PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ બહેનો સાથે વાતચીત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ દસ પસંદ કરેલી લખપતિ બહેનો સાથે વાતચીત કરી હતી અને તેમાંથી પાંચને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદીના ભાષણની 5 મોટી વાતો
- પીએમ નરેન્દ્ર મોદીએ નવસારીના વાનસી-બોરસીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં કહ્યું હતું કે શાસ્ત્રોમાં મહિલાઓને નારાયણી કહેવામાં આવી છે. નારીનું સન્માન એ સમાજ અને દેશના વિકાસ તરફનું પ્રથમ પગલું છે. આથી ભારતને વિકસિત દેશ બનાવવા માટે, ભારતના ઝડપી વિકાસ માટે, આજે ભારત મહિલા નેતૃત્વવાળા વિકાસના માર્ગે અગ્રેસર થયું છે. અમારી સરકાર મહિલાઓના જીવનમાં ગૌરવ અને સુવિધા એમ બંનેને પ્રાથમિકતા આપે છે.
- પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કે આજનો દિવસ આપણે સૌ માટે મહિલાઓ પાસેથી પ્રેરણા લેવાનો, તેમની પાસેથી શીખવાનો છે. હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું અને તમારો આભાર માનું છું. આજે હું ગર્વથી કહી શકું છું કે હું વિશ્વનો સૌથી ધનિક માણસ છું. મારા જીવનના ખાતામાં કરોડો માતાઓ, બહેનો, પુત્રીઓના આશીર્વાદ છે અને તે સતત વધી રહ્યા છે અને તેથી હું કહું છું કે હું વિશ્વનો સૌથી ધનિક માણસ છું.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નારી શક્તિ વંદન અધિનિયમ વિશે સૌથી ગર્વની વાત એ છે કે એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા આપણા રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી હતી. તે દિવસ દૂર નથી જ્યારે તમારામાંથી કોઈ સાંસદ અથવા ધારાસભ્ય બનશે. ગાંધીજી કહેતા હતા કે દેશનો આત્મા ગ્રામીણ ભારતમાં વસે છે. આજે, હું એક વધુ વાક્ય ઉમેરવા માંગું છું કે ગ્રામીણ ભારતનો આત્મા ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણમાં રહેલો છે.
આ પણ વાંચો – હીરાબા ની તસવીર હાથમાં લઈ રડતો હતો યુવાન, PM મોદીએ તાત્કાલિક તેની ઈચ્છા પૂર્ણ કરી, જુઓ ભાવુક વીડિયો
- પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અહીં નવસારીના આ કાર્યક્રમમાં આપણે નારી શક્તિની તાકાત જોઈ શકીએ છીએ. મહિલાઓએ આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી લીધી છે. આટલી મોટા આયોજનની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓ અને અધિકારીઓ તમામ મહિલાઓ છે. કોન્સ્ટેબલ, એસપી, ડીએસપીથી માંડીને વરિષ્ઠ અધિકારીઓ સુધી, અહીંની સુરક્ષા વ્યવસ્થા મહિલાઓ સંભાળી રહી છે. નારી શક્તિનું આ ઉદાહરણ છે. જ્યારે હું તમને બધાને મળું છું, ત્યારે હું મારા વિશ્વાસને દૃઢ અનુભવું છું કે વિકસિત ભારતનો સંકલ્પ પૂરો થશે અને તેમાં નારી શક્તિ મોટી ભૂમિકા ભજવશે.
- પીએમ મોદીએ કહ્યું કે રાજકારણ હોય કે રમતનું ક્ષેત્ર હોય, ન્યાયતંત્ર હોય કે પોલીસ હોય, દેશના દરેક ક્ષેત્ર અને પરિમાણોમાં મહિલાઓ ચમકી રહી છે. વર્ષ 2014થી દેશમાં મહત્વપૂર્ણ પદો પર મહિલાઓની ભાગીદારી ઝડપથી વધી છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારમાં સૌથી વધુ મહિલા મંત્રી બન્યા છે અને સંસદમાં મહિલાઓની હાજરીમાં મોટો વધારો થયો છે.