ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી પુરજોશથી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આજે વેરાવળ ખાતે ચૂંટણી પ્રચાર માટે આવેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યુ કે, ‘મારે એવી ઇચ્છા છે નરેન્દ્રના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે’.
સોમનાથ દાદાના આર્શિવાદ લીધા
પીએમ મોદીએ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી. વેરાવળ ખાતે યોજાયેલી જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે છતાં હું મહેનત કરી રહ્યો છું.
‘નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે’ એવી મારી ઇચ્છા છે
પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યુ કે, આ વખતની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટવા જોઇએ. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, “આપણો ઉદ્દેશ્ય વધુમાં વધુ વોટ અને વધુમાં વધુ પોલિંગ બૂથ જીતવાનો છે. આ વખતે જનતાએ મતદાનનો રેકોર્ડ તોડવાનો છે. “હું ઈચ્છું છું કે નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે..” ભૂપેન્દ્ર જીતે તેની માટે નરેન્દ્ર કામ કરી રહ્યો છે.”
ગુજરાતના બંદરો ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર
PM મોદીએ તેમના ચૂંટણી ભાષણમાં એ કહ્યું કે, “સૌરાષ્ટ્રમાં આ મારી પ્રથમ ચૂંટણી રેલી છે અને તે પણ સોમનાથની પવિત્ર ભૂમિ પર. કચ્છનું રણ આપણા માટે મોટી સમસ્યા હતું, અમે કચ્છના આ રણને બદલીને ‘ગુજરાતનું તોરણ’ કર્યું. આજે ગુજરાતનો દરિયાકિનારો ધમધમી રહ્યો છે. ગુજરાતના બંદરો ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બની ગયા છે.
નળથી જળ યોજના થકી ઘેર-ઘેર પાણી પહોંચ્યું
પીએમ મોદીએ સરકારની સિદ્ધિઓ ગણાવતાં કહ્યું કે, “પહેલાં લોકોને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી ન હતી. આજે વિવિધ યોજનાઓ થકી દૂર-દૂરના ગામડાઓમાં પાણી પહોંચ્યું છે. પહેલા મહિલાઓને પાણી લેવા માટે દૂર દૂર જવું પડતું હતું, પરંતુ અમે નળથી જળ યોજના મારફતે સૌરાષ્ટ્રના દરેક ઘર સુધી પાણી પહોંચાડ્યું છે. તેથી જ આજે ઉજ્જવલા યોજના દ્વારા મહિલાઓનું જીવન બદલાઈ ગયું છે.”
વડાપ્રધાને કહ્યું કે ગુજરાત સુશાસનથી નવી ઉંચાઈએ પહોંચ્યું છે. તેમણે કહ્યું, “ગુજરાત વિશે ઘણું કહેવાયું હતું, ગુજરાત કશું કરી શકતું નથી, પ્રગતિ કરી શકતું નથી. ગુજરાત સરકારે આ તમામ ધારણાઓને ખોટા પાડ્યા છે. ભાજપે ગુજરાતના બંદરનો વિકાસ કર્યો, દરેક યોજનાએ ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રશંસા કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસ માટે પુષ્કળ કામ કર્યું છે. અમે આગળ પણ ગુજરાતના વિકાસ માટે કામ કરવા માંગીએ છીએ. ફરી એકવાર ભાજપને ગુજરાતમાં સેવા કરવાની તક આપો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પીએમ મોદી રવિવારે 20 નવેમ્બરના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચાર રેલીઓ કરવાના છે. ગૃહમંત્રી અમિત શાહ પણ રવિવારે રાજ્યમાં બે રેલીઓ કરશે. ગૃહમંત્રી અમિત શાહ રવિવારે તાપી અને નર્મદા જિલ્લામાં રેલીઓ કરશે.