પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે 7 મેના રોજ મતદાન થાય તે પહેલા પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ગઈ કાલે તેમણે ડીસા અને હિંમતનગરમાં સભા સંબોધી હતી, અને કોંગ્રેસ પર અનામત, સંપત્તિ પુન: વિતરણ, કોંગ્રેસના રાજકીય કાર્યકાળમાં થયેલા કૌભાંડ, તે સમયની સ્થિતિ સહિતની વાત કરી ભાજપ સરકારે કરેલા કામની વાતો કરી મતદાતાઓને રિજવવાનો પ્રયાસ કર્યો હતો. આજે પીએમ મોદી પ્રચાર માટે આણંદ પહોંચ્યા છે. જ્યાં તેઓ વલ્લભ વિદ્યાનગર, શાસ્ત્રી ગ્રાઉન્ડમાં જનસભા સંબોધી હતી, ત્યારબાદ સુરેન્દ્રનગર સભા સંબોધી, અને જુનાગઢમાં પણ સભા સંબોધી હતી. અંતમાં જામનગરમાં સભા સંબોધી.
પીએમ નરેન્દ્ર મોદી જામનગર ભાષણ
પીએમ નરેન્દ્ર મોદીએ જામનગરમાં જામ સાહેબની કરી મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસ પ્રવાસે છે ત્યારે તેમણે જામનગર સભા સંબોધવા પહોંચતા પહેલા જામનગરના જામ સાહેબ શત્રુસલ્યસિંહજીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તમેણે શત્રુસલ્યસિંહજી સાથે અદ્ભૂત વાર્તાલાપ કર્યો. તેમણે આ પ્રસંગ વિશે ટ્વીટર પર કહ્યું કે, તેમને મળવું હંમેશા આનંદદાયક હોય છે. તેમની હૂંફ અને શાણપણ અનુકરણીય છે.
પીએમ નરેન્દ્ર મોદી જુનાગઢ
પીએમ મોદીએ જય જય ગિરનારી કહી તેમના ભાષણની શરૂઆત કરી હતી, તેમણે કહ્યું કે, મારું સૌભાગ્ય છે કે ગિરનારની ધરતી પર આવું અને આટલા બધા સંતોના દર્શન થાય, આપ સૌ સંતોને, વડીલોને મારા ખૂબ ખૂબ પ્રણામ.
તેમણે કહ્યું કે, આપ સૌ વડીલોએ મને આપેલી શિક્ષા, મને આપેલી દિક્ષા, મને આપેલા સંસ્કાર આજે હું એને સલામ કરું છું કે તમારા એ સંસ્કારને કારણે આજે દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, મહેનત કદાચ મારા નસીબમાં લખેલી છે, મહેનત કદાચ મારા સંસ્કારનો વારસો છે અને મહેનત કદાચ મારી જવાબદારીની પ્રેરણા છે અને એના કારણે ગયા 10 વર્ષમાં આપે મને મોકલ્યા પછી મેં ક્યારેય પાછું વળીને જોયું નથી. અને 2024માં બહુ મોટા સંકલ્પ સાથે દેશના ચરણોમાં મારો આવનારો સમય, ઈશ્વરે આપેલી ઉંમર પળ પળ દેશ માટે ખપાવી દેવી છે.
પીએમ નરેન્દ્ર મોદી જુનાગઢ ભાષણ
તેમણે કહ્યું કે, મારી માતા-બહેનોને પહેલા માથે બેડલાં લઈને 2-2 કિલોમીટર જવું પડતું હતું એ બધું બંધ કરાવી દીધું, મોદીએ બેડલાં ઉતરાવી દીધા. અહીંના યુવાનોને રોજગારીની નવી નવી તકો મળે તે માટે મારે દુનિયાના ટુરિસ્ટોને અહીંયા લાવવા છે.
પીએમ નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર
પીએમ મોદીએ ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, આ બધી માતાઓ-બહેનોએ ઉભા થઈને ઓવારણાં લીધા આપે મને આશીર્વાદ આપ્યા, હું સૌ માતા-બહેનોનો માથું નમાવીને આભાર માનું છું. જે રીતે ગુજરાત આખું ઓવારણાં લઈ રહ્યું છે, ગુજરાત જે રીતે પ્રેમ વરસાવી રહ્યું છે, ભાઈઓ-બહેનો હું ગુજરાતનું ઋણ ક્યારેય ન ભૂલી શકું.
તેમણે કહ્યું કે, આપણે નાનું વિચારતા જ નથી, નાનું કરતા જ નથી, સ્ટેચ્યુ બનાવ્યું તો દુનિયાનું મોટામાં મોટું, સ્ટેડિયમ બનાવ્યું તો દુનિયામાં મોટામાં મોટું એટલે કાચું કઈ કરવાનું જ નહિ.
મારૂં સપનું છે કે તમારૂં વીજળીનું બિલ ઝીરો હોય. બધુંય કાના માત્રા વગર મફત : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઈ ગયું છે. જેના હાથમાં એક સમયે બોમ્બ હતો, આજે તેના હાથમાં ભીખ માંગવાનો વાટકો છે.
