scorecardresearch

મોઢેરામાં સૌરઊર્જાના વધામણા, ‘એ મેહોણાવાળાને રામ-રામ, ‘સૂર્યના પ્રકાશની જેમ વિકાસ દરેક સુધી પહોંચે તે માટે તમારા આશિર્વાદની જરૂર’

PM Narendra Modi Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોઢેરા ખાતે જનસભા સંબોધી (PM Narendra Modi modhera speech) , જેમાં પીએમ મોદીએ કહ્યું કે, મનુષ્ય જાત માટે વીજળી અને પાણી જીવન જરૂરિયાતની વસ્તુ છે. મે સૌપ્રથમ ઉત્તર ગુજરાતમાં વીજળી અને પાણી લોકોને સહેલાઈથી મળી રહે તે માટે કામ કર્યું.

મોઢેરામાં સૌરઊર્જાના વધામણા, ‘એ મેહોણાવાળાને રામ-રામ, ‘સૂર્યના પ્રકાશની જેમ વિકાસ દરેક સુધી પહોંચે તે માટે તમારા આશિર્વાદની જરૂર’
વડાપ્રધાન મોદીની ફાઈલ તસવીર

PM Narendra Modi Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ મહેસાણા-બેચરાજી રોડ પર આવેલા દેલવાડ ખાંટ ગામ ખાતે પહોંચી સૂર્યનગરી (modhera sun temple) મોઢેરામાં સૌરઊર્જાના વધામણા કરી મોઢેરાને ભારતનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ જાહેર કર્યું અને સૌરઊર્જાના વિવિધ પ્રોજેક્ટો તથા, મહેસાણા (Mehsana) જિલ્લામાં રૂપિયા 3092 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોઢેરા ખાતે જનસભા સંબોધી, જેમાં પીએમ મોદીએ કહ્યું કે, મનુષ્ય જાત માટે વીજળી અને પાણી જીવન જરૂરિયાતની વસ્તુ છે. મે સૌપ્રથમ ઉત્તર ગુજરાતમાં વીજળી અને પાણી લોકોને સહેલાઈથી મળી રહે તે માટે કામ કર્યું. ગુજરાત રાજ્યમાં 20-22 વર્ષના છોકરાને એ ખબર નહીં હોય કે, કર્ફ્યૂ કેવો હોય છે, તેમાં કેવો માહોલ હોય છે. આ કાયદો અને વ્યવસ્થા ગુજરાત સરકારે કરી. તમે મારા પર વિશ્વાસ કર્યો અને મે રાત-દિવસ તમારા વિશ્વાસની શક્તિના આધારે કામ કર્યું અને આજે ગુજરાતને દેશ-વિદેશમાં ખ્યાતી અપાવી.

પીએમ મોદીએ શું કહ્યું?

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોઢેરા ખાતે જનસભા સંબોધી, જેમાં પીએમ મોદીએ કહ્યું કે, આજે મોઢેરા માટે મહેસાણા માટે અને પુરા ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઊર્જાનો સંચાર થયો છે. વીજળી પાણીથી લઈ રોડ રેલ સુધી, ડેરીથી લઈ કૌશલ વિકાસ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ વિકાસનું લોકાર્પણ થયું છે. હજાર કરોડના આ પ્રોજેક્ટથી રોજગાર, ખેડીતોનું જીવન ધોરણ ઊંચુ આવશે. હેરિટેજના વિકાસ સાથે અનેક લોકોનો વિકાસ થશે. તમને બધાને આના માટે ખુબ શુભેચ્છા. તેમણે ઉત્તર ગુજરાતમાં મહેસાણાની ભાષામાં મેહોણાવાળાને રામ રામ’ કહેતા ભારત માતકી જયના નારા લાગ્યા હતા.

