ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે જામનગર ગયા હતા. જામનગરમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર સભાને સંબોધી હતી.

આ દરમિયાન પીએમ મોદીએ જામનગરમાં 1500 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ. જેમાં જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં નર્મદાના પાણી પહોંચાડવા માટે 300 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 તેમજ 700 કરોડ રૂપિયાથી વધુના બજેટવાળી લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરવામાં આવ્યું.
જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે, દરિયા કિનારે એટલે કે બેટ દ્વારકા સહિતના વિસ્તારોમાં જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેને મક્કમ મનના મુખ્યમંત્રીએ તોડી પાડ્યા છે. આ ગેરકાયદેસરના બાંધકામનું રાતોરાત ડિમોલેશન કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર બાંધકામ કરનાર દલીલ કર્યા વગર મેદાન છોડીને ભાગી ગયા છે.