Poicha Tourist Drowning Accident : પોઇચા ખાતે નર્મદા નદીમાં સુરતના સાત રહેવાસીઓના ડૂબી જવાની આશંકાના બે દિવસ બાદ, નર્મદા જિલ્લા ફાયર વિભાગ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના બચાવ કર્મચારીઓએ ગુરુવારે વધુ ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા છે. એટલે અત્યાર સુધી 6 લોકોના મૃતદેહ શોધવામાં સફળતા મળી છે, હવે સાતમા મૃતદેહની શોધ ચાલુ છે, જે હજુ સુધી મળ્યો નથી.
છ લોકોના મૃતદેહ મળ્યા
ગુરુવારે, બચાવ કાર્યકરોએ સુરતના રહેવાસી 45 વર્ષીય ભરત બાદલિયા અને તેમના બે પુત્રો, 14 વર્ષિય અર્ણવ અને 15 વર્ષના મૈત્રક્ષાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ પહેલા NDRFએ બુધવારે મોડી સાંજે 11 વર્ષના વ્રજ બાદલિયાનો ચોથો મૃતદેહ રિકવર કર્યો હતો, જ્યારે ભાવેશ અને ભાર્ગવ હડિયાના મૃતદેહ બુધવારે બપોરે મળી આવ્યા હતા.
બચાવ ટુકડીઓ હવે 7 વર્ષીય આર્યન જીંજાળા ને શોધી રહી છે, જે મંગળવારે નર્મદા નદીમાં ડૂબી ગયેલા સાતમાં સૌથી નાનો હતો.
વડોદરાથી NDRF એ પોઇચામાં કામગીરીમાં મદદ માટે નર્મદા ફાયર વિભાગની ત્રણ ટીમો સાથે બે ટીમો મોકલી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે મળી આવેલા ત્રણ મૃતદેહો નદીના પ્રવાહમાં વહી ગયા હતા, પોઈચા નર્મદા નદીના કિનારેથી ગ્રુપના સાત સભ્યો પાણીમાં તણાઈ ગયા હતા.
પોઈચા નર્મદા નદીમાં સાત સભ્યો ડુબ્યા હતા
ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના પોઇચા ખાતે મંગળવારે સુરતથી 17 સભ્યોનું ગ્રુપ પ્રવાસે આવ્યું હતુ. ગ્રુપમાં સામેલ એક મહિલાએ જણાવ્યું હતુ કે, સુરતમાં ભાગવત કથા બાદ અમો બધા પવિત્ર નદીમાં સ્નાન માટે અહીં આવ્યા હતા.
મંગળવારે નર્મદા નદીમાં નાહ્વા પડેલા 8 લોકો અચાનક તણાઈ ગયા હતા, સ્થાનિક તરવૈયાઓએ એકને તે જ સમયે બચાવી લીધો હતો, જ્યારે સુરતના છ સગીર (15 વર્ષથી નાના) અને એક 45 વર્ષિય વ્યક્તિ સહિત સાત લોકો નર્મદા વહેતા પાણીમાં તણાઈ ગયા હતા.
આ પણ વાંચો – Poicha Narmada river drown : પોઈચા માં નર્મદા નદીમાં 8 ડૂબ્યા, સાત લાપતા ને શોધવા NDRFની મદદ લેવાઈ
ફાયર વિભાગની ટીમ અને એનડીઆરએફની ટીમ બે દિવસથી ડુબેલા સાત લોકોને શોધી રહી હતી, જેમાંથી બુધવારે ત્રણ લોકો અને ગુરૂવારે ત્રણ લોકોના મૃતદેહ શોધી કઢાયા છે, જ્યારે સાત વર્ષિય બાળકનો મૃતદેહ શોધવાની કામગીરી હજુ ચાલી રહી છે.