તેમણે વધુમા કહ્યું કે, ભગવાન સૂર્યના ધામમાં છીએ, સુખદ સંયોગ એ છે કે, આજે શરદ પુર્ણિમા અને મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતી પણ છે, એટલે આજે ત્રિવેણી સંગમ થઈ ગયો. તમને બધાને શરદ પૂનમ અને વાલ્મિકી જયંતિની શુભકામના. તેમણે કહ્યું કે, તમે ટીવીમાં, પેપરમાં જોતા હશો કે, મોઢેરા ગામની ચર્ચા હાલમાં દેશભરમાં થઈ રહી છે. આજનો દિવસ પુરા મહેસાણા અને ઉત્તર ગુજરાતના લોકો માટે ગર્વનો દિવસ. મોઢેરાના સૂર્યમંદિરને ધ્વસ્ત કરવા માટે અનેક આક્રમણો થયા, ત્યારે આજે પૌરાણિક સ્થળ આધુનિકતા સાથે દુનિયા માટે મિશાલ બની રહ્યું. તેમણે કહ્યું, જ્યારે પણ વિશ્વમાં સૌર ઉર્જાની વાત થશે ત્યારે મોઢેરાનું નામ પહેલા લેવામાં આવશે. અહીં દરેક ઘરમાં લાઈટ, ગાડી, બધુ જ સોલર પાવરથી ચાલી રહ્યું.

તેમણે કહ્યું કે, 21મી સદીના ભારત માટે આપણે આજ રીતે પ્રયત્નો કરતા રહેવું પડશે. હું ગુજરાતને, દેશને આવનારી પેઢીને સુરક્ષા મળે તે માટે દિવસ રાત એ દિશામાં દેશને લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો. હવે લોકો કહે છે કે, વીજળી ઘર પર જ પેદા થાય છે, અને વીજળીનો જરૂર પુરતો ઉપયોગ કરી પાછા વીજળી વેચી પૈસા પણ મળે. લાઈટ બીલથી છૂટકારો, આને કહેવાય બે હાથમાં લાડુ. પહેલા સરકાર વીજળી પેદા કરતી અને પ્રજા ખરીદતી, હવે પ્રજા વીજળી પેદા કરશે અને સરકાર તે ખરીદશે. ખેડૂતો ખેતરમાં સેઢા પર સોલર પેનલ લગાવી વધારાની આવક પેદા કરી શકે છે. સરકાર આના માટે આર્થિક મદદ કરી રહી. સૌર ઊર્જાથી ચાલતા પંપ બનાવવાનો પ્રયત્ન.

તેમણે કહ્યું, 20-22 વર્ષના જવાનીયાને ખબર નહીં હોય મહેસાણા જિલ્લાના હાલ પહેલા કેવા હતા. વીજળી ગઈ એના નહીં પરંતુ વીજળી આવી તેના સમાચાર લોકો આપતા, બહેનોને 3 કિમી પાણી માટે દૂર જવું પડતુ. વીજળીના અભાવે ભણવું મુશ્કેલ, ટીવી-પંખા તો ભાગ્યેજ જોવા મળતા, આવો અભાવ હતો. ગણિત-વિજ્ઞાનના ક્ષેત્રમાં મહેસાણ જિલ્લો અવ્વલ. વિદેશમાં જાઓ કે કચ્છની સ્કૂલોમાં જુઓ મહેસાણા જિલ્લાનો માણસ જ હશે. પહેલા કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ ખરાબ હતી, લોકોને અમદાવાદ ખરીદી માટે આવવું હોય તો લોકો સમાચાર લેતા કે, અમદાવાદમાં શાંતી છેને. આજે 20-22 વર્ષના યુવાનને કર્ફ્યૂ કેવો હોય તે જોયો નથી તેવી શાંતી ગુજરાતમાં કરી બતાવી છે. આ બધુ હું તમે મારા પર બે દાયકાથી મુકેલા વિશ્વાસથી કરી શક્યો છું. આજે વિદેશમાં ભારતનું અને ગુજરાતનું નામ ગુંજી રહ્યું છે, તમે મારા કામને જોયું, અને મારા કામ પર મહોર મારતા રહ્યા. તમારા વિશ્વાસથી જ મને કામ કરવાની શક્તિ મળે છે.

