PM Narendra Modi Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ 2022 માટે વિજય સંકલ્પ સંમેલન થકી ગુજરાતમાં ફરી એકવાર ભાજપ સરકાર બનાવવા મતદારોને રીઝવી રહ્યા છે. આજે પીએમ નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે પહોંચી ગયા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જંગનો પ્રચાર ચરમસીમાએ છે. રાજ્યમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાન માટે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે છે અને જંગી સભાઓ સંબોધી રહ્યા છે. વિજય સંકલ્પ સંમેલન થકી પીએમ મોદી મતદારોને વધુ મતદાન અને ફરી એકવાર ભાજપા સરકાર બનવા માટે રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતના મહેસાણામાં સંબોધન શરૂ કરતા કહ્યું કે, હું મારા જિલ્લામાં આવ્યો છું, આ માટીએ મને મોટો કર્યો છે, અહીંના પાણીએ મારૂ ઘડતર કર્યું છે. મહેસાણા જિલ્લો રાજકીય રીતે એકદમ જાગૃત, તેઓ ભવિષ્ય નક્કી કરે. આજે ગુજરાતીઓ ગૌરવ કરે એમ આખો દેશ ફલી ફૂલી રહ્યો છે.
તેમણે કહ્યું કે, એમ લાગે છે કે આ ચૂંટણી ન નરેન્દ્ર લડે છે કે ન ભૂપેન્દ્ર. આ વખતે ગુજરાતની ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. જવાનિયાઓએ વિજય ધ્વજ હાથમાં લીધો છે. માતાઓ બહેનો મેદાનમાં ઉતરી છે. એક જ નારો ફિર એકબાર. આ જોમ અને જુસ્સો ખૂણે ખૂણે છે. જ્યાં જાઉ છું ત્યાં યુવાનો હવે જે રીતે જાહેર જીવનમાં રસ લેતા થયા છે. રાજકીય પ્રવૃત્તિઓને સમજી સત્યના પારખા કરી રહ્યા છે એમણે દેશના ભવિષ્ય માટે આશા પેદા કરી છે. દેશની યુવા પેઢી આજે ભાજપ તરફ જે વળી છે એ આંખે પાટા બાંધીને ચાલતી નથી. એક એક પગલાંનું મૂલ્યાંકન કરે છે અને પછી નિર્ણય કરે છે કે કયા રસ્તા જઉ છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસનું મોડલ એટલે અરબો ખરબોનં ભ્રષ્ટારાચર, વંશવાદ, પરિવાર વાદ, જાતિવાદ, સંપ્રદાયવાદ, આજ કોંગ્રેસની ઓળખ છે. કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા માટે ભાગલા પાડો, ગામડાઓને શહેરો જોડે, જાતિ વચ્ચે ભેદ પાડ્યા, બીજી કરામત કેવી કે લોકોને પછાત જ રાખવાના , કાયમ હાથ જ લાંબા કરાવવાના . કોંગ્રેસના આ મોડેલ ગુજરાતને તો બરબાદ કર્યું અને દેશને બરબાદ કર્યો.
તેમણે કહ્યું કે, આ દેશને એટલો બરબાદ કર્યો કે, તેને બનાવવાની મથામણ હું કરી રહ્યો છુ. ભારતીય જનતા પાર્ટી માટે વ્યક્તિ કરતાં દલ મહાન છે. સૌનો સાથ અને સૌનો વિકાસ. એટલે કે આ દેશના યુવાનને ભરોસો પડે છે. આજ નહીં તો કાલ મને અવસર મળવાનો છે મને જે કંઇ કામ મળશે એમાં સારૂ કરી શકીશ. આ 20 વર્ષમાં ગુજરાતની નવી પેઢી બદલાઇ ગઇ. એમને તો કદાચ ખબર જ નથી કે કેવા દુષ્કાળના દિવસો હતો. એ જીંદગી આજના જુવાનિયાઓને ખબર નથી. આ એવી પેઢી છે કે જેને આજે ગુજરાતનો વધતો જતો પ્રભાવ દેખાઇ રહ્યો છે. આ બધુ એમ જ નથી થયું, કાળી મહેનત કરી છે.
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં વજળી ક્ષેત્રે સિદ્ધી પ્રાપ્ત કરવાને યાદ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા, પહેલાના સમયમાં વીજળી ન હતી, ભાજપ સરકારે સોલરથી વીજળી, કોલસાથી વીજળી વધુમાં વધુ પેદા કરી, દરેકને 24 કલાક વીજળી મળે તે માટે પ્રયત્ન કર્યો અને ખેતરથી લઈ ઘરમાં અને કંપનીઓમાં વીજળી લોકોને મળે છે.
