મોરબીનું વહીવટીતંત્ર તેની “બેદરકારી” અને “અણઘડ વહીવટ”ના લીધે ઝુલતો પુલ તૂટવાની ઘટનાથી ચર્ચાના કેન્દ્રમાં છે ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં ઓછામાં ઓછા 134 લોકોના મોત થયા છે. હાલ મોરબી નગરપાલિકાના અધિકારીઓ પર ચારેય બાજુ ફિટકાર વરસી રહ્યો છે.
એક બાજુ રવિવારે મોરબીનો ઝુલતો પુલ તૂટવાથી મોટી સંખ્યામાં લોકોના મોત થતા સમગ્ર ગુજરાતમાં માતમનો માહોલ છે અને સમગ્ર રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી આવી રહ્યા છે ત્યારે શહેરની સરકાર દ્વારા સંચાલિત જીએમઇઆરએસ હોસ્પિટલમાં કલરકામ કરવામાં આવી રહ્યુ છે.
મોરબીની કરુણાંતિકાથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મોરબીની સરકારી હોલ્પિટલમાં હાલ કલરકામ અને રિપેરિંગ કામ કરવાની હાલ શું જરૂર છે તેવા પ્રશ્નો થઇ રહ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસે GMERS હોસ્પિટલના પહેલા માળે પીડિયાટ્રિક વોર્ડમાં જ્યાં ઝુલતા પુલની દૂર્ઘટનામાં બચી ગયેલા લોકોની સારવાર કરવામાં આવી રહ્યા છે ત્યારે કાટ લાગેલા ટેબલ – પલંગ અને દિવાલ-બારીઓ પર કલરકામ, તુટેલા ફ્લોરિંગની ટાઇલ્સનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે.
મોરબીમાં માતમ વચ્ચે સરકારી હોસ્પિટલમાં કલરકામ
ઝુલતો પુલ તુટવાથી 134 લોકોના મોત થતા મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં માતમનો માહોલ છે. આ કરુણાંતિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મોરબીની મુલાકાતે જઇ રહ્યા છે તેની પહેલા સરકારી હોસ્પિટલમાં કલરકામ- રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યુ છે. મોરબીની સરકારી હોસ્પિટલની અનેક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં હોસ્પિટલમાં રિપેરિંગ અને કલરકામ થતુ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસે આ દુર્ઘટનાને ‘ઇવેન્ટ’ ગણાવી ટ્વિટ કર્યુ કે, ‘આવતીકાલે પીએમ મોદી મોરબીની સિવિલ હોસ્પિટલ જશે. તેની પહેલા ત્યાં કલરકામ ચાલી રહ્યું છે. ચમકતી ટાઇલ્સ લગાડવામાં આવી રહી છે. પીએમ મોદીના સ્વાગતમાં કોઈ કચાસ રહેવી ન જોઈએ, તેના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તમને શરમ નથી આવતી! ઘણા લોકો મૃત્યુ પામ્યા અને તેઓ ઇવેન્ટમાં વ્યસ્ત છે.
લોકોએ વીડિયો શેર કરી આક્રોશ વ્યક્ત કર્યો
AAP પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે લખ્યું કે, ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો શું કલરકામ કરવામાં આવે છે? હોસ્પિટલની અંદર 134 મૃતદેહો પડ્યા છે અને હોસ્પિટલનું કલરકામ ચાલી રહ્યું છે. મનીષ સિસોદિયાએ લખ્યું કે 27 વર્ષમાં ભાજપે સરકારી હોસ્પિટલોમાં કોઈ કામ કર્યું નથી, આજે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન દેશને ગુજરાતની હોસ્પિટલોની વાસ્તવિકતા, 27 વર્ષની ભાજપની નિષ્ફળતા ન દેખાય તેની માટે, આથી મૃતદેહો વચ્ચે પણ શોકના માહોલમાં કલરકામ કરવામાં આવે છે. આ બધું અત્યંત શરમજનક છે.
આપ પાર્ટીના નેતા નરેશ બાલ્યાને ટ્વીટ કર્યું કે, “અંદર 134 લાશો પડી છે, હોસ્પિટલને બહારથી રંગવાનું કામ ચાલી રહ્યું છે કારણ કે મહામાનવ જી કાલે ત્યાં કેમેરા સાથે સ્ટંટ કરવા જશે. બેશરમીની પણ એક હદ હોય છે.” પત્રકાર રણવિજય સિંહે લખ્યું કે મોરબીની હોસ્પિટલ મોદીજી માટે સજાવવામાં આવી રહી છે. હવે આવતીકાલે કલરફુલ ચિત્ર આવશે. કોઇ મરે તો મરે, ફોટો બગાડવો જોઈએ નહીં. સંજીવ ઝા નામના યુઝરે લખ્યું કે જ્યારે મોરબી જેવી દુખદ ઘટના ઘટે અને 134 લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે શું વડાપ્રધાનના સ્વાગત માટે હોસ્પિટલનું કલરકામ કરવું યોગ્ય છે? કલ્પના કરો કે 134 લોકોના પરિવારના લોકો પર શું વિતી રહી હશે.
તમને જણાવી દઈએ કે, 30 ઓક્ટોબર 2022 રવિવારની સાંજે ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલો કેબલ બ્રિજ તૂટી પડ્યો હતો. આ ભયંકર દુર્ઘટનામાં 150થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાત પ્રવાસે પહોંચેલા પીએમ મોદીએ ગુજરાતના મુ્ખ્યમંત્રી પાસેથી આ દુર્ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી હતી અને રાહત અને બચાવ કાર્ય અંગે સૂચનાઓ આપી હતી. આ પછી 31 ઓક્ટોબરે એક જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદી આ દુર્ઘટનાનો ઉલ્લેખ કરીને ભાવુક થઈ ગયા હતા. તેઓ 1 નવેમ્બરે મોરબી પહોંચવાના છે, જ્યાં હોસ્પિટલમાં ચાલી રહેલા કલરકામ અને રિપેરિંગ કામના ફોટા અને વિડિયો વાયરલ થઇ રહ્યા છે જેની સામે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.