પીએમ મોદીએ કહ્યું કે, મે સૌપ્રથમ વીજળી, પાણી, આરોગ્ય, ખેતી, રસ્તા, રેલ્વે પર ધ્યાન કેન્દ્રીત કર્યું, અને આ બધુ હોય તો ઉદ્યોગો આવે, વિકાસ થાય, લોકોનું જીવન ધોરણ સુધરે, તે માટે એક પછી એક પ્રયત્નો કર્યા. બસ હવે મોઢેરાનો વિકાસ પણ આજ રીતે થશે, અનેક ટુરિસ્ટો આવશે, રોજગારી વધશે. બસ તમારે એટલું ધ્યાન રાખવાનું કે ટુરિસ્ટ નારાજ ન થાય. આજે 15 વર્ષની મહેનત બાદ લોકોને સુજલામ સુફલામ કેનાલ યોજનાથી ખેતરો લીલીછમ થવા લાગ્યા, લોકો ત્રણ-ત્રણ પાક લેવા લાગ્યા. એટલે જ 20-22 વર્ષના છોકરાઓને ખબર નથી કે કેવી-કેવી મુશીબતોમાંથી અમારી સરકારે ગુજરાતને બહાર લાવ્યું છે.

તેમણે કહ્યું કે, જાપાનના લોકો અહી આવે, અહીં ગાડી બનાવે, અને જાપાનમાં ગાડી જાય. પહેલા ગુજરાતમાં સાયકલ બનાવવાના ફાંફા હતા, ત્યાં ગાડીઓ બની રહી, મેટ્રોના કોચ બનવા લાગ્યા અને એ દિવસ પણ દૂર નહીં આ આકાશમાં વિમાન બની રહ્યું તે પણ ગુજરાતમાં બનતું હશે. અને આ બધુ બહુચરાજીમાં થઈ શકે છે. પહેલા બહુચરાજી, મોઢેરા, ચાણસ્મા પહેલા જવું હોય તો સિંગલ પટ્ટી રોડ હતા આજે હવે ફોર લેન રોડ બની રહ્યા, બધાને યાદ છે ને, રેલવે લાઈન નખાઈ રહી. પહેલા એક મહિનાનો મેડિકલ સ્ટોરમાં હજાર રૂપિયાની લોકોને ખર્ચ થતો, આજે જન ઔષધી સ્ટોરમાંથી તમે એ દવા લોકો 200 રૂપિયા ખર્ચ થાય છે, 800ની બચત થવા લાગી, બધા જન ઔષધી સ્ટોરમાંથી દવા લેવી જોઈએ, ખુબ ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી બપોરે 3.00 કલાક આસપાસ (Ahmedabad) અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીંથી સીધા સાંજે 5.30 કલાકે પીએમ મોદી મહેસાણા-બેચરાજી રોડ પર આવેલા દેલવાડ ખાંટ ગામ ખાતે પહોંચી સૂર્યનગરી (modhera sun temple) મોઢેરામાં સૌરઊર્જાના વધામણા કરી મોઢેરાને ભારતનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ જાહેર કરશે અને સૌરઊર્જાના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું, તથા મહેસાણા જિલ્લાના અનેક વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

તમને જણાવી દઈએ કે, આ સિવાય 10 ઓક્ટોબરે પીએમ મોદી ભરૂચ (Bharuch) જિલ્લામાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તથા જામનગર (Jamnagar) માં વિવિધ કાર્યોનું ખાતમૂહુર્ત કરશે. તો 11 ઓક્ટોબરે અમદાવાલ સિવિલમાં દેશની સૌથી મોટી મલ્ટિ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું લોકાપર્ણ કરશે.

આજે મોઢેરામાં શું કર્યું?

