખથી વધુ સખી મંડળ કાર્યરત છે.

Advertisment

પીએમ મોદી બુધવારે વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણીમાં પણ ભાગ લેશે

પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા.27 મી સપ્ટેમ્બર, 2023 ના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, અને ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે.

આ પણ વાંચો - રામ મંદિર પર મોટું અપડેટ, ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ ક્યારે થશે પુરું જાણો, જાન્યુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠા

તમને જણાવી દઈએ કે, 20 વર્ષ પહેલા, તા.28 મી સપ્ટેમ્બર 2003 ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં પણ સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે. આટલા વર્ષોથી વિશ્વભરના રાજ્યોના વડાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, થોટ લીડર્સ, શિક્ષણવિદો અને પ્રતિનિધિઓની હાજરી આ સમિટમાં જોવા મળી છે.

પીએમ મોદી છોટા ઉદેપુર વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

પીએમ મોદી આવતીકાલે છોટાઉદેપુર જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ. 4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે, સાથે રાજ્યના વિદ્યાર્થીઓ માટે રૂ. 1426 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવીન વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબ્સ અને અન્ય સુવિધાઓ, તથા ગુજરાતના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ પણ કરવામાં આવશે.

વિગતે વાત કરીએ તો, આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે રૂ. 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત rs. 4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ. 4505 કરોડના વિકાસકાર્યો

વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ યોજના અંતર્ગત રૂ. 1426 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ. 3079 કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.

7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ

આ સિવાય વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે રૂ. 60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત, રૂ. 277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, રૂ. 251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ રૂ. 80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે રૂ. 23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ રૂ. 10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

મહિલા અનામત બિલ ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત નરેન્દ્ર મોદી ભાજપ PM Narendra Modi