પીએમ મોદીએ પીવાના પાણી વિશે વાત કરતા કહ્યું કે, 25 વર્ષ પહેલા લોકોને પીવાના પાણીના પણ ફાફાં હતા. લોકોને માથે બેડા મુકીને લાવવું પડતું હતું. મહેસાણા જિલ્લાના અનેક સ્થળે ખારા પાણી લોકોએ પીવા પડતા હતા. લોકોના દાંત પીળા થઈ જત હતા. ભાજપ સરકારે સુજલામ સુફલામ યોજના, નર્મદા યોજના લાવી દરેકને પીવાનું મીઠુ પાણી મળી રહે તે માટે પ્રયત્નો કર્યા.
તેમણે કહ્યું કે, ભાજપ સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે મોટુ કામ કર્યું. પહેલા લોકો દીકરીને ગર્ભમાં જ મારી નાખતા હતા. અમે અભિયાન ચલાવ્યું અને આજે પુરૂષોની સાથે મહિલાઓની સંખ્યા સમતલ થવા લાગી છે. તો પશુ પાલકોના વિકાસ માટે ભાજપ સરકારે મોટું કામ કર્યું છે. હજારોની સંખ્યામાં ઉત્તર ગુજરાતમાં મહિલાઓ પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ પગભર બની છે, સાથે તેમને સીધા ખાતામાં પૈસા મળે તે માટે પ્રયત્ન કર્યા.
પીએમ મોદીએ મહેસાણા જિલ્લાના વિકાસના કામો કેવા થયા તે યાદ કર્યા. તેમણે કહ્યું, મહેસાણા જિલ્લામાં ઓટો હબ, રોડ રસ્તા, રેલવે લાઈનનું જોડાણ, પાણી, વિજળી ક્ષેત્રે વિકાસ કરી લોકો માટે રોજગારી ઉભી કરી. લોકોનું ઘડતર સારી રીતે થાય તે માટે શિક્ષણ વ્યવસ્થાનો પણ વિકાસ કર્યો. પહેલા લોકોને કોલેજ કરવી હોય તો દુર જવું પડતું, વાહન વ્યવહાર, રોડ-રસ્તાની વ્યવસ્થા ન હોવાથી લોકોને ભણતર અધુરૂ છોડવું પડતું હતું, તે હવે તેમના નજીકના વિસ્તારમાં મળી રહે છે, અને કોઈ બાળક ભણતર વગરનું ન રહી જાય તેની અમે ચિંતા કરી.
અંતમાં પીએમ મોદીએ કહ્યું કે, હું તમારો દીકરો છુ, તમારો દીકરો દેશ-વિદેશમાં તામારૂ નામ રોશન કરે તે માટે તમારા આશિર્વાદની જરૂર છે. તમે ભાજપને વોટ આપી જીતાડવાના તો છો એ તમે નક્કી કરી દીધુ છે, પરંતુ મોટી સંખ્યામાં વોટ મળે અને એક નવો રેકોર્ડ સર્જાય તેવી મરી ઈચ્છા છે, તમારા જિલ્લાનો દીકરો તમારી પાસે આટલું તો માંગી જ શકે છે. આ સિવાય મારી એક અંગત ઈચ્છા છે કે તમે બધા મતદાન થવાને હજુ 10 દિવસની વાર છે તો દરેક ઘરે જઈ વડીલોને કહેજો તમારો નરેન્દ્ર મોદી અહીં આવ્યો હતો અને તમારો આશિર્વાદ માંગ્યો છે, બસ તેમનો આશિર્વાદ મળશે એટલે મને વધુ તાકાત મળશે અને વધારે તાકાત સાથે કામ કરી શકીશ.
પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા એરોડ્રામ ખાતે, મધ્ય ગુજરાતમાં દાહોદમાં ખરોડ ગામે 2.30 કલાકે, વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ, રાજમહેલ રોડ પર સાંજે 4.30 કલાકે તો સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ચિત્રા માર્કેટ યાર્ડ સામે સાંજે 6.30 કલાકે ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં જનસભા સંબોધશે, અને મતદારોને ભાજપ પક્ષમાં મત આપવા અપીલ કરશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ, કોંગ્રેસ, આપના કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં પ્રાવસ વધી ગયા છે. તમામ પક્ષો પ્રચાર માટે પૂરી તાકાતથી સભાઓ ગજવી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી મતદાન અને પરિણામ
તમને જણાવી દઈએ કે, પ્રથ અને બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારીપત્રે ભરી દીધા છે. આ ચૂંટણીમાં કુલ 1621 ઉમેદવારો પોતાનું નશીબ અજમાવી રહ્યા છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન યોજાશે, તો 5 ડિસેમ્બરે બીજા તબક્કાની 93 બેઠકો માટે મતદાન યોજાશે. તો 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.