પીએમ મોદીના કોંગ્રેસને ત્રણ પડકાર, 1 – કોંગ્રેસ લખી બાંહેધરી આપે, બાબા સાહેબ આંબેડકરના ભારતના બંધારણમાં કોઈ છેડછાડ નહીં કરે, 2 – ધર્મના આધાર પર દલિતો, આદીવાસીઓ પાસેથી આરક્ષણ છીનવી મુસ્લીમોને નહીં આપે, 3 – તેમના રાજ્યો અને તેમના સાથી રાજ્યો, ઓબીસીના આરક્ષણમાં ભાગ પાડી મુસ્લીમોને નહીં આપે
પીએમ નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર ભાષણ
પીએમ નરેન્દ્ર મોદી આણંદ
પીએમ મોદીએ કહ્યું કે, આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે. તેમણે કહ્યું કે, આપણે જ્યારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે ગુજરાતનો એક મંત્ર હતો કે, ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને હવે જયારે આપે મને દેશનું કામ સોપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે, 2047 માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિંદુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ. મેં દેશને ગેરંટી આપી છે 24×7 for 204.
તેમણે કહ્યું કે, મધ્ય ગુજરાતની જનતાને સંબોધતા કહ્યું કે, આખા દેશમાંથી આશીર્વાદ મળે પણ જ્યારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે ને ત્યારે ચાર ચાંદ લાગી જાય.
પીએમએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, દેશે 60 વર્ષથી કોંગ્રેસનું શાસન જોયું છે. હવે દેશે ભાજપનો 10 વર્ષનો સેવાકાળ પણ જોયો છે. તે શાસનકાળ હતો, આ સેવાનો સમયગાળો છે. કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં લગભગ 60% ગ્રામીણ વસ્તી પાસે શૌચાલય નહોતા. 10 વર્ષમાં ભાજપ સરકારે 100 ટકા શૌચાલય બનાવ્યા. 60 વર્ષમાં કોંગ્રેસ દેશના 3 કરોડ ગ્રામીણ ઘરોને એટલે કે 20% કરતા ઓછા ઘરોને જ નળના પાણીની સુવિધા પૂરી પાડી શકી હતી. માત્ર 10 વર્ષમાં નળથી પાણી પુરવઠો ધરાવતા ઘરોની સંખ્યા 14 કરોડ સુધી પહોંચી ગઈ છે, એટલે કે 75% ઘરોમાં નળથી પાણી પુરવઠો છે.
તેમણે કહ્યું કે, 2014 માં જ્યારે તમે તમારા પુત્રને દેશની સેવા કરવા માટે ગુજરાતથી દિલ્હી મોકલવાનો આદેશ આપ્યો હતો, તે સમયે દેશના વડાપ્રધાન ખૂબ જ વિદ્વાન અર્થશાસ્ત્રી હતા. જ્યારે તેઓ ગયા ત્યારે દેશ વિશ્વમાં 11 નંબરની અર્થવ્યવસ્થા હતી. 10 વર્ષમાં આ ગુજરાતી ચા વેચનાર દેશની અર્થવ્યવસ્થાને 5માં સ્થાને લઈ ગયો.
પીએમ નરેન્દ્ર મોદીનું આણંદથી ભાષણ
તેમણે સરદાર પટેલને યાદ કરતા કહ્યું કે, કોંગ્રેસના કારણે દાયકાઓ સુધી દેશના બંધારણ સાથે વિવિધ પ્રકારની છેડછાડ થતી રહી. સરદાર સાહેબ બહુ વહેલા ચાલ્યા ગયા, તેમના કારણે દેશને ઘણું નુકસાન થયું છે. મારા મનમાં છે કે મારે પણ સરદાર સાહેબના સપના પૂરા કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
370 ની કલમ નાબૂદ કરવાને યાદ કરી કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, મોદી આવ્યા પહેલા આ દેશમાં 2 બંધારણ અને 2 ધ્વજ હતા. રાજકુમારની પાર્ટી કોંગ્રેસ અને તેમના પરિવારે દેશમાં બંધારણ લાગુ થવા દીધું ન હતું. કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ પડતું ન હતું. કલમ 370 દિવાલની જેમ બેઠી હતી. સરદાર પટેલની ભૂમિમાંથી આવેલા આ પુત્રએ તે 370ને જમીનદોસ્ત કરી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમણે કહ્યું કે, યોગાનુયોગ આજે ભારતમાં કોંગ્રેસ નબળી પડી રહી છે. મજા એ છે કે અહીં કોંગ્રેસ મરી રહી છે અને ત્યાં પાકિસ્તાન રડે છે. હવે પાકિસ્તાની નેતાઓ કોંગ્રેસ માટે પ્રાર્થના કરી રહ્યા છે. પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા માટે તલપાપડ છે. અને કોંગ્રેસ પાકિસ્તાનની ચાહક છે. પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચેની આ ભાગીદારી હવે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે.
આ પણ વાંચો – પીએમ મોદી ગુજરાત પ્રવાસ, ગઈકાલે ડીસા અને હિંમતનગરમાં જુઓ શું કહ્યું
પીએમએ આદીવાસી મતદારોને આકર્ષવા કહ્યું કે, કોંગ્રેસ ક્યારેય સમજી શકી નથી કે, આપણા દેશમાં આદિવાસી સમાજ છે. આટલા વર્ષો સુધી કોંગ્રેસે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય પણ નથી બનાવ્યું. ભાજપ સરકારે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય અને અલગ બજેટ બનાવ્યું.





