Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેમ-જેમ તારીખ નજીક આવે છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર વધુ જોર-શોરથી ચાલી રહ્યો છે. આ અંતર્ગત ભાજપને ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત થાય તે માટે પીએમ નરેન્દ્ર મોદી પમ ગુજરાત પ્રવાસે વારંવાર આવી રહ્યા છે. પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં સંકલ્પ સમેલનમાં હાજરી આપી જેમાં તેમણે સુનેન્દ્રનગરની પ્રજાનો આભાર માન્યો અને ભાજપે કરેલા કામ, ગુજરાતના વિકાસના વખાણ કરી દરેકને સાથ, સહયોગ અને સમર્થન આપવા હાકલ કરી છે.
તેમણે પોતાના ભાષણમાં સૌપ્રથમ હાજર સંતોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, હું સૌથી પહેલા પૂજ્ય સંતોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મને ખાતરી છે કે સંતોના આશીર્વાદ ક્યારેય એળે ના જાય, સંતોની વાણી ક્યારેય વામણી ના હોય આ મારું સદભાગ્ય છે આ અમારા બધાનું સદભાગ્ય છે. તેમણે નર્મદા યોજના પર કહ્યું કે, સૌથી મોટો લાભ કોઈ જિલ્લાને મળશે એવું મેં કહ્યું હતું, એ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે અને આજે એ લાભ તમને પહોંચી ગયો છે. અમે સંકલ્પની અંદર પરિશ્રમ કરીને સિદ્ધિ લાવતા હોઈએ છીએ, આ કામ અમે કર્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતમાં ઘરે ઘરે 24 કલાક વીજળી પહોંચાડવી એ કામ અઘરું છે જાણું છું પણ અઘરા કામ કરવા માટે મને બેસાડ્યો છે. અઘરા કામ કરું પણ છું અને કામ કરીને બતાવું પણ છું. અમારો સુરેન્દ્રનગર જિલ્લો મીઠું પકવવાની અંદર એક્કો. હિંદુસ્તાનનું 80% મીઠું ગુજરાતમાં પેદા થાય છે. એનાથી લાખો લોકોને રોજગાર મળે છે.
તેમણે શિક્ષણ વિશે વાત કરતા કહ્યું કે, આજે ભાજપની સરકારે 100 જેટલી યુનિવર્સિટીઓ બનાવી દીધી છે, 5 ગણો વધારો કર્યો છે. પહેલાના સમયમાં ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માટે બીજા રાજ્યમાં જવું પડતું હતું આજે બીજા રાજ્યના જુવાનિયાઓ ગુજરાતની ધરતી પર ભણવા માટે આવે છે. વાર તહેવારે થતા અપમાન હું ગળી જાઉં છું કારણ કે, મારે આ દેશના 130 કરોડ લોકોનું ભલું કરવું છે, મારે આ ભારતને વિકસિત ભારત બનાવવું છે.
આ પણ વાંચો – ગુજરાતને બદનામ કરનારાથી બચીને રહો, આવા લોકોએ ગુજરાતમાં ન રહેવું જોઈએ: PM મોદી
મોદીએ વધુમાં કહ્યું કે, ગુજરાત એકવાર ચીલો ચાતરે ને તો, આખો દેશ પાછળ ચાલવાનો છે માનીને ચાલજો. મતદાર એ મત આપનારો દેવતા છે, ઈશ્વરનું રૂપ છે, એ તીર્થયાત્રા છે. મતદારને તમે તીર્થયાત્રા કરતા હોવ ત્યારે મારા પણ પ્રણામ પાઠવજો. માતાઓ બહેનોના આશીર્વાદ એતો મારી મૂડી છે. ગુજરાતની જનતાએ કામ કરનારી સરકારને સાથ, કામ કરનારી સરકારને સહયોગ, કામ કરનારી સરકારનું સમર્થન એવો નવો રાજકીય ચીલો ચીતર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સ્થિતિ જોઈને મેં આ ધરતી પર આવીને શપથ લીધા હતાં કે આ પરિસ્થિતિ બદલવા માટે દિવસરાત મહેનત કરીશું અને આ ધરતીને પાણીદાર બનાવીશું. કારણ કે, અહિંના લોકો પાણીદાર છે.