પીએમ મોદીના મોઢેરા આગમન બાદ સૂર્યમંદિરમાં લાઈટ અને સાઉન્ડ શોનું લોકાર્પણ કરશે. સૂર્યમંદિરનું મહત્વ, વિશ્વ અને ભારતમાં સ્થપાયેલા સૂર્ય મંદિરોની માહિતી, આદિત્ય અને પ્રતિકૃતિ આમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, સોમનાથ અને અંબાજીમાં ગબ્બર બાદ મોઢેરા સૂર્યમંદિર ખાતે ત્રીજો લાઈટ અને સાઉન્ડ શો. મહત્ત્વની વાત એ છે કે, સૌર ઉર્જા પર કામ કરશે સૂર્યમંદિર ખાતેનો આ 3ડી પ્રોજેક્ટ શો.

મોઢેરા ગામને 24*7 વિજળી પુરી પાડવા માટે મોઢેરા સૂર્યમંદિરથી 6 કિમી દૂર સુજ્જનપુરા ગામ ખાતે સૌરઊર્જાથી સંચાલીત મોઢેરા સૂર્યગ્રામનું લોકાર્પણ
1300થી વધુ ગ્રામિણ ઘરો પર સોલાર રૂકટોપ્સ સ્થાપિત
સૌર ઊર્જા આધારિત અલ્ટ્રા મોર્ડન ઈલેક્ટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન
ભારતની પ્રથમ ગ્રીડ કનેક્ટેડ MWH સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ
લોકોને વીજળીના બિલમાં 60 ટકાથી 100 ટકા સુધીની બચત

મહેસાણા જિલ્લાના લોકાર્પણ કાર્યક્રમો

સાબરમતીથી જગુદણ રેલવે લાઈન ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ – 511 કરોડ
ONGC નંદાસણના ભૂસ્તરીય તેલ ઉત્પાદન પ્રોજેક્ટ – 335 કરોડ
સુજલામ-સુફલામ સ્પ્રેડીંગ કેનાલ (ખેરવા) થી શીંગોડા તળાવ (વિસનગર) સુધી પાણીના વહન માટે પાઈપલાઈન પ્રોજેક્ટ – 108.19 કરોડ
પાણી પુરવઠા અને માર્ગ નિર્માણના વિવિધ પ્રોજેક્ટ્સ

મહેસાણા જિલ્લાના ખાતમુહૂર્ત કાર્યક્રમ

ચાર માર્ગીય પાટણ-ગોઝારીયા માર્ગ પ્રોજેક્ટ – 1181.34 કરોડ
મોદીના હસ્તે દૂધસાગર ડેરી ખાતે પાવડર પ્લાન્ટ પ્રોજેક્ટ – 300 કરોડ
મહેસાણા દૂધસાગર ડેરી ખાતે UHT મિલ્ક પ્લાન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત – 150 કરોડ
મહેસાણા સિવિલ હોસ્પિટલનું પુનનિર્માણ કામ – 171 કરોડ
ONGC – નોર્થ કડી ખાતે પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ પ્રોજેક્ટ

PM નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે શું કરશે?

પીએમ મોદી 10 ઓક્ટોબર સોમવારે બપોરે 11 વાગે ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પહોંચશે અને 8000 કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનું લોકાપર્ણ કરશે.
બપોરે 3.15 કલાકે તેઓ શૈક્ષણિક સંકુલનું લોકાપર્ણ ખાતમુહૂર્ત કરશે.
ત્યારબાદ 5.30 કલાકે પીએમ જામનગર પહોંચશે અને ત્યાં વિવિધ કાર્યોનું ખાતમૂહુર્ત કરશે.

PM નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે શું કરશે?

બપોરે 2.15 કલાકે વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દેશની સૌથી મોટી મલ્ટિ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું લોકાપર્ણ કરશે. આ હોસ્પિટલ પાછળ 1300 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે.
આ કાર્યકમ પતાવી પીએમ મોદી સીધા જ ઉજ્જૈન જવા રવાના થશે. તેઓ લગભગ 5.45 કલાકે પહોંચશે અને નવનિર્મિત મહાકાલ કોરીડોરનું લોકાપર્ણ કરશે.

Web Title: Pm narendra modi modhera speech solar projects development works

Best of Express